________________
જુલાઈ, ૨૦૧૬
પ્રબુદ્ધ જીવન
આત્મતત્ત્વ-એક ઉજાશ તરફ!
ડૉ. સર્વેશ પ્ર. વોરા
બધી બાબતોને વ્યાખ્યા હેઠળ મૂકવી અથવા વ્યાખ્યામાં બાંધવાનો પ્રયાસ કરવો, એવી વાતોનાં સમીકરણ અથવા ફોર્મ્યુલા તૈયા૨ કરવાં...એ અભિગમ અત્યન્ત છીંછરો અને અવૈજ્ઞાનિક છે, ‘આત્મતત્ત્વ’ આવો એક વિષય છે, જેને વ્યાખ્યામાં કે શબ્દમાં બાંધવાનો પ્રયાસ હંમેશાં પાંગળો સાબિત થતો રહ્યો છે. હા, એ અનુભૂતિનો વિષય છે અને અનુભૂતિના સ્તર, એની કક્ષા દરેક વ્યક્તિના અલગ અને આગવાં જ રહેવાનાં.
અખા એ કહેલું : વસ્તુ ભૂંગાનો ગોળ છે.
કૃપાળુ દેવે કહેલું : એ સ્વરૂપને અન્ય વાણી તે શું છે કહે, ગજાં વગર ને માત્ર મનોરથ રૂપ જો...
પણ
હા, આત્મતત્ત્વ અનંત, જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય સંપન્ન છે, એ અનુભૂતિ પણ કેવળજ્ઞાનીની કક્ષાએથી થતી અભિવ્યક્તિ છે. આપણે એ શબ્દો શ્રવણ કરીએ ત્યારે મોટે ભાગે આપણી હાલત કોઈ ગુજરાતી, ચાઈનીઝ ભાષાની કવિતા સાંભળતો હોય એવી જ હોય છે. પણ જો ચાઈનીઝ ભાષાની બારાખડીમાં તમને પ્રવેશ મળ્યો હોય તો કદાચ તમને એ ભાષામાં પોતીકાપણું લાગવા મંડે!
આપણે ત્યાં કહે છેઃ શ્રુતિ જિનવચનં સઃ શ્રાવક : જે જિનેન્દ્રવચનનું શ્રવણ કરે છે એ શ્રાવક છે. પણ આ ‘સાંભળવું' એટલે શું ? સાંભળવાનું સમજમાં રૂપાંતર થાય તો જ કાંઈ અર્થ છે, અને સમજની કક્ષા પણ દરેકની અલગ હોય છે.
આ સમજની કક્ષા ઊંચે ઉઠે એટલે તમે કેવળજ્ઞાનીની વાતને વધારે સ્પષ્ટતાથી સમજવા લાગો. અરે! દુન્યવી બાબતોમાં પણ હૈયાનું ખેડાણ થતું જાય, તેમ તમારી સમજ સ્પષ્ટ થતી જાય, અને જે સમજ વધુ સ્પષ્ટ બની એ વ્યાપક રીતે સત્ય છે એમ ક્યારે ખબર પડે ? એ ખબ૨ જિન્દગીની સરાણે ચડીને જ પડે. દાખલા તરીકે એક કુમારિકા દીકરી એની માતા પાસેથી સગર્ભા બનવું અને બાળકના જન્મ વિષેની વાતો સાંભળે એ એક કક્ષા થઈ, પછી એ લગ્ન કરે, સગર્ભા બને અને મહિના વધતા જાય અને બાળકને જન્મ આપે...ત્યાર પછીની એની સમજની કક્ષા જુદી જ હશે, અલબત્ત એક દીકરી માને પહેલેથી ઘણી નજીક હોય, પણ પછી એની માતા માટેની સમજની કસા સાવ બદલાઈ જશે.
દેહનાં અસ્તિત્વની સભાનતા કોની પાસે નથી? તમામ સચરાચર જગતના તમામ જીવો દેહ માટે સભાન છે. માત્ર સભાન જ નહીં, ખૂબ આસક્ત છે, બંધાયેલા છે, કન્ડીશન્ડ છે અને આપણામાંના નવ્વાણું ટકા આ દેહ સિવાયના કોઈ તત્ત્વ વિષે જરા
૧૫
પણ સજાગ નથી. તો આ હજારો લાખો, વેદાન્ત, કૃપાળુદેવ-વાણી, તત્ત્વજ્ઞાનીઓનાં પુસ્તકો, વ્યાખ્યાનોમાં રસપૂર્વક હાજરી આપે, ઘણાં તો દેહ અને આત્માના ભેદની વાતો, બકરી પછી ખાય એમ બોલી જાય, એ બધાંનું શું? મુંબઈમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે બનાવેલી ભેળપૂરી મળે, ભલે અંદ૨ મુદ્દામાલ લગભગ એક જ હોય, પણ અમુક જણા અમુક જ ભેળપુરીના બંધાયેલા ગ્રાહક બની જાય. બસ, એવું જ આ બધી દેહ-આત્મ, અનુભૂતિ સંબંધિત વાર્તામાં અને. તો એમાં ખોટું શું છે ?
કશું જ ખોટું નથી. એ બહાને પણ વ્યક્તિ પોતાની અંદ૨નાં દિવ્વતત્ત્વ વિષે સભાન થાય તો ખોટું શું છે?
તકલીફ એ છે કે દેહ-આત્મા અંગેની શાસ્ત્રીય વાતો અનુભૂતિનાં ખેડાણ પછી અમુક કક્ષાએ પહોંચેલા મહાત્માઓ દ્વારા રજૂ થઈ હોય છે. અહીં ‘કક્ષા’ જ ચાવીરૂપ શબ્દ છે. તમે બજારમાંથી બલ્બ તો લઈ આવો, પણ એની સાર્થકતા-વીજળીના ચમકારાથી થાય. એમ તમે આત્મતત્ત્વ વિષે ભલે ખૂબ સાંભળો કે વાંચો, પણ તમારી કક્ષા (બૌદ્ધિક કક્ષા કે શબ્દોનું પાંડિત્ય નહીં જ) ઉચ્ચત્તર ન થાય તો કદી જ તમને આત્મતત્ત્વની અનુભૂતિની પ્રાથમિક ઝાંખી પણ નહીં થાય.
તો પ્રશ્ન આવશે: આ આત્મતત્ત્વની પ્રતીતિની કક્ષા પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ? આ પ્રશ્નમાંથી જ ધર્મનું સંસ્થાકરણ, સંપ્રદાયો અને અનેક હઠાગ્રહી ગોટાળા ઊભા થયા. એક દાર્શનિકે કહ્યું છે એમ...It is a pathless path. હું મારા સંતાનને કહી શકતો નથી કે આવતી કાલે સવારે નવથી તું ફલાણા કે લાણીના પ્રેમમાં પડજે, આ આત્મતત્ત્વ અથવા જાતની અંદરનાં દિવ્યત્વ તરફની યાત્રા સંપૂર્ણપણે આંતરિક ઘટના છે.
હા, દેહ નાશવંત છે, આત્મા જ અજરઅમર છે, આ વાત અનેક પાંડિત્યપૂર્ણ રૂપે, અનેક શૈલીથી આપણને કહેવામાં આવે, ગોખાવવામાં આવે, પણ જેમ અણુશક્તિમથક કામ કરતું થાય, જેને અંગ્રેજીમાં ‘ક્રિટિકલ સ્ટેજ' કહે છે, ત્યારે એક સૂક્ષ્મ વિસ્ફોટ થાય એમ આપણાં હૈયામાં એક સૂક્ષ્મ વિસ્ફોટ થાય...માત્ર દેહની શિકતા નહીં, પણ આપણી અંદર રહેલાં દિવ્યતત્ત્વની ઝાંખી થાય...એ બન્ને ઘટના સાથે બને એને શાબ્દિક ગોખણપટ્ટી સાથે સંબંધ નથી. હજારો પ્રવચનો સાંભળો, અમુક તમુકની કંઠી બાંધો, અમુક તમુકની ‘બ્રાન્ડ’ પહેરો તો પણ ન થાય અને કદાચ થઈ પણ જાય, પણ એ પ્રતીતિનાં કારણામાં તમારી આંતરિક ઘટના જ હોય,