________________
તા. ૧૬-૭-૯૮
પ્રબુદ્ધજીવન
ચીમનભાઇને એકલા રહેવું ન ગમે. ઘરે એકલા હોય તો વાંચે કે ટી.વી. જુએ કે રેડિયો સાંભળે. પરંતુ ચીમનભાઇ આખા દિવસમાં બહારની કોઇ વ્યક્તિને મળ્યા ન હોય એવું તો જવલ્લે જ બને. ઘણી જુદી જુદી સંસ્થાઓમાં પોતે સંકળાયેલા રહ્યા હતા એટલે કોઇક ને કોઇક મિટિંગ કે કાર્યક્રમ ચાલતા જ હોય. એમની ડાયરી મહિના અગાઉ ભરાઇ ગયેલી હોય. એમ છતાં કોઇ દિવસ ખાલી પડે તો પોતાના અંગત સ્નેહી મિત્રોમાંથી કોઇકની સાથે કોઈક રેસ્ટોરાંમાં મળવાનું-જમવાનું તેઓ ગોઠવી જ દેતા.
ચીમનભાઈ સમયપાલનના બહુ ચુસ્ત આગ્રહી હતા. તેઓ ક્યાંય મોડા પડ્યા હોય એવું ક્યારેય બન્યું નથી. સામાન્ય રીતે તેઓ દરેક સ્થળે અડધો કલાક કે કલાક વહેલા પહોંચે. કટોકટ સમય રાખી નીકળવાનું એમને ગમે નહિ. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં સવારના સાડા સાતે ભક્તિસંગીતનો કાર્યક્રમ ચાલુ થાય, પરંતુ તેઓ સાડા છ વાગ્યામાં હોલ પર પહોંચી ગયા હોય. સંસ્થાના કાર્યક્રમો પણ સમયસર ચાલુ કરવાનો તેઓ આગ્રહ રાખતા.
ચીમનભાઈ ચીવટના માણસ. દરેક કામ ચીવટપૂર્વક કરે. સમય બગાડે નહિ. કામોની યાદી નોંધી રાખે અને દરેક કામ વેળાસર પાર પાડે. એમને સોંપેલું કામ સમયસર અવશ્ય થયું જ હોય. જો કોઈ કામ એમનાથી શક્ય ન હોય તો નિખાલસતાથી ના કહી દે. વચ્ચેનાં કેટલાંક વર્ષો દરમિયાન પોતે છાપામાં કે સામયિકમાં જે કંઈ વાંચ્યું હોય તેનું કટિંગ કે ઝેરોક્ષ કરી એ વિષયમાં રસ ધરાવનાર મિત્રને તેઓ અચૂક મોકલી આપે. આંખે મોતિઓ આવ્યા પછી અને ઉતરાવ્યા પછી ઝીણા અક્ષર વાંચવાની એમની તકલીફ વધી હતી એટલે એમની કટિંગ-ઝેરોક્ષની પ્રવૃત્તિ મંદ પડી હતી, પણ બંધ પડી નહોતી.
સ્વ, ચીમનભાઇ મુંબઇના ગુજરાતી સમાજની ઘણી વ્યક્તિઓ સાથે સતત સંપર્કમાં રહેતા, રોજ કેટલાયના ફોન આવે અને પોતે પણ ફોન કરતા રહે. એથી સમાજમાં જે કંઈ અવનવી ઘટનાઓ બને એનાથી પોતે સતત માહિતગાર રહેતા. કોઇ બાબત વિશે જાણવું હોય તો ચીમનભાઇનો સંપર્ક ક૨વાથી તરત છેલ્લામાં છેલ્લી અધિકૃત માહિતી સાંપડી રહે. કોઇનો ફોન નંબર જોઇતો હોય તો
એમની પાસેથી તરત મળી રહે.
ચીમનભાઇને ભોજનની વિવિધ વાનગીઓનો શોખ ખરો. તેઓ ખાય ઓછું, પણ ભાવતી વાનગીઓ હોવી જોઇએ. વસ્તુતઃ તેઓ ખાવા કરતાં ખવડાવવાના શોખીન વધારે હતા. એ વિષયમાં તેમને સમજ પણ વધારે પડે અને ઓછા ખર્ચમાં વધુ સારું ભોજન કેમ મેળવી શકાય તેની ખબર પણ રાખે. કોઇક પ્રસંગે મિત્રો-સંબંધીઓને જમાડવાના હોય અને જવાબદારી ચીમનભાઇને સોંપી દીધી હોય તો પછી નિશ્ચિત થઇ જવાય. કેટલીયે રેસ્ટોરાંના બેરો પણ એમનાથી પરિચિત કારણ કે એમના તરફથી તે દરેકને કંઇક અવનવી ભેટ મળી જ હોય.
ચીમનભાઇ પ્રવાસના ઘણા શોખીન હતા. સ્વ. પરમાનંદભાઇ કાપડિયા સાથે તેઓ પ્રવાસનું સરસ આયોજન સંઘના ઉપક્રમે કરતા. જૈન સોશ્યલ ગ્રુપની સ્થાપના પછી એના ઉપક્રમે પણ તેઓ પ્રવાસ યોજતા. પ્રવાસ વ્યવસ્થિત અને સગવડભર્યો હોય તો તેમને વધુ ગમતું. કેટલાંક વર્ષ પહેલાં ભાવનગરમાં તેઓ પડી ગયા અને કમરમાં તકલીફ થઇ અને નીચે બેસવાનું બંધ થયું ત્યારપછી તેઓ પ્રવાસ ક૨વાનું ટાળતા અથવા પોતાની બધી સગવડ બરાબર સચવાશે એવી ખાતરી હોય તો જ પ્રવાસ કરતા. તેઓ ત્રણ વાર અમેરિકા જઇ આવ્યા હતા. ભારતમાં પણ ઘણાં સ્થળોનો એમણે પ્રવાસ કર્યો હતો. છેલ્લા દાયકામાં તેઓ મુખ્યત્વે દેવલાલી કહાનગરમાં જઇને રહેતા. અને આધ્યાત્મિક પ્રવચનો સાંભળતા.
મોતિયાના ઓપરેશન પછી અને દાદર ચઢવા ઊતરવાની અને નીચે બેસવાની તકલીફ ચાલુ થયા પછી, છેલ્લાં કેટલાંક વર્ષથી
૩
ચીમનભાઇ બહાર ગયા હોય તો ઘરે પાછા ફ૨વા માટે ગાડી કે ટેક્સીની વ્યવસ્થા અંગે હંમેશા સર્ચિંત રહેતા ને અગાઉથી પાકું કરી લેતા કે જેથી મૂંઝવણ ન થાય. ટેક્સીમાં બેસે ત્યારે ઘણુંખરું આગળ બેસે, ટેક્સીવાળા સાથે દોસ્તી બાંધી લે અને કંઇક ભેટ આપે. એથી કેટલાક ટેક્સીવાળા તો એમના નિશ્ચિત સમયે તે સ્થળે આવીને ઊભા રહેતા. પોતાની શારીરિક મુશ્કેલીને કારણે એમનો સ્વભાવ એવો થઈ ગયો હતો કે વાહનવ્યવસ્થામાં વિલંબ થાય તો તેઓ થોડા અસ્વસ્થ થઇ જતા.
ચીમનભાઇમાં વિનમ્રતાનો ગુણ પણ સારો વિકસેલો હતો. પોતે મોટા માણસ છે એવું બીજાને ક્યારેય લાગવા ન દે. એમની વાતમાં મોટાઇ કે ઘમંડ ન વરતાય. ‘હું હું' મેં મેં' જેવા શબ્દો એમની વાતચીતમાં આવે નહિ. એમની હાજરીમાં ભાર ન લાગે પણ હળવાશ અનુભવાય. તેઓ સંવેદનશીલ હતા અને હંમેશાં બીજાને મદદરૂપ થવાનો પ્રયત્ન કરતા. લેખકો, પત્રકારોને તેઓ ખાનગીમાં આર્થિક સહાય કરતા, ગ્રંથપ્રકાશન માટે રકમ આપતા અને અપાવતા. કોઈ પણ કવિ-લેખકની કોઈક સરસ કૃતિ વાંચી હોય તો પ્રશંસાનો પત્ર લખતા. બહારગામના નવોદિત અજાણ્યા લેખક-લેખિકાની કૃતિ પોતાને ગમી હોય તો પ્રોત્સાહનનો પત્ર લખતા. ભેટ મોકલતા. આર્થિક સહાય પણ કરતા.
સતત જાહેર પ્રવૃત્તિઓ, ભિન્નભિન્ન સંસ્થાઓના હોદ્દેદાર તરીકે કામ કરતા રહ્યા હોવાને લીધે તથા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરતા રહ્યા હોવાને લીધે સભાસંચાલનની કુશળતા એમનામાં કુદરતી રીતે ખીલી હતી. વળી એને લીધે તેઓ અનેક લોકોના સન્માન્ય બન્યા હતા. આથી તેઓ જ્યાં જાય ત્યાં અનેક પરિચિતો મળે. સૌ કોઈ એમને મંચ પર બેસવા અને બે શબ્દો બોલવા માટે આગ્રહ
કરે. એમને બોલવું ગમે. તેઓ વક્તા તરીકે પણ કુશળ હતા. પૂર્વ તૈયારી પણ સારી કરે. તેમના જાહેર કાર્યક્રમોના કલાકોનો જો સરવાળો કરવામાં આવે તો તેઓ નીચે શ્રોતાગણમાં જેટલા કલાક બેઠા હતા એના કરતાં મંચ પર વધુ સમય બેઠા હતા. આ એમની લોકપ્રિયતા અને સંનિષ્ઠાની પ્રતીતિ કરાવે છે. એમનો પરિચિત ચાહક વર્ગ કેટલો મોટો હતો તે ત્યારે જોવા અનુભવવા મળતું.
જાહેરમાં કોઇને પણ મળતી વખતે ચીમનભાઈ ઉતાવળ કે મોટાઇ
બતાવે નહિ. નાનામોટા સૌની સાથે ભળી જઇને વાત કરતા.
ચીમનભાઇની ઉપસ્થિતિમાં હંમેશાં ઉષ્મા, આનંદ અને ઉત્સાહ અનુભવાય. મૂંઝવણભરી પરિસ્થિતિમાં એમની પાસેથી માર્ગદર્શન મળે. કોઇવાર પોતાને કશી વાતની ખબર કે સમજ ન હોય તો દંભ ન કરતાં નિખાલસભાવે તેઓ સ્વીકાર કરી લેતા. તેઓ સતત જિજ્ઞાસુ ૨હેતા. પોતાના પ્રશ્નથી કોઇ હાંસી ઉડાવશે કે શું આટલી પણ ખબર નથી ?' એવો ડર કે સંકોચ તેઓ ક્યારેય રાખતા નહિ.
શ્રી મુંબઇ જૈન યુવક સંઘે પોતાના સિત્તેર વર્ષના ઇતિહાસમાં પોતાના કોઇ હોદ્દેદારનું જાહેરમાં જો સન્માન કર્યું હોય તો તે શ્રી ચીમનભાઇનું અને તે પણ બે વખત. એક તે તેમણે મંત્રી તરીકે ૨૫ વર્ષ પૂરાં કર્યા ત્યારે અને ત્યાર પછી તેઓ ઉપપ્રમુખ તરીકે નિવૃત્ત થયા ત્યારે. સંઘના ઉપક્રમે ચીમનભાઇના સન્માનનો કાર્યક્રમ બે વાર યોજાયો તે એમની મોટી સુવાસની અને લોકાદરની પ્રતીતિ કરાવે છે. આ બીજા પ્રસંગે એમના પુત્ર શ્રી નીતિનભાઇએ સંઘને રૂપિયા એકાવન હજારની ભેટ આપી હતી.
સ્વ. ચીમનભાઇ જીવનભર સક્રિય રહ્યા હતા. અનેક કાર્યક્રમોના આયોજકે પોતાના જીવનનું આયોજન પણ દષ્ટિપૂર્વકનું કર્યું હતું. તેમણે જીવનને પ્રેમથી જાણ્યું હતું અને માણ્યું હતું. આનંદ એમના જીવનનો પર્યાય હતો.
સ્વ. ચીમનભાઇના પુણ્યાત્માને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. ] રમણલાલ ચી. શાહ