________________
૧૨
પ્રબુદ્ધજીવન
એક વળાંક I ડૉ. ગુલાબ દેઢિયા
વતન જવાની વાત આવે કે મન વરઘોડાની મોખરે નાચતા નાના બાળકો જેવું બનીને, સાત કામ છોડી એ પ્રદેશની લટારે નીકળી પડે છે. વતન એક વ્યસન જેવું છે. એની તલપ હોય છે. એ કેમ આનંદ આપે છે એની ખબર નથી પડતી. આમેય આનંદનાં મૂળ મનમાં જ હોય છે. મૂળિયાં અજવાળાથી છેટાં રહે છે. પ્રવાસ આરંભાય તેના બે દિવસ અગાઉથી જ મન ચિત્રો રચવા માંડે છે. જૂનાં ચિત્રો પ૨ની ૨જ ખંખેરે છે. ચિત્રોમાં ગમતા રંગ ભરે છે. મન મગજને નોખા પાઠ પણ ભણાવે છે.
તન-મનમાં એવો હર્ષ હોય છે કે પ્રવાસનાં કષ્ટ એ ખમી લે છે. ભીતરનો આનંદ અછતો રહેતો નથી. આખો પ્રવાસરસ્તો વ્હાલો લાગે છે.
ગામ ઊંચાઇ પર હોય તો દૂરથી દેખા દે, ટેકરીઓ પાછળ સંતાયેલું હોય કે વનરાજિથી ઘેરાયેલું હોય તો સાવ નજીક પહોંચીએ કે હાઉક કરતું પ્રગટે, પણ મનને એનાથી ફેર નથી પડતો. એ તો પંડમાં ગામ લાવ્યું જ હોય છે. જેમ જેમ ગામ નજીક પહોંચતા જઇએ તેમ તેમ ઉત્સુકતા વધતી જાય. પરિચિત ભોમકા હોવા છતાં ઉગ્રીવ થઇ ચોપાસ નીરખ્યા કરીએ. સીમ અને અર્ધી ક્ષિતિજ આંખમાં ભરી લઇએ. ગામનો સીમાડો વરતાયો. ઝાડવાં દેખાયાં કે ખલાસ ! પછી મન ઝાલ્યું રહે ? શ્વાસની ગતિ બદલાઇ જાય છે. ઝાડ એ તો ઝાડ છે પણ પોતાના ગામનાં ઝાડ સૌથી નોખાં છે. એ આકાર, રંગ બધું પોતીકું લાગે છે. આંખો સીમ, સેઢા, ખેતરો, કોતરો નદી ટેકરાની ખબર પૂછતી ફરી વળે છે. સમગ્ર વાતાવરણમાં જ પોતીકાપણું લાગે ત્યારે એના જાદુમાંથી બચી ન શકાય.
ગામની આપણી માયાને ગામમાં રહેનાર કદાચ ન પ્રમાણી શકે. એને માટે બધું રોજનું છે. વતનને ચાહવા માટેય વતનથી દૂર થવું પડે.
ગામમાં પણ પરિવર્તન આવ્યાં હોય છે. મન એ જુએ છે પણ ઝંખે છે તો જૂનું. પરિવર્તનની ગતિ અતિ મંદ છે. જ્યાં જ્યાં નજર કરું કે જૂની છાપ તાજી થતી જાય છે. મન કેટલું સંઘરી શકે છે !
ગામડાં તો ઘણાંખરાં સરખાં લાગે. આસપાસનાં ગામોમાં ઘણી સરખી બાબતો જડી આવે. કિન્તુ માણસને તો જેવું હોય તેવું પોતાનું જ ગામ પ્રિય લાગે. ખોબા જેવું, રાંક, થોડાં ખોરડાં વાળું ગામ એને મન તો સરગાપુરી છે. તુલના કે સરખામણી એ આપણો સ્વભાવ ખરો પણ એક જેવું બીજું કંઇ હોતું જ નથી. પોતાના ગામ જેવું તો કંઇ જ નહિ, પોતાના ગામની વાત નીકળી કે માણસ ભાવવિભોર થઇ જાય.
કૂવાના તૂટેલા થાળા અને ટોડલા, કૂવાના બાકોરામાં પારેવાં બેસે એ જગા, વાડાની જૂની ખવાઈને કાળી પડી ગયેલી વાડ, સદાય એક બાજુ નમેલો રહેતો ઝાંપો, બંધ મેડીની પછીત પર ચીતરેલા ઘડિયાળમાં થીજી ગયેલો સમય, સૂની શેરીઓની ભીંતો પર વર્ષો જૂનાં લખાણો, હવાડા પાસેની ગંદકી, સૂકા તળાવની તરડાયેલી માટી, વરસાદના પાણીએ નદીની ભેખડોને આપેલો ઘસારો, શાળા પાસેના વડના ખરેલાં સૂકાં પાન કેટકેટલું પરિચિત લાગે છે !
પડછાયા આત્મીય લાગે છે. સવારે નેવાં ઊતરતો તડકો, બપોર પછી ઓટલો ઊતરતા પડછાયા, સાંજે ઓસરીમાં પથરાતો તડકાનો પ્રલંબ પટ, રાતે આકાશ આંગણામાં ઊતરી આવ્યું હોય એવો ભાસ થાય છે. પરિચિત તારાઓ એ જ સ્થાને છે. આકાશ નીરખતાં મન દૂર દૂર પહોંચી જાય છે. ગગનગોખ લગી દષ્ટિ વિસ્તરે છે, મોકળાશના
તા. ૧૬-૬-૯૮
મેળામાં આંખો મોજ કરે છે. એકાદ ખરતો તારો નભ સરોવરમાં આંદોલન સર્જી જાય છે.
ગામમાં મારે માટે બધા વાર રવિવાર છે. વાર, તારીખ અને કલાક-મિનિટના ચોક્કસ માપદંડ થોડા વખત માટે ઝુકી જાય છે. સમગ્ર સમય સાથે ઘરોબો બંધાય છે. મૈત્રીમાં ટુકડા નથી હોતા. સમય સાથેની મૈત્રી સદાય સુખદાયી હોય છે. સમય આપણા પ્રત્યેક શ્વાસની ઇજ્જત કરે છે. વર્તમાનપત્ર, ટેલીફોન, દૂરદર્શન જેવા સ્થળકાળના આડતિયા શહેરમાં આપણને કામ આવે છે. અહીં તો માલેક સમય શેઠ પોતે આપણી સંગાતે છે, સીધા વ્યવહારમાં આડતિયાનું શું કામ ? એક નાનકડી દુનિયા રમકડાં રૂપે મળી જાય છે. મન બાળક બની જાય છે.
ગામની સીમમાં ફરવા નીકળું છું. કુદરતની નિજલીલામાં ક્યાંય ખલેલ નથી. વૈશાખમાં કોયલનો ટહુકો સંભળાય છે. મનમાં સંવેદન જાગે છે. એક ટહુકા પછી થોડી વારે ફરી ટહુકો ઊઠે છે. બે ટહુકા વચ્ચેનો અંતરાલ કો અદ્ભુત ચીજ છે ! ટહુકાની ભરતી આવતી હોય એવું લાગે છે.
બન્ને બાજુએ વાડીઓ છે. વચ્ચે વાટ છે. ધ્યાન ખેંચે એવી અવરજવર નથી. મારું ચાલવું કે ઊભા રહેવું અનાયાસ છે. આ વાતાવરણનો જ એક ભાગ હોઉં એવું લાગે છે. પોતાનો સંગાથ માણું છું. ક્યાંક ધૂળમાં પડેલી પગલીઓ જોઉં છું તો કીડીઓની આવજાવ જોઉં છું. રસ્તા પર મોર અને ઢેલ ઊતરી આવે છે. મોરની ચાંચ ખૂલી છે. ઝડપથી શ્વાસ લે છે. કૂદકો મારી જરાક ઊંડી વાડીમાં મોલમાં યુગલ ચાલ્યું જાય છે. એમની નિર્ભયતા ગમે છે. કાગડા, કાબર, ટિટોડી, ચકલી વગેરે પંખીઓના સ્વર સમય ૫૨ રંગછાંટડાં કરે છે. એક હોલો સૌથી નોખો તરી આવે છે. એનો ઘૂંટાયેલો ઘેરો અવાજ જુદી છાપ મૂકી જાય છે. મહેંદી પાન, ફૂલ અને ફળથી ભરપૂર છે. આંબાડાળે કેરી પર ભરપૂર તડકો પીધાની ગુલાબી-કેસરી લાલી વરતાય છે.
મન કૂદાકૂદ નથી કરતું. અપેક્ષા વગરનું મન હોઇ શકે એ સમજાય છે. ઊંચે આભમાં ઠંડી હવામાં સમડી ચકરાવા લે છે, પાંખ ફફડાવતી નથી, હવાની મંદ લહેરખીમાં પાંદડી હલે તેમ મન સેલારા લે છે. ક્યાંક ખિસકોલી દોડી જતી વરતાય છે. મનની હળવાશ દેહનો ભાર પણ લાગવા નથી દેતી, બાવળની સુકાયેલી ચાંદી જેવી સફેદ શૂળોની એક ડાળી પડેલી છે. નાનકડાં તરલ સફેદ પતંગિયાં ફૂલો પર અને શૂળો પર બેસે છે, ઊડે છે, હવામાં આકારો રચે છે.
કુદરતમાં સ્વધર્મ વરતાય છે. સૌ પદાર્થો, જીવસૃષ્ટિ, વનસ્પતિ, પોતાનામાં મગન છે. એમના હિતમાં ક્યાંય બાધક ન બનું એમ પસાર થાઉં છું. અહીં સાક્ષી બનવામાં આનંદ છે. સીમમાંથી મેં કંઇ લીધું નથી. માત્ર એનું સ્મરણ મનમાં છે. માટે કંઇ ન લેતાં ઘણું લઇ લીધું છે.
આખરે એ દિવસ ઊગે છે. હું પાછો ફરું છું. ઘર, શેરી, બજાર, ચોરો. બધું વટાવતો જાઉં છું. સીમનાં ઝાડવાં દેખાય છે ત્યાં લગી વતનમાં રહું છું. એક વળાંક આવે છે. ઝાડવાં અંતર્ધાન થાય છે. કન્યા વિદાયનું ગીત સાંભરે છે :
‘આ દશ આ દશ પીપળો, આ દશ દાદાનાં ખેતર,’ બસ ઝડપ પકડે છે, દિશા બદલાય છે. હું બારીમાંથી વળી વળી પાછળ જોઉં છું.
܀ ܀ ܀
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ – મુદ્રક, પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ ૭ પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફોનઃ ૩૮૨૦૨૮૬. મુદ્રણસ્થાન · રિલાયન્સ ઑફિસેટ પ્રિન્ટર્સ, ૬૯, ખાંડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૮, લેસરટાઈપસેટિંગ : મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૦૯૨,