________________
પ્રબુદ્ધજીવન
આર્ય વજ્રસ્વામી
E પ્રો. તારાબહેન રમણલાલ શાહ
[ ગતાંકથી સંપૂર્ણ ]
દેવોએ ફરી એકવાર વજ્રસ્વામીની કસોટી કરી હતી. એકવાર ઉનાળાના દિવસોમાં દેવોએ શ્રાવકનો વેશ ધારણ કર્યો અને વજ્રસ્વામીને વહોરવા પધારવા વિનંતી કરી. દેવોએ ઘેબર વહોરાવવા માંડ્યા, પરંતુ વજ્રસ્વામીએ તેઓના દેખાવ પરથી જાણી લીધું કે આ દેવો જ છે. તેથી તેમણે ઘેબર કે બીજી કોઇ વાનગી વહોર્યાં નહિ. આથી પ્રસન્ન થએલા દેવો પ્રગટ થયા અને તેમને આકાશગામિની
વિદ્યા આપી. આમ બાળસાધુ વજ્રસ્વામી બે વખત દેવોની કસોટીમાંથી સારી રીતે પાર ઊતર્યા હતા.
વજ્રસ્વામી સાથેના સાધુસમુદાયમાં અગિયાર અંગનું અધ્યયન ચાલતું હતું. વજ્રસ્વામીએ સાધ્વીજીઓને અગિયાર અંગ ભણતાં સાંભળીને પોતાની પદાનુસારી લબ્ધિ વડે તે કંઠસ્થ કરી લીધાં હતાં. હવે સાધુઓને એ અંગોનું અધ્યયન કરતા સાંભળીને તેમનું એ જ્ઞાન વધુ ને વધુ દૃઢ બનતું ગયું. વળી જેટલું પૂર્વગત શ્રુત હતું તે પણ તેમણે સાંભળીને પ્રાપ્ત કરી લીધું હતું. બીજા સાધુઓની જેમ એક આસને બેસીને એ અંગોનું અધ્યયન કરવાની વજ્રસ્વામીને ખાસ જરૂર નહોતી એટલે તેઓ અધ્યયન કરવા બહુ બેસતા નહિ, પોતાને પ્રાપ્ત થયેલી પદાનુસારી લબ્ધિની જાણ તેઓ કોઇને થવા દેતા નહિ. તેથી અન્ય સાધુઓ તેમને ભણવામાં આળસુ ગણતા અને તેમને ભણવા માટે બેસવા સમજાવતા. એટલે બીજા સાધુઓના માત્ર મનના સમાધાનને માટે વજ્રસ્વામી ઘણીવાર એક આસને બેસીને જાણે ભણતા હોય તેમ દેખાવ પૂરતો ગણગણાટ કરતા. પરંતુ તે વખતે તેમનું ધ્યાન તો અન્ય સાધુઓ જે કંઇ વિશેષ અધ્યયન કરતા હોય તો એ સાંભળીને ગ્રહણ કરવામાં જ રહેતું હતું.
વળી, આ વખત દરમિયાન એક દિવસ એક અનોખી ઘટના બની હતી. એક દિવસ બપોરના સમયે અન્ય સાધુઓ ભિક્ષા માટે બહાર ગયા હતા. ગુરુ મહારાજ પણ બહાર ગયા હતા. તે વખતે વજ્રસ્વામી એકલા જ ઉપાશ્રયમાં હતા. બાલસહજ કુતૂહલથી તેમને કંઇક નવું કરવાનો ઉત્સાહ આવ્યો. તેમણે પોતાની આસપાસ વર્તુળાકારે થોડે છેટે સાધુઓનાં વસ્ત્રોને વીંટાળીને સાધુની જગ્યાએ ગોઠવી દીધાં જાણે ત્યાં સાધુઓ બેઠા છે તેવું લાગે, પછી શિષ્યોની વચ્ચે આચાર્ય મહારાજ જેમ બેસે તેમ તેઓ બેઠા. સામે શિષ્યોને બેઠેલા કલ્પીને મેઘગંભીર અવાજે તેઓ વાચના આપવા લાગ્યા. વળી વચ્ચે વચ્ચે તેઓ સૂત્રના અર્થની ચર્ચા કરવા લાગ્યા. આવું દશ્ય તેઓ ભજવતા હતા તે સમયે ગુરુ મહારાજ બહારથી પાછા ફરી રહ્યા હતા. તેમણે વાચના આપતો કોઇક અવાજ દૂરથી સાંભળ્યો. તેમને આશ્ચર્ય થયું કે શું બધા સાધુઓ જલદી પાછા આવીને સ્વાધ્યાય કરવા લાગ્યા હશે !
ગુરુ મહારાજે દૂર ઊભા રહીને ધ્યાનથી બરાબર સાંભળ્યું. તેઓ આશ્ચર્યથી મનમાં બોલી ઊઠ્યા. ‘અરે ! આ તો વજ્રસ્વામીનો અવાજ! એ તો અગિયાર અંગની વાચના આપે છે.' ગુરુ મહારાજ વિચારમાં પડી ગયા કે વજ્રસ્વામીએ અધ્યયન તો કર્યું નથી, તો પછી શું માતાના ઉદરમાં રહીને જ આ જ્ઞાન પામ્યા હશે ! ખરેખર! આ તો મહાન આશ્ચર્ય કહેવાય ! વજ્રસ્વામી શા માટે ભણવામાં આળસુ લાગતા હતા તેનું કારણ પોતાને સમજાયું, પોતાના બાળ શિષ્યની આવી અદ્ભુત અને અનોખી સિદ્ધિ જોઈને તેમના આશ્ચર્ય અને આનંદનો કોઇ પાર ન રહ્યો.
ગુરુ મહારાજે વિચાર્યું કે પોતે જો અચાનક ઉપાશ્રયમાં પ્રવેશ ક૨શે તો વજ્રસ્વામી શરમાઇ જશે. એટલે પ્રવેશતાં પહેલાં દૂરથી તેઓ મોટેથી ‘નિસ્સિહી' બોલ્યા. ગુરુ મહારાજનો અવાજ સાંભળીને વજ્રસ્વામીએ ઝડપથી સાધુઓનાં વસ્ત્રો સહુ સહુને ઠેકાણે મૂકી દીધાં. પછી તેઓ દોડતા ઉપાશ્રયની બહાર આવ્યા. વિનયપૂર્વક ગુરુ પાસેથી
તા. ૧૬-૧૧-૯૮
દંડો લીધો. ગુરુ આસન પર બેઠા એટલે તેમના ચરણ ધોઇ, તેમને વંદન કર્યા. વજ્રસ્વામીના વિનય અને વિદ્વતા જોઇ ગુરુએ વિચાર્યું કે શ્રુતવિદ્યામાં નિપુણ એવા આ મહાન આત્માની યોગ્ય સંભાળ લેવાવી જોઇએ. બીજા સાધુઓ વજ્રસ્વામીની આ શક્તિથી અજ્ઞાત છે. એટલે તેઓ તેમને બાળક ગણીને તેમની અવજ્ઞા ન કરે તે પણ જોવું જોઇએ.
વજ્રસ્વામીની શક્તિથી સહુ પરિચિત થાય તે માટે કેટલાક સમય પછી આચાર્ય ભગવંતે એક યોજના વિચારી, તેમણે શિષ્યોને કહ્યું, ‘બે ત્રણ દિવસ માટે મારે અન્ય સ્થળે વિચરવાનું થયું છે, માટે મારી અનુપસ્થિતિમાં તમારા વાચનાચાર્ય તરીકે વજ્રસ્વામી જવાબદારી સંભાળશે.' આ સાંભળી શિષ્યોને બહુ આશ્ચર્ય થયું. પરંતુ આ તો જ્ઞાની ગુરુ-ભગવંતની આજ્ઞા હતી, માટે જરૂર એમાં કંઇક રહસ્ય હશે એમ સમજી તેઓએ ભક્તિભાવપૂર્વક તે આજ્ઞા સ્વીકારી લીધી.
ગુરુ મહારાજ પોતાની યોજના પ્રમાણે વિહાર કરીને અન્ય સ્થળે ગયા. બીજે દિવસે શિષ્યોએ વજ્રસ્વામી પાસેથી વાચના લેવા માટે એમને સૌની મધ્યમાં મુખ્ય સ્થાને બેસાડ્યા. પછી વિનયપૂર્વક તેઓ સૌએ વજ્રસ્વામીને વંદન કર્યાં. વજ્રસ્વામી પણ ગુરુઆજ્ઞાને માન આપી સાધુઓને શાસ્ત્રપાઠ આપવા લાગ્યા. વાચના આપનાર સાધુ નાની ઉમ્મરના હતા અને વાચના લેનાર સાધુઓ મોટી ઉમ્મરના હતા, પરંતુ વજ્રસ્વામીના જ્ઞાનની અને ચારિત્રની એવી અદ્ભુત અસર પડી કે જે બુદ્ધિશાળી સાધુઓ હતા તેઓ તો અત્યંત ઝડપથી શીખવા લાગ્યા, પરંતુ જેઓ અલ્પ બુદ્ધિવાળા અને અલ્પ રુચિવાળા હતા તેઓ પણ સારી રીતે રુચિપૂર્વક અભ્યાસ કરવા લાગ્યા. વળી કુદરતી મંદબુદ્ધિ કે જડ બુદ્ધિવાળા સાધુઓ હતા તેઓ પણ હોંશપૂર્વક ભગવા લાગ્યા. આ વાચના દરમિયાન કેટલીકવાર માત્ર કસોટી કરવા ખાતર જ કેટલાક સાધુઓ વજ્રસ્વામીને પોતે શીખેલા પાઠ ફરી પૂછતા. વજ્રસ્વામી સૂત્રોની યોગ્ય વ્યાખ્યા આપીને તેને અનુરૂપ . અર્થ કરી બતાવતા. એથી સાધુઓને સંતોષ થતો. કેટલાક એવા અલ્પ બુદ્ધિવાળા સાધુઓ હતા કે જેઓ આચાર્ય ભગવંત પાસે પહેલાં કેટલીકવાર શીખ્યા હોવા છતાં બરાબર નહોતા સમજી શકતા, તેઓ હવે વજ્રસ્વામી પાસેથી ફક્ત એક જ વારની વાચના લેવાથી તરત શીખી લેવા લાગ્યા હતા. આથી સમગ્ર સાધુ સમુદાય અત્યંત પ્રસન્ન થઇ ગયો હતો. આચાર્ય ભગવંત પાછા પધારે એ પહેલાં શક્ય તેટલું વધુ શીખી લેવા તેઓ ઉત્સુક હતા. વજસ્વામી હજુ તો બાળક હતા. છતાં તેમની આવી અનુપમ સિદ્ધિને કારણે સાધુઓ તેમને ગુરુ ભગવંત જેટલું જ માન આપવા લાગ્યા. વજસ્વામીના વડીલ ગુરુબંધુઓ વજ્રસ્વામીને એમના ગુણો અને વિશેષતાઓને કારણે પોતાના ગુરુ મહારાજ જેવા જ ગણે તે ખરેખર ગૌરવભરી હકીકત ગણાય.
વજ્રસ્વામીની શક્તિથી પોતાનો સાધુસમુદાય હવે સુપરિચિત થઇ ગયો હશે એમ વિચારી થોડા દિવસ પછી આચાર્ય ભગવંત પાછા ફર્યા. વજ્રસ્વામી સહિત સૌએ વિનયપૂર્વક ગુરુવંદન કર્યાં. ગુરુ મહારાજે તેમના સ્વાધ્યાય વિશે પૂછ્યું ત્યારે સૌ શિષ્યોએ બહુ ઉમળકાથી પોતાની સંતોષકારક પ્રગતિના સમાચાર આપ્યા. વળી શિષ્યોએ સ્વીકાર પણ કર્યો કે વજ્રસ્વામી બાળક છે એમ માની શરૂઆતમાં તેમની અવજ્ઞા કરવાનો ભાવ હતો. પોતાની ભૂલ બદલ તેઓએ ગુરુ મહારાજ પાસે ક્ષમાયાચના કરી. તેઓએ કહ્યું, ‘વજ્રસ્વામી ઉંમરમાં ભલે નાના હોય, પણ પોતાની જ્ઞાનશક્તિ વડે તેઓ સમસ્ત ગચ્છના ગુરુ થવાને પાત્ર છે. અમે સહુ આપને આપીએ છીએ એવું જ માન તેમને આપતા હતા. હવેથી અમારા વાચનાદાતા વજસ્વામી રહે તેવી આપને વિનંતી કરીએ છીએ.'