________________
પ્રબુદ્ધજીવન
૨
ન હોય, તેઓ એ વિસ્તારમાં ખેતી કે કામધંધા માટે જાય ત્યારે અચાનક સુરંગ ફૂટે અને તેઓ ઘાયલ થાય કે મૃત્યુ પામે.
બોસ્નિયામાં પણ કેટલાય વખતથી જે વિગ્રહભરી સ્થિતિ છે એને લીધે ત્યાં ઠેર ઠેર સુરંગો બિછાવવામાં આવી છે. એક અંદાજ પ્રમાણે એકલા બોસ્નિયામાં અત્યાર સુધીમાં ચાલીસ લાખ સુરંગો દાટવામાં આવી છે. અંગોલામાં તો દોઢ કરોડ જેટલી સુરંગો છે. દેશની વસતિ છે એના કરતાં સુરંગોની સંખ્યા વધારે છે. એવી જ રીતે કમ્બોડિયા અને દક્ષિણ કોરિયામાં પણ પાર વગરની સુરંગો છે. શ્રીલંકામાં જાફના વિસ્તાર પણ સુરંગોથી ધરબાયેલો છે. ઇરાકની સરહદો પર, ચારે બાજુ સુરંગો જ સુરંગો છે, ઇજિપ્ત, ઇઝરાયેલ વગેરે મધ્યપૂર્વના દુશ્મનાવટભર્યા દેશોની સરહદો પર ભરચક સુરંગો છે. લેટિન અમેરિકામાં પેરુ અને ઇક્વેડોર વચ્ચેની સરહદ પર ઘણી સુરંગો છે, તદુપરાંત કેફી દ્રવ્યો અને માદક દવાઓનો ગેરકાયદે વેપાર કરનારા શ્રીમંતોએ પોતપોતાના વિસ્તારોની આસપાસ સુરંગો પાથરેલી છે. ભારતમાં કર્ણાટકના જંગલમાં સંતાયેલો ચંદનચોર વીરપ્પન આટલાં વર્ષથી પોલીસોને સુરંગો વડે હંફાવી રહ્યો છે.
સુરંગો વિવિધ પ્રકારની શક્તિવાળી નાની મોટી હોય છે. સુરંગ જમીનમાં ખાડો ખોદી દાટવામાં આવે છે. તેના ઉપરની માટી સરખી કરી દેવામાં આવે છે કે જેથી ખબર ન પડે કે ત્યાં સુરંગ દાટેલી છે, એના ઉપરથી કોઇ ચાલે તો એના પગના વજનથી દાટેલી સુરંગની સ્પ્રિંગ દબાય, વાયર ભેગા થાય અને એથી તરત એની ચાંપ છૂટે અને બારુદમાં જોરથી મોટા ધડાકા સાથે વિસ્ફોટ થાય. એના અણીદાર ટુકડા ચારે બાજુ ઊડે. સુરંગ પર પગ પડતાં જ માણસ તત્ક્ષણ મૃત્યુ પામે અથવા ગંભીર રીતે ઘાયલ થાય. હાથપગ તૂટી જાય. આ સુરંગો નાની હોય છે. એના પર માણસ ચાલે કે તરત તે ફૂટે. એને Anti Personal Mine કહેવામાં આવે છે. આપણે એને માણસ-માર' સુરંગ કહી શકીએ. એનાથી ભારે પ્રકા૨ની સુરંગો જમીનમાં એવી રીતે દાટવામાં આવે છે કે જેથી માણસ એ જમીન પર ચાલે તો ફ્રૂટે નહિ. માણસનું વજન એ ઝીલી શકે. પરંતુ જીપ કે મોટરગાડી કે ટેન્ક પસાર થાય તો એના વજનથી એ તત્ક્ષણ ફૂટે અને વાહનનો કચ્ચરઘાણ થઇ જાય, એને Anti Tank Mines (બેંક વિનાશક સુરંગ) કહેવામાં આવે છે. અલબત્ત, ચાલુ સુરંગો પર વાહનો ચાલે તો તો વિસ્ફોટ થાય જ, પણ ટેન્કને ભારે નુકસાન ન થાય. ચાલુ સુરંગો જ્યાં દાટવામાં આવી હોય અને એની ખબર હોય તો ત્યાં સાવ હળવા પગલે ચાલવાથી સુરંગ ફૂટતી નથી. એવી રીતે ચાલવાની સૈનિકોને તાલીમ આપવામાં આવે છે. (આ લખનારે પણ ૧૯૫૦માં બેલગામના લશ્કરી મથકમાં લશ્કરી તાલીમ લીધી હતી ત્યારે એવી રીતે ચાલવાની તાલીમ પણ લીધી હતી.)
છેલ્લાં કેટલાંક વર્ષોથી તો વિમાન દ્વારા સુરંગો પાથરવાની ઘટનાઓ પણ બનવા લાગી છે. જમીનમાં ખાડો ખોદી હજારો સુરંગો દાટવા જેટલો સમય જ્યારે ન રહે અને અચાનક સુરંગો પાથરવાનો વખત આવે ત્યારે માટીના જ રંગ જેવી, પડી હોય તો નાના પથરા જેવી લાગે એવી હજારો સુરંગો વિમાન કે હેલિકોપ્ટરમાંથી નાખતા જઇને અડધા કલાકમાં કામ પતાવી દઇ શકાય છે. અલબત્ત, આવી સુરંગો પરખાઇ જાય છે અને દુશ્મન આવતાં અટકે છે. ત્યારે દુશ્મનોની ખુવારી ઓછી થાય છે, પણ તાત્કાલિક ભય ટળી જાય છે .
સુરંગો જ્યાં લોકોની અવરજવર ન હોય ત્યાં કોઇ ન દેખે એવી ગુપ્ત રીતે દાટવામાં આવે છે. દાટ્યા પછી એના પરની માટી સરખી કરી લેવામાં આવે છે અથવા ત્યાં ઘાસપાંદડાં નાખવામાં આવે છે કે જેથી કોઇને વહેમ ન આવે. દેખીતું જ છે કે ડામરવાળા અને અવરજવરવાળા
શહેરી રસ્તાઓમાં સુરંગો દાટવાનું સહેલું નથી અને એનું પ્રયોજન પણ નથી. શહેરોથી દૂર, ગ્રામ વિસ્તારોના પાદરના માટીવાળા ભાગોમાં, વિશેષતઃ વિગ્રહકારી પક્ષો વચ્ચેની પોતપોતાની સરહદોમાં દુશ્મન ઘૂસી ન આવે એ માટે સુરંગો ગોઠવાય છે. એ માટે ઘણી વાર ખેડૂતોના ખેતરોનો પણ ઉપયોગ થાય છે.ખુલ્લા ઇલાકામાં દુશ્મનોને આવતા
તા. ૧૬-૧૧-૯૭
અટકાવવા સુરંગો ગોઠવાય છે. દુશ્મનના પ્રદેશ પર આક્રમણ કરવા ધસી જતા સેંકડો સૈનિકો, અચાનક સુરંગવાળા વિસ્તારમાં ઘૂસી જવાથી મૃત્યુ પામે છે, ઘાયલ થાય છે. નાસભાગ ચાલે છે અને આક્રમણ કરવાને બદલે પરાજિત થવાય છે. પરંતુ યુદ્ધ પૂરું થયા પછી એવા વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરોમાં જતાં ડરે છે. વટેમાર્ગુઓની અવરજવર બંધ થઈ જાય છે. સુરંગોનો ભોગ સૈનિકો તો થાય જ છે, પરંતુ ત્યારપછી નાગરિકો, ખાસ કરીને ગામડાંઓના લોકો, વિશેષતઃ ખેડૂતો એનો ભોગ બને છે. ખેતી ન થઇ શકવાને લીધે તેઓની આજીવિકા ઝૂંટવાઇ જાય છે. ગરીબી વધે છે અને દેશનું ઉત્પાદન ઘટે છે. કંબોડિયા ચોખા ઉગાડનારો દેશ છે. કંબોડિયામાં ચોખા એટલા બધા થતા કે બીજા દેશમાં પણ વેચાવા જતા. છેલ્લાં કેટલાંક વર્ષોથી કંબોડિયાને દર વર્ષે હજારો ટન ચોખાની આયાત કરવી પડે છે, કારણ કે કંબોડિયાના કેટલાંયે ખેતરો સુરંગોથી ખીચોખીચ છે.
યુદ્ધમાં વપરાતી સુરંગોથી સામાન્ય નાગરિકો તો આ સદીના આરંભથી મૃત્યુ પામતા આવ્યા છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાએ અને સોવિયેટ યુનિયને પોતાનું વર્ચસ્વ જમાવવા માટે કરાવેલાં કોરિયા અને વિયેટનામના યુદ્ધમાં લાખો માણસો સુરંગોથી મૃત્યુ પામ્યા હતા. એવી રીતે અન્ય દેશોમાં પણ ઘણાં માણસો મૃત્યુ પામ્યા છે. એવા લોકો મુખ્યત્વે ગામડાંઓના સાધારણ સ્થિતિના માણસો હતા. પરંતુ જ્યારથી બોસ્નિયામાં સુરંગો ફૂટવાને કારણે NATOના સૈનિકો મૃત્યુ પામ્યા, યુરોપ-અમેરિકાના, ઊંચો હોદ્દો ધરાવનારા, નિરીક્ષક કે શાન્તિદૂતનું કામ કરનારા કેટલાક માણસો મૃત્યુ પામ્યા અને આજીવન અપંગ થઇ ગયા ત્યારથી આ પ્રશ્ન પાશ્ચાત્ય જગતમાં ઘણો ગંભીર બની ગયો છે. લોકમત ઘણોજાગૃત થયો છે. પ્રિન્સેસ ડાયેનાએ બોસ્નિયામાં સુરંગોથી ઘાયલ થયેલાને સેવા આપવાનું અને લોકમત જાગૃત કરવાનું અભિયાન ચાલુ કર્યું હતું. એથી પણ સુરંગ વિરોધી જનમત વધુ પ્રચલિત બન્યો છે. મોડે મોડે પણ પાશ્ચાત્ય રાજકીય નેતાઓ અને સમાજચિંતકોમાં આ જાગૃતિ આવી છે અને યુનાઇટેડ નેશન્સ દ્વારા પણ કેટલાંક વખતથી તેની ગંભીર વિચારણા થવા લાગી છે. શુભ દિશાનું આ એક સ્તુત્ય પગલું છે.
સુરંગ દાટવી સહેલી છે, પરંતુ દટાયેલી સુરંગ કાઢીને નકામી બનાવી દેવાનું એટલું સહેલું નથી. વસ્તુતઃ ગમે તે સૈનિક કે (સામાન્ય નાગરિક પણ) ખાડો ખોદીને સુરંગ દાટી શકે છે. પરંતુ બધા જ સૈનિકો સુરંગ કાઢી શકે નહિ, કારણ કે કાઢતાં કાઢતાં સુરંગ ફૂટવાનાં જોખમો ઘણાં છે. જમીનમાં સુરંગ ક્યાં છે એ પહેલાં શોધવું જ પડે છે. જે વિસ્તારમાં સુરંગ હોય તે વિસ્તારમાં વજન ન પડે એવા ખાસ બનાવટના પોચા બુટ પહેરીને ચાલવાનું હોય છે. સુરંગ શોધવા માટેના લાંબા દાંડાવાળાં ઓજાર (Mine Detector) વડે હળવે હળવે જમીન તપાસતા જવું પડે છે. એમ છતાં અચાનક કોઇ સુરંગ ફૂટે તો પોતાને ઇજા ન થાય તે માટે મોઢે માથે તથા આખા શરીરે ખાસ બનાવેલો સુરક્ષિત વેશ પહેરવો પડે છે. આટલી સાવધાની રાખવા છતાં સુરંગશોધકો ઘણીવાર ઘાયલ થયાના બનાવો બને છે. સુરંગશોધક ટુકડીને-Mine Detecting Squadને ખાસ તાલીમ આપવામાં આવે છે. એક સુરંગની કિંમત પચીસ-પચાસથી સો-બસો રૂપિયા જેટલી થતી હશે, પરંતુ એક દટાયેલી સુરંગને બહાર કાઢીને નકામી બનાવી દેવા માટે સ૨કા૨ને સરેરાશ સહેજે હજાર રૂપિયા કરતાં વધુ ખર્ચ આવે છે. કયા દેશને આ કામ પરવડે ? એ કોણ કરાવે ? ક્યારે કરાવે ? જો વિગ્રહ ચાલુ જ હોય તો કઢાવવાનો અર્થ શો ? આવા આવા ઘણા પ્રશ્નો આ વિષયમાં સંકળાયેલા છે.
સુરંગો કાઢી, રસ્તાઓ, જમીનો સાફ કરવાનું કામ ઘણા દેશોમાં વખતોવખત ચાલતું જ રહ્યું છે, પરંતુ એક અહેવાલ પ્રમાણે દુનિયામાં સરેરાશ રીતે એક સુરંગ ઓછી થાય છે તો બીજી બાજુ તે જ વર્ષમાં વીસ નવી સુરંગો નાખવામાં આવે છે. આમ સુરંગોનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું ચાલ્યું છે. ૧૯૯૪ના વર્ષના અંદાજ પ્રમાણે દુનિયાના જુદા જુદા દેશોમાં મળીને એક લાખ જેટલી સુરંગો ખોદી કાઢવામાં આવી હતી, તો બીજી