________________
તા. ૧૬-૧-૯૫
પ્રબુદ્ધ જીવન
જૈન વિચારધારાનાં આવશ્યક તત્ત્વો
0 શશિકાંત મહેતા
(વિશ્વધર્મ સંસદ, બેલૂર મઠ, કલકત્તામાં તા. ૧૫મી નવેમ્બર ૧૯૯૪ના રોજ અંગ્રેજીમાં રજૂ કરેલા વક્તવ્યનો સારાંશ)
શ્રી રામકૃષ્ણે બધા ધર્મો વચ્ચે સંવાદ પ્રબોધ્યો છે. સ્વામી શ્રી વિવેકાનંદે સમગ્ર માનવજીવનમાં રહેલા એકત્વનો ઉપદેશ આપ્યો છે. સ્વામીજીએ વિશ્વને વેદાંતનો આધ્યાત્મિક સંદેશો પાઠવ્યો છે. આ ઉપગ્રહમાં જીવતા કરોડો માનવીની આધ્યાત્મિક ખોજનો પ્રારંભ થઇ. ચૂક્યો છે. ભૌતિક સભ્યતા સામે એક અદ્ભુત પ્રતિક્રાંતિ ડોકાઇ રહી છે. માનવી પોતાની જિંદગી માટે કેવળ સાધનોના બદલે સાધ્યની શોધ કરવામાં પણ સક્રીય બન્યો છે. માનવીના પોતાના ધર્મની, આધ્યાત્મ સાથેના કોઇક જોડાણની આ શોધ છે. એવી આશા છે કે આ શોધથી દરેક મનુષ્યમાં પડેલી ઇશ્વરીય શક્તિ અવશ્ય પ્રગટ થશે.
ધર્મના ઇતિહાસમાં આ એક વળાંક બિંદુ છે. ધર્મથી આધ્યાત્મ તરફ આપણા ધર્મો જાય એવી અપેક્ષા છે. જરૂર છે ક્રિયાકાંડ અને
સંસ્થાઓના એક અલિપ્ત સાંપ્રદાયિક અસ્તિત્વથી ઉપર ઊઠવાની. આધુનિક સમાજના વૈજ્ઞાનિક મિજાજ સાથે આવી અપેક્ષા જ સુસંગત છે. વિજ્ઞાન અને યંત્ર વિદ્યાએ વિશ્વને એક વૈશ્વિક સમાજનું રૂપ આપી
દેવાની સિદ્ધિ હાંસલ કરી છે. હવે ધર્મોનું કર્તવ્ય છે કે આવા વૈશ્વિક
સમાજને વૈશ્વિક માનવીની ભેટ આપે.
આધ્યાત્મની, વિજ્ઞાનની માફક, એક સર્વ વ્યાપી ભાષા વિકસવી જોઇએ. ઉપદેશ મુજબનું આપણી જિંદગીમાં આચરણ થવું જોઇએ. આચરણહીન ઉપદેશ સાંભળવાની કોઇ જ જરૂરત નથી.
વેદાન્ત એ અધ્યાત્મ વિજ્ઞાન છે. જૈન દર્શન પણ એક અધ્યાત્મ વિજ્ઞાન જ છે. માનવીમાં રહેલી દિવ્યતા અને સર્વ જીવો વચ્ચે રહેલી અતૂટ સંબંધોની સાંકળ-આ દર્શન જે વેદાન્તમાં છે તેની સાથે જૈનધર્મ સંમત છે. જૈનવિચારધારા જીવનને સમગ્રતાથી જુએ છે (હોલીસ્ટીક લાઇફ) સમાજમાં રહેતા માનવી માટે જૈનદર્શને એક આચારસંહિતા બતાવી છે.
પાંચ પ્રકારનાં પર્યાવરણ સાથે સંવાદ યોજવાની તેમાં શિખામણ છે. તેનાથી જ જિંદગીમાં સમ્યક્ ન્યાય અને અંતપ્રકાશ સર્જાય છે . આ પાંચ પર્યાવરણો નીચે મુજબ છે :
(૧) પ્રકૃતિ અને સમગ્ર જીવસૃષ્ટિ સાથે અહિંસા આચરવી અને અનુકંપા ધરાવવી.
(૨) ભૌતિક ઉપલબ્ધિઓથી નિર્મોહી થવું. (૩) આર્થિક જિંદગીમાં નૈતિકતા કેળવવી. (૪) સામાજિક સંબંધોમાં મૈત્રીભાવ સર્જવો. (૫) આપણી સભ્યતા તરફ વફાદાર રહેવું.
જૈન વિચારધારામાં પલાયનવાદ નથી, સમગ્ર જીવો તરફ આપણું સામાજિક ઉત્તરદાયિત્વ છે. બધા જ જીવોના ભલા માટે આપણે તેથી સતત ચીવટ રાખવાની છે. આ સંદેશ પરહિતચિંતાનો છે. આપણે બધાં જ જીવોની સેવા પણ કરવાની છે. આ સંદેશ પરોપકારનો છે. પોતાના સામાજિક જીવનમાં મનુષ્યની આ બેવડી પ્રધાન ભૂમિકા છે.
ઇશ્વરને એકલાને સ્મરી શકાય નહીં. જીવમૈત્રી અને જિનભક્તિ આપણી આધ્યાત્મિક જિંદગીના અવિભાજ્ય અંગ છે. જનસેવા વગરની જિનસેવા માત્ર ક્રિયાકાંડરૂપ ભક્તિ છે. ભગવાન મહાવીર વધુમાં કહે છે : તમામ જીવો વચ્ચે સંબંધ અને સંલગ્નતા છે. આથી જ આપણે આટલું કરવું જોઇએ ઃ
(૧) પ્રકૃતિ તરફ મૈત્રી (પ્રકૃતિ મિત્ર) (૨) સંસ્કૃતિ તરફ મૈત્રી (સંસ્કૃતિ મિત્ર)(૩) સમાજ તરફ મૈત્રી (સમાજ મિત્ર) (૪) રાષ્ટ્ર તરફ મૈત્રી (રાષ્ટ્ર મિત્ર) (૫) વિશ્વ તરફ મૈત્રી (વિશ્વ મિત્ર)
પ્
સાચા જૈનની આ જ એક છબી છેઃ મનુષ્ય, દિવ્ય ચેતના અને પ્રકૃતિ વચ્ચેનું એક સંયોજન. જૈન વિચારધારાની અસલ તાકાત અહિંસાની ફિલસૂફી અને તેના આચરણના ચુસ્ત લગાવમાં રહેલી છે ઃ જૈન વિચારધારાનું પ્રમુખ વિષય વસ્તુ છે ઃ (૧) અહિંસા (કાર્યમાં અહિંસા) (૨) અનેકાંત (વિચારમાં અહિંસા) (૩) અપરિગ્રહ (સંપત્તિનો અપરિગ્રહ) આ ત્રણ પાયાના ગુણોથી મનુષ્ય દૈવી શિખરને આંબી શકે છે. સમાજ તે ત્રણ ગુણોથી શાંતિ અને સંવાદપૂર્વક જીવી શકે છે.
અહિંસાની જરૂરિયાતમાં બધી જ બાબતો સમાવિષ્ટ છે. સજીવ તેમજ નિર્જીવરૂપ તમામ જિંદગીની સુરક્ષા કરવાની છે. મૂંગી જીવસૃષ્ટિની તે વાચા બને છે. બધી જ જિંદગીઓને હત્યામુક્ત બક્ષવી. સંપુર્ણતયા શાકાહાર અપનાવવો. ઉચ્ચ આધ્યાત્મિક આચરણ સાથે પ્રકૃતિને, તેના વિવેકપૂર્ણ ઉપયોગ દ્વારા, પ્રદુષણમુક્ત કરવી. સાદગીપૂર્ણ જીવન જીવવું. આ છે જૈનધર્મના પાયાના ઉપદેશ.
આપણે જોઇએ કે અહિંસા શું હાંસલ કરી શકે છે તે જોવા મળશે. અહિંસા માનવ સંસ્કૃતિના બચાવના પાયામાં અહિંસા છે. ઇતિહાસમાં
પ્રધાન ચળવળ દ્વારા મહાત્મા ગાંધી ભારત માટે સ્વાતંત્ર્ય લાવી શક્યા.
નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકામાંથી રંગભેદને વિદાય આપી શક્યા. યુ.એસ.એ.માં કાળા-ધોળા લોકોમાં સમાનતા માર્ટિન લ્યુથર કિંગ લાવી શક્યા. પોલાંડમાં શક્તિશાળી સામ્યવાદી શાસન સામે અહિંસા
દ્વારા લિચ વાલેસાએ સંઘર્ષ કર્યો.
માત્ર એક જ અગ્રેસર વ્યક્તિગત બળ દ્વારા આચરાતી અહિંસાની આ શક્તિ અને તાકાત હોય તો બધા ધર્મો પોતાની શ્રદ્ધા જો અહિંસામાં કેન્દ્રિત કરે અને ભૌતિકવાદ અને ભોગપ્રધાન સભ્યતાને વરેલી આપણી સંસ્કૃતિની સુધારણા માટે કામ કરે તો શું સિદ્ધ ન થઇ શકે ?
અનેકાંતવાદ વિચારોની અહિંસા છે. અનેકાંતવાદ આધ્યાત્મિક કે અન્ય કોઇ પણ સ્વરૂપના જ્ઞાનમાં રહેલા વિવિધ દ્રષ્ટિબિંદુઓને માન્ય ગણે છે. સત્યના કોઇપણ અંશ ધરાવતા બધા જ દ્રષ્ટિબિંદુઓ તેથી અનેકાંતવાદને પણ સ્વીકારે તે યોગ્ય છે. આથી જ અન્ય વિચારધારાઓ પ્રતિ કોઇપણ અંતિમવાદી અભિગમમાં જૈનધર્મ માનતો નથી.
આધુનિક પરિભાષા મુજબ અનેકાંતવાદ જિંદગીની વિભિન્ન વ્યવસ્થાના દર્શન તરીકે જાણીતો છે. આપણા ઘણા સંઘર્ષો અને અવરોધો માત્ર અયોગ્ય સમજણની જ નીપજ છે. આ સમસ્યાઓનું નિરાકરણ અનેકાંતવાદ છે.
જિંદગીની આ સમજણ પાછળ સર્વોચ્ચ ફિલસૂફીનું બળ છે. તમારી પાસે રહેલી સંપત્તિ ખરેખર તમારી નથી. ખરેખર તે ઇશ્વરનું સર્જન છે. તમારી સંપત્તિના ટ્રસ્ટી તરીકે જ તમારી જાતને તમારે સમજવાની છે. યથાશક્ય તેમાંથી દાન કરવું જોઇએ. દાનધર્મમાં જૈન સમાજ હંમેશા આગળની હરોળમાં હોય છે. ક્વળ પરોપકારમાંથી જ સમૃદ્ધિનું સર્જન થાય છે. અપરિગ્રહની ફિલસુફી માટે આથી જ સાદગીપૂર્ણ જીવન આવશ્યક છે. સાધુ જેવા જીવનમાં સરળતાથી આખરે પ્રવેશી શકો તે માટે આવો વર્તમાન ત્યાગપૂર્ણ જીવનનો રસ્તો જ જરૂરી છે. સાધુઓની જીવનવ્યવસ્થા જુઓ-બધી જ ભૌતિક ઉપલબ્ધિઓનો ત્યાગ કરવાનો, જિંદગીની યાત્રા પગપાળે જ કરવાની, ભિક્ષા ઉપર દેહ ટકાવવાનો. આ જ છે જિંદગીમાં સંપૂર્ણ અહિંસાનો પૂર્ણ અભિગમ.
આ તબક્કે સ્વામી વિવેકાનંદના એક વિધાનને યાદ કરતાં હું નર્યો આનંદ અનુભવું છું; સ્વામીજીએ કહેલું ‘વેદાન્તમાં પ્રબોધેલી અહિંસા અને ત્યાગની ફિલસૂફી જૈન વિચારધારાએ સંપૂર્ણતા બક્ષી છે. ’ વર્તમાન સમાજમાં અહિંસા અને ત્યાગવૃત્તિની સખત જરૂર છે.