SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧-૯૩ નાતાલ પછી બિપિનચંદ્ર બેંગ્લોર જવા ઉપડ્યા. પંડિત શિવનાથ શાસ્ત્રી બોરીબંદર સ્ટેશને નવદંપતીને વળાવવા આવ્યા હતા. ગાડી ઉપડતી વખતે તેમણે બિપિનચંદ્રને પૂછ્યું, "તમારી પાસે આરામથી બેંગ્લોર પહોંચવા પૂરતા પૈસા છે ને?” બિપિનચંદ્ર હા પાડી. હકીકતમાં લગેજનું ભાડું ચૂકવ્યા પછી તેમની પાસે ફક્ત ૧૪ આના રહ્યા હતા. તે વખતે મુંબઇથી પૂના સુધી સ્ત્રીઓને બત્તીવાળા અલગ ડબ્બામાં બેસવાનું હતું. બિપિનચંદ્ર રસ્તામાં મૂંઝાયા કે આટલા પૈસામાં ખાવા-પીવાનું કેમ થશે? પૂના આવ્યા ત્યારે તેમણે ખૂબ પાણી પીધું અને પછી તેમનાં પત્નીને કહ્યું કે તેમનું પેટ ભરેલું છે એટલે કંઈ લેવું નથી. "સસ્તાં ફળ અને તળેલા ચણાથી ચાલશે, સવારે કંઈક લેશું અને પછી તો મદ્રાસ પહોંચી જવાશે," એમ કહીને તેમનાં પત્નીએ પતિનો ભાર હળવો કરી નાખ્યો. સવારમાં ચા-બિસ્કીટલીધા પછી તેમની પાસે ફક્ત બે આના હતા. રાયચુર જંકશને બીજી ગાડીમાં સામાન મૂકાવીને બંને પ્લેટફોર્મ પર આંટા મારતાં હતા, ત્યારે તારવાળો તેમનું નામ પૂછતો તેમની પાસે આવ્યો. શિવનાથ શાસ્ત્રીએ તેમને તારથી દસ રૂપિયા મોકલ્યા હતા.' તેઓ બેંગ્લોર ૧૮૮૦ના ઑગસ્ટમાં ગયા. ડિસેમ્બરમાં લગ્ન કર્યા અને ડિસેમ્બર, ૧૮૮૨માં તેમણે નોકરી છોડી. તેમનું સ્વમાન ઘવાય એવા બનાવો બનવાથી વ્યવસ્થાપક સાથે તેમના સંબંધો બગયા એટલે તેમણે રાજીનામું આપી દીધું. તે જ સમયે કલકત્તાથી તેમના જાણીતા સદ્દગૃહસ્થ આવ્યા. તે વખતે તેમનાં પત્નીની તબિયત નબળી હતી. તે ગૃહસ્થ તેમની તબિયતનું કારણ પૂછ્યું. તેમણે કહ્યું કે તેને બેંગ્લોરનું હવામાન માફક આવતું નથી. તેમણે બિપિનચંદ્રને તેમનાં પત્નીને બીજે સ્થળે લઈ જવાનું સૂચવ્યું. બિપિનચંદ્રે કહ્યુ કે તે માટે તેમને નોકરી જોઇએ અને કલકત્તા પહોંચવાના પૈસા જોઇએ. એટલે તે ગૃહસ્થ તેમને કહ્યું કે તેઓ તેમનાં બંને પુત્રોને આઇ.સી. એસ માટે મોકલવા માગે છે, તેથી તેઓ કલકત્તા આવીને તેમને બધો સમય ભણાવે અને રસ્તાનું ખર્ચ પણ તેઓ આપશે. ૧૮૮૨ના અંતભાગમાં, જ્યાં સારી ચાહના મેળવી હતી તે બેંગ્લોર છોડીને બિપિનચંદ્ર પાછા કલકત્તા આવી ગયા. - ૧૮૮૪માં બંગાળ પબ્લિક ઓપિનિઅન નામનાં પત્રના સહતંત્રી તરીકે તેમને મહિને ૭૦ રૂપિયા મળતા. ૧૮૮૫ સુધીમાં તેઓ બે પુત્રીઓના પિતા બન્યા હતા. બંગાળી પત્રોમાં લખીને તેઓ દર મહિને વીસ-પચ્ચીસ રૂપિયા બીજા મેળવતા. ૧૮૮૪ના અંતમાં બંગાળ પબ્લિક ઓપિનિઅન બંધ થયું. ફરી તેમને આજીવિકાનો સંઘર્ષ થયો. સિલહટના બે-ત્રણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કલકત્તા આવ્યા હતા. તેઓ તેમને ત્યાં પિંઈગ ગેસ્ટ તરીકે રહ્યા છે તેમને માટે મદદ બની. ૧૮૮૫ના ઑગસ્ટમાં તેમની દસ મહિનાની બીજી પુત્રી બીમાર પડી. ડૉક્ટરે બીજે સ્થળે જવાની તેમને સલાહ આપી. પરંતુ બિપિનચંદ્ર પાસે પૈસા નહોતા. બાબુ દુર્ગામોહનદાસે તેમને રહેવા માટે સારા વિસ્તારમાં તેમનું ઘર આપ્યું. આ અરસામાં તેમના પિતાએ પોતાની તબિયત લથડવા લાગી છે એવો સંદેશો તેમને કહેવડાવ્યો. બિપિનચંદ્રને થયું કે તેમના પિતા તેમને મળવા માગે છે. બાબુ દુર્ગામોહનદાસે પણ એ જ અર્થ ઘટાવ્યો. તે વખતે તેમનાં પત્નીએ એક બાળકનો જન્મ આપ્યો હતો. એવી સ્થિતિમાં તેમને કેવી રીતે છોડી જવા એ પ્રશ્ન હતો. વળી, ઘેર પહોંચવા માટે પૈસા પણ જોઇએ. બાબુ દુર્ગામોહનદાસે બંને પ્રશ્નોની જવાબદારી સંભાળી લીધી, તેથી તેઓ પિતાને મળવા ગયા. તેમની નિઃસ્વાર્થવૃત્તિથી તેમના પિતામાં પરિવર્તન આવ્યું, તેથી કલકત્તાથી કુટુંબ લઇ આવવાનું તેમને કહ્યું અને જવા-આવવાના પૈસા આપ્યા. તેમણે તેમના પિતાનાં પરિવર્તન માટે તેમનાં પત્નીનાં વ્યક્તિત્વને યશ આપ્યો. આખરે ૧૮૮૬ના આરંભમાં પિતા-પુત્રનું સુખદ મિલન વતનનાં પોઇલ ગામમાં થયું. ત્યાં તેમનાં પત્નીને કોલેરા થયો. ચિંતાજનક પરિસ્થિતિ થઇ. તેમના પિતાએ પુત્રવધૂની સારવાર માટે હિંદુ રૂઢિચુસ્તતાને છોડીને પણ અંગત દેખરેખ રાખી. તેમનાં પત્ની બચી ગયાં. પરંતુ તેઓ હજી બરાબર સ્વસ્થ નહોતાં થયાં ત્યાં તેમના પિતા એ ચેપમાં પથારીવશ થયા. મરણપથારીએ તેમણે પહેલાંનું વસિયતનામું જેમાં બિપિનચંદ્રને બાતલ કર્યા હતા તે રદ કરાવ્યું અને નવું વસિયતનામું લખાવડાવ્યું, જેમાં બિપિનચંદ્રને વસિયતનામાના કર્તાહર્તાની સત્તા આપી. પિતાએ પોતાના પુત્રને નિષ્કપટ અને પ્રામાણિક ગણાવ્યા. તેમના છેલ્લા શબ્દો વહુમાંની ખાવા-પીવાની કાળજી અંગના હતા. તેમના પિતાના અવસાન બાદ તેમણે થોડો વખત ગામના જમીનદારનું પાત્ર ભજવ્યું પણ તેમને ન ફાવે એ દેખીતું છે. તેમના - પિતાએ તેમની સ્થાવર મિલકત મોટી રકમ લઇને ગીરો મૂકી હતી. બિપિનચંદ્ર વતનમાં સ્થિર થવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમના કોઈ વાંક વિના એક અમલદારસાથે સંબંધો બગડ્યા અને બાળકોને ત્યાંનું હવામાન માફક ન આવ્યું. છેવટે તેમના પિતાની મિલકત વેચીને દેવું ચૂકવીને તેઓ ૧૮૮૬ની આખરમાં કલકત્તા પાછા આવી ગયા. પરંતુ બંગાળી પત્ર બંધ થઈ ગયું હતું અથવા લખનારને તેઓ કંઇ આપી શકે તેમ નહોતા. બીજા પત્ર સાથે સંબંધ ન રાખી શકાય એવું તે ક્રાંતિકારી બન્યું હતું. તેમને જે થોડી મિલકત મળી હતી તેના આધારે તેમને તત્કાળ ગુજરાનની ચિંતા નહોતી. તેથી તેઓ બ્રહ્મોસમાજના ઉપક્રમે વ્યાખ્યાનો અને ઉપદેશનું કામ કરતા રહેતા. આ સમય દરમ્યાન તેમણે રાણી વિક્ટોરિઆ અને અકાળે અવસાન પામેલા તેમના નિકટના મિત્ર બાબુ પ્રમાદચરણ સેનનાં જીવનચરિત્રો બંગાળી ભાષામાં લખ્યાં.' ૧૮૮૭ના ઓક્ટોબરમાં તેમને લાહોરમાં ટ્રિબ્યુન પત્રમાં સહતંત્રી તરીકેની નોકરી મળી. ત્યાં થોડા જ દિવસોમાં તે પત્રના તંત્રી ૨જા પર. ગયા, તેથી તેમણે પાંચ માસ તંત્રીનું સ્થાન સંભાળ્યું. તેમની સાહિત્યિક કાર્ય માટેની અનોખી ધગશ હોવાથી તેમણે તંત્રીની ગેરહાજરીમાં પત્રની નામના સારી વધારી. તંત્રીએ રજા પરથી આવ્યા બાદ બિપિનચંદ્રને આખરી પ્રૂફ તપાસવાનું અને દિવસ દરમ્યાન થયેલી આવકની દેખરેખનું કામ સોંપ્યું. તેમણે સહતંત્રી તરીકે આવું કામ ન સ્વીકાર્યું અને રાજીનામું આપી દીધું. તેમના એક પ્રશંસકે પત્રના માલિક સાથે તેમની મુલાકાત થાય એવું ગોઠવી આપ્યું. પરંતુ તેઓ તંત્રીને ડખલ થાય એમ ઇચ્છતા નહોતા, તેથી પત્રના માલિક આગળ પોતાનાં રાજીનામાની યોગ્યતા ગણાવી છૂટા થયા. તેઓ ફરી કલકત્તા પાછા આવ્યા. પોતાને મળેલો વારસો બચે તેટલા માટે તેઓ લાહોર ગયા હતા. પણ એ સફરથી 8000 રૂપિયા ઓછા થયા હતા. - તેમનાં પત્નીને વરસે સવા વરસે પ્રસૂતિ આવતી, તેથી તેમનું સ્વાથ્ય જોખમાયું હતું. પરંતુ સારી તબીબી સારવારથી તેઓ સ્વસ્થ થઇ ગયો હતાં. એક વાર તેઓ તેમનાં મકાનની સામે જ પ્રાર્થનાખંડમાં ગયા હતાં. ત્યાં પડી ગયાં. સારી તબીબી સારવારથી તેમની તબિયત બરાબર થઈ ગઇ હતી. ત્યાર પછી થોડા દિવસો બાદ તેમને એકાએક તાવ આવ્યો. તરત જ સારી તબીબી સારવાર થઇ, પણ તબિયતે જુદો જ વળાંક લીધો અને થોડા જ કલાકોમાં તેમણે છેલ્લો શ્વાસ લીધો. બિપિનચંદ્રને ખા આઘાત ઘણો વસમો લાગ્યો. તેમના ધાર્મિક વિચારોમાં પરિવર્તન આવ્યું. તેમણે એમર્સન અને ટેનિસના વિચારોમાંથી સતત આશ્વાસન મેળવ્યું. એમર્સન તો તેમના સતત સાથીદાર તરીકે એક વર્ષ લગી રહ્યા. તેમના ધાર્મિક વિચારો વ્યવસ્થિત, ગંભીર અને શ્રદ્ધાપૂર્ણ બન્યા. દોઢ વર્ષ પછી તેમણે ફરી લગ્ન કર્યું. તેમની પત્નીનાં ૧૮૯૦ના ફેબ્રુઆરીમાં અવસાન બાદ તેમને કલકત્તા પબ્લિક લાઇબ્રેરીમાં ગ્રંથપાલ અને મંત્રી તરીકે નોકરી મળી. ત્યાં તેઓ બહુ રહી ન શક્યા. સમિતિના ૧૨ સભ્યોમાંના કેટલાક તેમને તેમના અંગત નોકર ગણતા હોય એવી તેમને લાગણી થઈ. તેથી તેમણે તે નોકરી પણ છોડી. પરંતુ સમિતિના પ્રમુખ શ્રી લીને તેમના પ્રત્યે આદર હતો. તેમણે તેમને કલકત્તા મ્યુનિસિપાલિટીમાં લાઇસન્સ ઈન્સ્પેક્ટર તરીકેની હંગામી નોકરી અપાવી. આ નોકરીમાં પણ તેઓ વધારે રહી ન શક્યા, કારણકે તેમની આજીવન લેખન અને ઉપદેશની તીવ્ર ઉત્કંઠાને લીધે પોતાના અને પોતાના પરિવારના નિભાવની ચિંતા ભગવાનને ચરણે છોડીને બ્રહ્મો સમાજનાં અને સાહિત્યિક કાર્ય માટે તેમણે તેમનું જીવન અર્પણ કરી દીધું. ૧૮૯૮માં તેઓ બ્રહ્મોસમાજી કાર્યકર તરીકે વિદેશી શિષ્યવૃત્તિ સાથે બે વર્ષના અભ્યાસક્રમ માટે ઇગ્લેંડ ગયા. ત્યાંથી પછી તેઓ અમેરિકા ગયા. ત્યારપછી તેમના ૧૯૩૨ સુધીના જીવનકાળ દરમ્યાન તેઓ પત્રકાર, લેખક, દેશભક્ત તેમજ વક્તા તરીકે કાર્યરત રહ્યા. વચ્ચે વચ્ચે વિદેશ જવાનું પણ બનતું. થોડો શીતળ છાંયડો બાદ કરતાં, તેમણે દયાજનક આર્થિક કટોકટી તો છેક સુધી ભોગવી. તેઓ પોતાનો સિદ્ધાંત છોડીને આર્થિક પ્રલોભનને વશ થતા જ નહિ. આજે થોડી વાર બત્તી જાય એટલી અગવડ માણસથી સહન થતી નથી, ત્યારે આ વીર પુરુષ પોતાના વિચારો ખાતર, સિદ્ધાંતો ખાતર અને સ્વમાન ખાતર સદાય અકિંચનતાની અતિ વસમી અગવડ સ્વીકારતા રહ્યા અને પોતાને જે સત્ય લાગે તે સમજાવવાનું કાર્ય અનન્ય ધગશથી કરતા રહ્યા- આવું તેમનું ઉદાત્ત જીવન સૌને પ્રેરણારૂપ બની રહો.
SR No.525978
Book TitlePrabuddha Jivan 1993 Year 04 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1993
Total Pages136
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy