________________
પ્રબુદ્ધ જીવન
૪
ગયેલા ત્યારે સાથે ફરનાર વ્યક્તિએ કહ્યું કે આપણે તો સવા `માઇલ સુધી ચાલ્યા? ક્લેનારે સહજ ભાવથી કહ્યું પણ વિષ્ણુભાઈને મનમાં ફાળ પડી કે હું મારી શક્તિની ઉપરવટ ચાલ્યો છું.' એટલે તરત તેઓ પરસેવે રેબઝેબ થઇ ગયા અને હાંફતા હાંફતા માંડ માંડ ઘરે પહોંચ્યા. આવા કેટલાક અનુભવો પછી તેમણે સંકલ્પ કર્યો હતો કે હવેથી ઘરની બહાર ક્યાય જવું જ નહિ અને ઘરમાં બેસી આખો દિવસ સ્વસ્થતાપૂર્વક સ્વાધ્યાય અને લેખનમાં વિતાવવો, પોતે આ રીતે સ્વેચ્છાએ હર્ષપૂર્વક આ એક મર્યાદા સ્વીકારી લીધી એટલે પોતાને બહાર જવા નથી મળતું એ વાતનો એમને ક્યારેય વસવસો રહ્યો નહિ. પોતાની માનસિક વ્યાધિને આશીર્વાદમાં એમણે ફેરવી કાઢી હતી અને બહુ જ સ્વસ્થતા અને ઉલ્લાસપૂર્વક પોતાનું જીવન જીવવા લાગ્યા
હતા.
આમ છતાં વિષ્ણુભાઇ પોતાની તબિયત માટે પૂરી કાળજી લેતા. ગરમી કરતાં ઠંડીની તેમને વધુ બીક રહેતી. પવનની જરા સરખી લહેરખી આવે તો વિષ્ણુભાઇને તેની તરત ખબર પડે. એક વખત હું એમને ઘરે ગયો. હતો. અમે બંને સાહિત્યજગતની વાતો કરતા હતા. રૂમની બંને બારીઓ બંધ હતી. ત્યાં એમણે શાન્તાબહેનને બૂમ પાડીને બોલાવ્યાં અને કહ્યું કોઇ બારી જરા ખુલ્લી રહી ગઇ લાગે છે. શાન્તાબહેને હ્યું, નથી ખુલ્લી રહી ગઇ” મેં બરાબર બંધ કરેલી છે. વિષ્ણુભાઇએ કહ્યું, “મને ઠંડી લાગે છે, એટલે જરાક તિરાડ જેટલી પણ ખુલ્લી રહી ગઇ હોવી જોઇએ. જરા ફરી જુઓને ! શાન્તાબહેને બેય બારી ફરીથી બરાબર જોઇ તો એક બારી બરાબર વસાઇ નહોતી. તિરાડ જેટલી જગ્યા બકી રહી ગઇ હતી. તેમણે તે બરાબર ખેંચીને બંધ કરી. વિષ્ણુભાઇનું શરીર ઠંડી અને હવાની બાબતમાં કેટલું બધું સંવેદનશીલ બની ગયું હતું તે એ પ્રસંગે પ્રત્યક્ષ મને જોવા મળ્યું હતું...
વિષ્ણુભાઇએ ઘરની મર્યાદા સ્વીકારી લીધી હતી, પરંતુ ચેતસિહ અને આત્મિક દૃષ્ટિએ તેઓ બાહ્ય જગતના સતત સંપર્કમાં રહેતા અને સમગ્ર વિશ્વ સાથે એકરૂપતા અનુભવતા હતા. અનેક સાહિત્યકારો, મિત્રો, વિદ્યાર્થીઓ સાથે પત્રલેખન દ્વારા તેઓ સતત સંપર્કમાં રહેતા. વર્તમાનપત્રો નિયમિત વાંચતા અને દુનિયાભરની ઘટનાઓ વિશે જાણકારી ધરાવતા. રોજ રોજ મહેમાનો દ્વારા પણ તેમને અવનવી વાતો જાણવા મળતી. જીવનમાં કશું ખૂટે છે એવું તેમને ક્યારેય લાગતું નહિ.
વિષ્ણુભાઇ પોતાના રૂમની બહાર બહુ જ ઓછું નીકળે. પોતાના મકાનની બહાર તો કેટલાંય વર્ષોમાં કોઇક અપવાદરૂપ પ્રસંગોમાં નીકળ્યા હશે ! વિષ્ણુભાઈએ પોતાના ‘મૈત્રી” નામના મકાનમાં રહેવાનું ચાલુ કર્યું તે પછી એક દાદર ચડીને પોતાના ઘરની અગાસીમાં તેઓ ક્યારેય જિજ્ઞાસાવૃત્તિથી પણ ગયા નહોતા. અગાશી કેવી છે તે વિષ્ણુભાઈએ જોઇ નહોતી. પરંતુ એક દિવસ અચાનક સંજોગવશાત તેમને અગાસીમાં ફરજિયાત જવું પડયું હતું. એ પ્રસંગ હતો તાપી નદીના પૂરનો. કેટલાંક વર્ષ પહેલા તાપી નદીમાં મોટું પૂર આવ્યુ હતું. ત્યારે આખા સુરત શહેરમાં પાણી ભરાઇ ગયાં હતાં. એ વખતે વિષ્ણુભાઇના ધરમાં પણ પાણી ભરાઇ જવાને લીધે પોતાની પત્ની અને પુત્રી સાથે તેઓને પણ ઉપર અગાશીમાં ચડી જવું પડયું હતું. જયારે પૂર ઊતરતું ગયું ત્યારે સુરતના એકે એક ધરમાં પુષ્કળ કાદવ ઠાલવતું ગયું. એવા કાદવવાળા ધરને સાફ કરવામાં ઘણો પરિશ્રમ લેવો પડે એમ હતો. એ વખતે પોતાનો રૂમ સાફ થયા પછી વિષ્ણુભાઇ અગાશીમાંથી નીચે આવ્યા હતા. એ પછી તેઓ જીવનના અંત સુધી અગાશીમાં ક્યારેય ગયા નહોતા. આ રીતે પોતાના જ ધરમાં પોતાની અગાશીમાં જવાનો પ્રસંગ ત્રીસેક વર્ષના નિવાસ દરમિયાન એક જ વાર તેમને માટે બન્યો હતો અને તે તાપી નદીમાં આવેલા પૂરને કારણે.
i
વિષ્ણુભાઇ કોઇ કોઇ વખત કહેતા કે જગતમાં અને જીવનમાં કેટલીક વસ્તુઓ સારભૂત અને અમૂલ્ય છે. આપણા બધા ભારતીય ગ્રંથોમાં તેમને માટે ઉપનિષિદો અને શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રિયમાં પ્રિય ગ્રંથો હતા. તેઓ કહેતા કે કોઇ કદાચ મને પૂછે કે દુનિયમાં પ્રલય થવાનો છે અને તમને સલામત જગ્યાએ લઇ જવાના છે તો તમે તમારી કઈ પ્રિય વસ્તુઓ સાથે લઇને પહોંચી જાવ ? તો હું જવાબમાં કહ્યું કે ઉપનિષદો અને શ્રીમદ્ ભગવદ્ ગીતા લઈને હું સલામત સ્થળે ચાલ્યો જઇશ.' તાપી નદીમાં જયારે પૂર આવ્યાં અને વિષ્ણુભાઇ પોતાના ઘરની અગાશીમાં ચાલ્યા ગયા તે વખતે
તા. ૧૬-૧૨-૯૧
ઉપનિષદો અને શ્રીમદ્ ભગવત ગીતા લઈને ગયા હતા. પૂર આવવાના કારણે ઘણા લોકોએ પોતાની સ્વસ્થતા ગુમાવી હતી. પરંતુ વિષ્ણુભાઇ એ પ્રસંગે પણ સ્વસ્થ રહ્યા હતા. પૂરને લીધે ધરવખરીને કેટલુંક નુકસાન થયું હતું, પરંતુ વિષ્ણુભાઇની મનોદશા તો સ્થિતપ્રજ્ઞ જેવી, નાનુ શોવંતિ પંડિતાઃ જેવી જ રહી હતી.
વિષ્ણુભાઇએ પોતાની નિવૃત્તિના અરસામાં પોતાની કમાણી અને બચતમાંથી અમદાવાદમાં શ્રી સદ્મ સોસાયટીમાં ઘર લીધુ હતું. પ્રો. અનંતરાય રાવલ, આચાર્યશ્રી યશવંત શુકલ વગેરે અધ્યાપકોની સાથે પોતાને પણ રહેવા મળ અને સાહિત્યકારોનો સહવાસ મળે એ આશયથી ઘર લીધુ હતું, પરંતુ તે દરમિયાન તો પોતાની માનસિક બીમારી ચાલુ થઇ ગઇ હતી. એટલે સોસાયટીમાં પોતે કરાવેલા ઘરનો કબજો લેવા માટે કે વાસ્તુ કરવા માટે પણ તેઓ અમદાવાદ ગયા ન હતા. આ સોસાયટી થયાને દસેક વર્ષ વીતી ગયા હતાં. એકાદ વખત હું એમને સુરત મળવા ગયો હતો ત્યારે સમ્ર સોસાયટીના ઘરની વાત નીકળી હતી. એમણે હ્યું કે ‘ધર કરાવ્યાંને વર્ષો થઇ ગયાં છે, પરંતુ મારું એ ઘર કેવું છે તે મેં હજુ નજરે જોયું નથી. મને એ માટે કોઇ ઉત્સુક્તા પણ નથી. રહી. હું મારું ધર જોયા વગર રહી ગયો એવા ભાવ પણ મને ક્યારેય થયો નથી.”
સબ સોસાયટીની આ ધરની મુલાકાત અચાનક ફરજિયાત લેવાનો પ્રસંગ વિષ્ણુભાઇને પ્રાપ્ત થયો હતો. એમનાં પત્ની શાંતાબહેને પક્ષધાતનો એકાએક હુમલો થયો. ડોકટરે સલાહ આપી કે હુમલો ગંભીર છે અને તેની સારવાર સુરતમાં સરખી નહિ થાય, માટે દર્દીને મુંબઇ અથવા અમદાવાદ લઇ જવાનું સલાહભર્યું છે. મુંબઇ કરતાં અમદાવાદ વધારે અનુકૂળતા રહે. પોતાનું ઘર પણ ત્યાં છે. એ દૃષ્ટિએ શાંતાબહેનને અમદાવાદ લઈ જવાનું નકકી થયું હતું. એ માટે મોટરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી. ઘરમાં બીજા કોઈ સભ્યો પણ નહિ અને વિષ્ણુભાઇએ જાતે તો જવું જ પડે. એ વખતે મજબૂત મનોબળ કરીને વિષ્ણુભાઈ શાંતાબહેનની સાથે સૂરતથી અમદાવાદ ગયા. એમને માટે મોટરકારનો આટલો લાંબો પ્રવાસ જિંદગીમાં પહેલીવારનો હતો.. અમદાવાદ જઇને એમણે પોતાનું ઘર પણ ઘણાં વર્ષે પહેલીવાર જોયું. શાંતાબહેનને કંઇક સારું થતાં તે એક વાર ફરી પાછા મોટરમાં સુરત આવી ગયા હતા. ત્યાર પછી હું સુરત એમને મળવા ગયો હતો. શાંતાબહેન ખુરશીમાં બેઠા હતાં. મેં એમની સાથે વાત ચાલુ કરી. કેટલાક જવાબ બરાબર નહોતા અપાતા. ત્યાં વિષ્ણુભાઇએ જ કહ્યું કે તેમની સ્મૃતિ ચાલી ગઇ છે. બ્રેઇનને નુકસાન પહોંચ્યું છે. એટલે તેમને માટે હવે માત્ર વર્તમાનકાળ જ રહ્યો
છે.
વિષ્ણુભાઇને સંતાનોમાં એક જ દીકરી ચિ. વસંતિકા. મુંબઇના જાણીતા શિક્ષક અને હાસ્યરસના લેખક શ્રી ભગવત ભટ્ટના પુત્ર નિકુંજભાઇ સાથે તેનાં લગ્ન કરવામાં આવ્યાં હતાં. વસંતિકા મુંબઈ રહે પરંતુ વિષ્ણુભાઇની વૃદ્ધાવસ્થાના કારણે વારંવાર તેને સુરત દોડવું પડે. વિષ્ણુભાઇના પત્ની શાંતાબહેનને લકવાની અસર થયા પછી વસંતિકા અને એના પતિ નિકુંજભાઇ સંતાનો સાથે સુરત જઈને વિષ્ણુભાઇની સાથે જ રહ્યાં. બહેન વસંતિકાએ પોતાની માતાની અને પિતાની ખૂબ પ્રેમભાવપૂર્વક સતત સેવા ચાકરી કરી છે. વસંતિકાના કારણે વિષ્ણુભાઇના પશ્ચાદ્ જીવનમાં એકલતા રહી નહોતી. વસંતિકાના પતિનું અકાળ અવસાન થયું. એ દુ:ખ વિષ્ણુભાઇને જોવાનું આવ્યુ, પરંતુ એ આપત્તિના પ્રસંગે પણ બહેન વસંતિકાએ અમદાવાદના સ્મશાનમાં જઇ પોતાના પતિની ચિતાને પોતાના હસ્તે દાહ આપીને જે સ્વસ્થતા અને ધૈર્ય બતાવ્યા તે વિષ્ણુભાઈ પાસેથી વારસામાં મળેલા સત્ત્વ જેવાં હતાં.
વિષ્ણુભાઇએ અમદાવાદનો બીજીવારનો પ્રવાસ પોતાના જમાઇની માંદગી નિમિત્તે કર્યો હતો.નિકુંજભાઇને ગંભીર માંદગીને કારણે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવાનું નકકી થયું. એ વખતે પુત્રી વસંતિકાને નૈતિક સહારો રહે એટલા માટે વિષ્ણુભાઇ પણ તેમની સાથે અમદાવાદ ગયા હતા. ત્યાં નિકુંજભાઇની તબિયત સુધરતી ગઇ હતી. પરંતુ પાછળથી અચાનક તબિયત વધુ બગડી અને તેમનું અવસાન થયું. વિષ્ણુભાઇના જીવનનો આ એક મોટો આધાત હતો.
અમદાવાદના દસેક દિવસના રોકાણ દરમિયાન ઉમાશંકર જોશી રોજ જ વિષ્ણુભાઇ પાસે આવતા. યશવંત શુક્લ તો પાડોશમાં જ રહેતા. અને તેઓ પણ વિષ્ણુભાઇની સંભાળ લેતા.