________________
તા. ૧૬-૧૧-૬૭
પ્રબુદ્ધ જીવન
✩
ધર્મ અને વિજ્ઞાન
(સપ્ટેમ્બર માસમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજવામાં આવેલી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કાલેજના પ્રોફેસર ફાધર વાલેસ, સંઘના નિયંત્રણને માન આપીને પધાર્યા હતા, તેમણે બે વ્યાખ્યાના આપેલાં તેમાંનું એક · વ્યાખ્યાન “ ધર્મ અને વિજ્ઞાન ” નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી
ધર્મ ને વિજ્ઞાન વચ્ચેનો ઝઘડો જૂનો છે. ધર્મને હાથે વિજ્ઞાનનું અપમાન અનેક વાર થયું છે, અને વિજ્ઞાન એનું વેર વાળવાને કદી ચૂકયું નથી. ધર્મ પરમ સત્યનો ઈજારો લઈને બેઠો છે, જ્યારે વિજ્ઞાન હરેક વાતને બુદ્ધિની કસાટીએ ચડાવવાનો આગ્રહ રાખી તેને પડકાર આપી રહ્યું છે. ધર્મની પાસે દર્શન ને શ્રાદ્ધા, અંત[ક્ષુ ને ભકિત છે, જ્યારે વિજ્ઞાનની પાસે બુદ્ધિની તીક્ષ્ણ તલવાર જ છે; અને જેમ માણસના આખા જીવન દરમિયાન તેના મન ને હૃદય વચ્ચે સતત સંગ્રામ ચાલે છે તેમ માનવજાતના આખા ઈતિહાસ દરમિયાન વિજ્ઞાનની શેાધા અને ધર્મના અનુભવો વચ્ચે ક્લેશ થતા આવ્યો છે.
ઝઘડો જૂના છે પરંતુ આપણા જમાનામાં એણે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વિજ્ઞાનના હાથ તો બધે જ પહોંચી ગયા છે. એક તરફ તે બ્રહ્માંડ સર કરી રહ્યું છે ને બીજી તરફ આધુનિક સાધન – સગવડો લઈને તે ઘેર ઘેર પહોંચી ગયું છે. આપણા સૌથી તેજસ્વી યુવાને વિજ્ઞાનના અભ્યાસ તરફ આકર્ષાય છે, અને ઘરના ને સ્કૂલ – કોલેજના એ વાતાવરણમાં એક જાતની વૈજ્ઞાનિક મનેવૃત્તિ તેમના મનમાં પેદા થાય છે: બુદ્ધિનું પ્રાધાન્ય, ભૌતિક વિકાસનું મહત્ત્વ, જ્ઞાનનું અભિમાન અને ધર્મની અવગણના. એ યુવાન તેજસ્વી વિદ્યાર્થીઓ વિજ્ઞાનને વરેલા જ છે, માટે જો ધર્મ ને વિજ્ઞાન વચ્ચે મેળ બેસતા ન હોય તો ધર્મના ત્યાગ કરીને તેઓ વિજ્ઞાનને વળગી રહેશે. એ છે આ પ્રશ્નનું વ્યવહારુ મહત્ત્વ અને તેની પાછળ રહેલું ભારે જોખમ.
એમાં વિજ્ઞાનને હલકું પાડીને ધર્મને જય પોકારવાને પ્રયત્ન કેટલાક ધર્મચિંતકો કરે છે એ વાજબી નથી, અને એથી ઊલટું પરિણામ આવવાનો સંભવ છે. આધુનિક માનવીને વિજ્ઞાનમાં અટળ શ્રાદ્ધા છે કારણ કે તે રોજ તેના ચમત્કારો નજરે જુએ છે. માટે ‘વિજ્ઞાન ખોટું ને ધર્મ સાચા ’ એ સૂત્ર સ્વીકારવા તે તૈયાર નથી.
આ જટિલ પ્રશ્નનો સાચા ઉકેલ ધર્મ ને વિજ્ઞાનની મર્યાદાઓ અને તેના પરસ્પર સંબંધે તપાસવામાં છે. વિજ્ઞાનની અદ્ભુત શેાધા ને પ્રગતિ છતાં. તેની અનેક મર્યાદાઓ છે એ સૌથી પ્રથમ સ્વીકારવું જોઈએ, અને સાચા વૈજ્ઞાનિકો એ પૂરા દિલથી સ્વીકારે છે. ત્રણ સૈકાઓ પહેલાં ન્યૂટન અને ડેકાર્નની શેાધાના અનુસંધાનમાં વિજ્ઞાનની આલમમાં એવા ઉન્માદ પ્રસરી ગયા કે જાણે બ્રહ્માંડનાં સર્વ રહસ્યની ચાવી હાથ લાગતી ન હોય! ન્યૂટનના નિયમોથી કોઈ પણ ગતિશીલ પદાર્થના પંથ ભૌમિતિક વક્રોમાં આલેખી શકાય, અને ડેકાર્નની પદ્ધતિએ એ ભૂમિતિની આકૃતિઓના અભ્યાસ બીજગણિતનાં ચાક્કસ સમીકરણાદ્નારા થઈ શકે; માટે આખું બ્રહ્માંડ થોડાં સૂત્રામાં બંધાયું એમ લાગ્યું. પણ એ વધુપડતો આશાવાદ લાંબા ટકયા નહિ, અને વિજ્ઞાનની સીમાઓનું ભાન સૌથી પ્રથમ તો વૈજ્ઞાનિકોને જ થયું. જેમ ઊંચે ચડતાં વિશાળ ભૂમિખંડો દેખાય છે તેમ વિજ્ઞાનનાં શિખરો પર ચડતાં અસંખ્ય ને અસીમ વણખેડાયેલાં જ્ઞાનક્ષેત્ર નજરે પડે છે.
78
ગણિતની વાત લઈએ તે આધુનિક અદ્ ભુત શેાધાની સાથે સાથે એટલી બધી સમસ્યા ઊભી થાય છે કે સંશોધકોના મનમાં આશ્ચર્યની સાથે નમ્રતાની લાગણી પણ રહ્યા કરે છે. અનિશ્રિત રહેલા પ્રશ્નો, સાબિતી વિના રહેલાં પ્રમેયા, મતભેદના ભાગ બનેલા ઉકલા – એ રોજના અનુભવ છે. ગણિતના સંશાધન સામાયિકોમાં ‘આ પ્રમેયની જવાબદારી લેખકની જ છે' એવી તંત્રીની નોંધ વાંચીને અર્થશાસ્ત્ર કે રાજકારણના વિવાદાસ્પદ પ્રશ્ન યાદ આવે છે, અને એવી ચર્ચાઓ ચાલે છે પણ ખરી. હાલ નમ્રતા કેળવવા ગણિતજ્ઞાને વિશેષ કારણ મળ્યું છે તે ગેહેલની અણધારી શોધ છે: એમણે સાબિત કરી બતાવ્યું છે કે ગણિતની કોઈ પણ શાખામાં એવાં વિાના હોય છે કે જે સાચાં પણ નથી ને ખોટાં પણ નથી, અથવા તો ચોક્કસાઈથી કહીએ તો તે સાચાં છે એ સાબિત કરી શકાતું નથી ને તે ખાટાં છે એ પણ સાબિત કરી શકાતું નથી. અને આ પરિણામની સાબિતી પાછી આપણા યુગની
૧૪૩
એક અનન્ય ખૂબી ગણાય છે. જાણે માણસની બુદ્ધિએ હાથે કરીને પોતાની જ મર્યાદા બાંધી ન હોય !
પરંતુ બીજી તરફ ધર્મની મર્યાદાઓ પણ હોય છે. જો ધર્મ એવા દાવા કરે કે પોતાની પાસે સત્ય છે અને સત્ય શાશ્વત, સનાતન, પરિપૂર્ણ હોઈ એમાં કશું ઉમેરી શકાતું નથી ને બદલી શકાતું નથી તે એ ભૂલમાં આવી ગયો. સત્ય સનાતન છે જ, પણ એ જોનાર ને સમજનાર ને વ્યકત કરનાર માનવીની દષ્ટિ મર્યાદિત છે, માટે એમાં પણ નમ્રતા ને વિવેક માટે અવકાશ રહે છે. ગણિતશાસ્ત્રી લાઈબ્નીત્સ અને ધર્માધ્યક્ષ બાસુએ વચ્ચે પ્રખ્યાત શાસ્ત્રાર્થ દરમિયાન બાસુએની મુખ્ય દલીલ આ આરોપમાં આવી ગઈ : તમે બદલાઓ છે, માટે તમે સત્ય નથી.' પણ લાઈબ્નીસે જવાબ આટલા જ સચેટ આપ્યો : ‘તમે બદલાતા નથી, માટે તમે જીવન નથી. ' આપણે સત્ય જોઈએ. તે જીવંત મૃત શિલાલેખ નહિ, ચેતન જ્ઞાન જોઈએ, જડ ક્રિયાકાંડ નહિ, સત્ય જોઈએ,
ધર્મમાં શું મુખ્ય ને શું ગૌણ, સત્યના ઝાડમાં કયાં મૂળ ને કયાં પાંદડાં એ કહેવું સહેલું નથી, પણ વિજ્ઞાન સાથેના સમન્વયની દષ્ટિએ એમ સામાન્ય રીતે કહી શકાય કે જ્ઞાનમાર્ગના સિદ્ધાંતો અચલ હોય છે જ્યારે ભકિતના આવિર્ભાવ બદલાય છે. ભકિત આવશ્યક છે, શુભ છે, કલ્યાણકારી છે, પણ ભકિતના ઊભરાની સાથે જે ઉદ્ગારો નીકળે, જે ભાવ પેદા થાય, જે વિધિએ ચાલે એ બધા ઉપર વિવેકની નજર રાખવી જરૂરી છે. પ્રેમની ભાષા જુદી અને જ્ઞાનની ભાષા જુદી, માટે દરેકનું વ્યાકરણ સમજીને દરેકના સાચા અર્થ ઘટાવીએ તો બેની વચ્ચેનું સંઘર્ષણ ઓછું થશે.
ધર્મ ને વિજ્ઞાન વચ્ચેના સંબંધ મન ને દેહના સંબંધ જેવા છે. વિજ્ઞાન સાધના પૂરાં પાડે છે, ને ધર્મ તેનો શે ઉપયોગ કરવા જોઈએ એ બતાવે છે. વિજ્ઞાન અણુશકિત નિર્માણ કરે છે, ને ધર્મ આજ્ઞા કરે છે કે તેના ઉપયોગ વિનાશક શસ્ત્રો નહિ પણ વિદ્યુતશકિત પેદા કરવા માટે થાય. વિજ્ઞાન માણસના મગજ ઉપર ઊંડી અસર કરનાર નવી દવાઓ શેાધે છે, ને ધર્મ ફરમાવે છે કે તે નફો ચડાવવા માટે નહિ પણ દુખાવામાં રાહત આપવા માટે વપરાય. વિજ્ઞાન રેડિયોને ટેલિવિઝન માણસના હાથમાં મૂકે છે, ને ધર્મ આદેશ આપે છે કે તે દ્વારા સત્યના જ પ્રચાર થાય, જૂઠ ને વેરના નહિ. વિજ્ઞાન એ આંધળા રાક્ષસ છે; ધર્મ તેનાં દિવ્યચક્ષુ છે. વિજ્ઞાન વિના ધર્મ પાંગળા છે; ધર્મ વિના વિજ્ઞાન ઘાતક છે. પણ વિજ્ઞાન સાથે ધર્મ એસશકત શરીર ને જાગૃત મનની અજબ જોડી છે.
સુવિખ્યાત અવકાશ – વૈજ્ઞાનિક ડૉ. વેર્નેર ફોન બ્રાઉને અમેરિકાની સેન્ટ લૂઈસ યુનિવર્સિટીમાં મંગળ પ્રવચન માટે આ જ વિષય પસંદ કર્યો હતો, ને પોતાના વિચારનો સાર નીચેના પ્રેરક શબ્દોમાં કાઢયા હતા : ‘ધર્મ અને વિજ્ઞાન વચ્ચે મેળ બેસતા નથી એમ કેટલાક લોકો માને છે અને કહે પણ છે, પણ એવા મતને હું વિજ્ઞાનને નામે ને ધર્મને નામે ખાટો, જોખમભરેલા ને મૂર્ખાઈભરેલા ગણું છું. આખી દુનિયાને આપણે મુકત કંઠે જણાવશું જોઈએ કે વિજ્ઞાન અને ધર્મ એક જ સત્યનાં બે પાસાં છે. વિજ્ઞાનની ગાદી પર ભગવાન બિરાજશે તે જ આપણા આ વિજ્ઞાન યુગના ભય ને આશાઓ વચ્ચે માનવજાતનું ખરું કલ્યાણ સર્જાશે.
અને બીજા એક મહાન વૈજ્ઞાનિક ને મહાન ભકત, ન્ય સંશોધક લૂઈ પસ્ટેરે સે વર્ષ પહેલાં ઉચારેલા શબ્દોમાં આ આખા પ્રશ્નના ઈતિહાસ અને ઉકેલ સમાઈ જાય છે: ‘કાચું વિજ્ઞાન માણસને નાસ્તિક બનાવે છે; જ્યારે સાચું વિજ્ઞાન માણસને ભકત બનાવે છે.' કાચા વિજ્ઞાન ને કાચા ધર્મની વચ્ચે વિરોધ હોઈ શકે, પણ સાચા વિજ્ઞાન ને સાચા ધર્મની વચ્ચે સમન્વય છે. ખગોળશાસ્ત્રી કેપ્લેર, ગ્રહો – તારાઓની ગતિના નિયમો શોધતા હતા ત્યારે કહેતા: ‘હું ઈશ્વરના વિચારોના પુનવિચાર કરું છું.' એ ભાવનાથી જો વિજ્ઞાન બ્રહ્માંડના અણુએ અણુમાં ભગવાનનો સ્પર્શ ઓળખે અને ભૌતિક શકિતનો ઉપયોગ અધ્યાત્મના માર્ગદર્શનથી કરે તો વિજ્ઞાન યુગ વિનાશ યુગ નહિ પણ નવનિર્માણ યુગ તરીકે માનવજાતના ઈતિહાસમાં સ્થાન પામશે. ફાધર વાલેસ