________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
SHRUTSAGAR
19
December-2015
પ્રભાવકચરિત્રમાં જે અભયદેવસૂરિપ્રબન્ધ છે તેમાં એમ કહ્યું છે કે શ્રી શીલાંકસૂરિએ પહેલાં ૧૧ અંગો ઉપર ટીકા રચી હતી, પણ પહેલાં બે અંગો સિવાયનાં નવ અંગો ઉપરની ટીકા વિચ્છિન્ન જવાથી શ્રી અભયદેવસૂરિએ ત્રીજાથી અગ્યારમા સુધીનાં અંગો ઉપર ટીકા રચી. આ ઉલ્લેખ ભ્રાન્ત છે, કેમકે ઠાણની ટીકામાં શ્રી અભયદેવસૂરિ પોતે જ કહે છે કે એના ઉપર કોઈએ ટીકા રચી નથી. વળી શ્રી જિનવલ્લભસૂરિ પણ અષ્ટસપ્તતિકામાં એ જ વાત કહે છે. વિશેષમાં આગમોદ્ધારક જૈનાચાર્ય શ્રી આનંદસાગરસૂરિ પણ આ હકીકત સ્વીકારે છે, કેમકે આ વાત વિસેસાવસ્સયભાસની શ્રી કોટ્ટાચાર્યની વૃત્તિ સહિતની આવૃત્તિની એમની પ્રસ્તાવના ઉપરથી જોઇ શકાય છે. શ્રી અભયદેવસૂરિએ વિવાહપણત્તિની ટીકાના ૬૫૯ બ પત્રમાં એ પાંચમા અંગની ચુણ્ણિ તેમજ ટીકાનો નિર્દેશ કર્યો છે. એ ટીકાના કર્તા કદાચ શ્રી શીલાંકસૂરિ હોય અને એ ટીકાનો પ્રભાવકચરિત્રકારના સમય પૂર્વે ઉચ્છેદ ગયો હોવાથી ઉપર્યુક્ત દંતકથા પ્રચલિત બની હોય. આવી પરિસ્થિતિમાં બહુમાં બહુ પહેલા, બીજા અને પાંચમા અંગની ટીકા શ્રી શીલાંકસૂરિએ રચ્યાનું અનુમાન થઇ શકે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયારની ટીકામાં ત્રીજા પદ્યમાં શ્રી શીલાંકસૂરિએ સૂચવ્યું છે કે શસ્ત્રપરિક્ષા (જે આયારનું પહેલું અધ્યયન છે તે) ના ઉપર ગંધહસ્તીએ ટીકા રચી છે, પણ તે ગહન હોવાથી એનો સાર હું રજુ કરું છું, આ ગંધહસ્તી તે શ્રી ભાસ્વામીના શિષ્ય અને તત્ત્વાર્થાધિગમશાસ્ત્રની ભાષ્યાનુસારિણી ટીકાના રચનારા શ્રી સિદ્ધસેનગણિ હોવા સંભવ છે. જો એમ હોય તો શ્રી શીલાંકસૂરિ આ ગણિની પછી થયેલા ગણી શકાય.
નાગાર્જુને ધર્મસંગ્રહમાં અને શ્રી સિદ્ધસેનગણિએ તત્ત્વાર્થની ટીકા (ભા.૨, પૃ. ૬૭) માં જે પાંચ આનન્તર્ય પાપોનો વિષય ચર્ચો છે તે શ્રી શીલાંકસૂરિએ સૂયગડની ટીકાના ૨૧૫મા પત્રમાં આલેખ્યો છે. આ હકીકત પણ ઉપર્યુક્ત અનુમાન કરતાં વિચારાય તો ખોટું નહિ.
પાઈય (સં.પ્રાકૃત) ભાષામાં `ચઉપન્નમહાપુરિસચરિય નામનો ગ્રન્થ વિક્રમ સંવત્ ૯૨૫ માં રચાયેલો છે. એના કર્તા તરીકે શ્રી શીલાંકસૂરિનું નામ સૂચવાય છે. જો આ કથન વાસ્તવિક હોય તો આ ગ્રન્થ ઉપરથી એ જાણી શકાય છે કે શ્રી શીલાંકસૂરિનું ખરું નામ વિમલમતિ છે.
૧. આના આધારે શ્રી હેમચન્દ્રસૂરિએ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર રચ્યાનું મનાય છે એ વાત ગમે તેમ હો, પણ આ ગ્રન્થ સત્વર પ્રસિદ્ધ થવો ઘટે, કેમકે પાઈયના અભ્યાસીઓ વધ્યા છે અને વિદ્યાપીઠ આવા પ્રાચીન ગ્રન્થોને પાઠ્યપુસ્તક તરીકે સ્થાન આપવા ઉત્સુક છે.
For Private and Personal Use Only