________________
નવા આવેલા ગ્રંથો મહિનાઓ સુધી લીસ્ટ ચઢે નહીં. તે ભંડારમાંથી ગયેલા ગ્રંથો મહિનાઓ સુધી આવે નહીં. કોણ રક્ષણહાર? જ્ઞાનભંડાર સાચવનાર ગ્રંથપાલો કેટલા સંઘમાં? આપણા જ્ઞાનભંડારમાં કેટલા ગ્રંથો છે? કેટલી પ્રતો?કેટલા પુસ્તકો? કેટલા હસ્તલિખીત ગ્રંથો? કેટલી તાડપત્રીઓ? વિગેરેની જાણકારી કેટલા ટ્રસ્ટીઓને? જ્ઞાનપ્રેમી ટ્રસ્ટીઓ કેટલાને પૈસાપ્રેમી ટ્રસ્ટીઓ કેટલા? યાદ રહે, સંઘ અને શાસનનો આધાર જ્ઞાન જ છે. જ્ઞાનથી જ બાકીના ક્ષેત્રો પ્રકાશિત અને પ્રજ્જવલીત બને છે.
પૈસા અને વ્યવહારિક જ્ઞાનની મહત્તા વધતા શ્રાવક વર્ગમાં શાસ્ત્રજ્ઞાનની મહત્તા ઘટી. તો ધર્મપ્રસંગની મહત્તા વધતા સાધુવર્ગમાં જ્ઞાનવૃદ્ધિની ઝંખના ઘટી હોય એવું અચૂક લાગે છે.
શ્રુતસ્થવીર પૂ. જંબૂવિજયજી મ.સા.વ્યંગમાં ઘણીવાર કહેતાં મહોત્સવપ્રિયા સાથવ: અર્થાત્ સાધુઓ પણ જ્ઞાનવિપાસુ થવાને બદલે મહોત્સવ પિપાસુ થતાં જાય છે.
સંઘો માટે પણ વેધક પ્રશ્ન છે કે તમને જ્ઞાની ગીતાર્થ સાધુ ખપે કે પ્રવચનકાર ? ગીતાર્થની પ્રવચનશક્તિ ઓછી હોય અને પ્રવચનકારમાં ગીતાર્થતાનો અભાવ હોય તો પસંદગી કોના ઉપર? પ્રવચનકારના શીર ઉપર જ ને? છીછરી દ્રષ્ટિનું આ પરિણામ છે.
સંઘોમાં ફેલાયેલા સંઘર્ષોનું એકમાત્ર કારણ છે જ્ઞાનગર્ભિત પરિણતિનો અભાવ; સંઘોમાં વિરાટકાય જ્ઞાનભંડારો હોય... જ્ઞાનભંડારોની સમુચિત જાળવણીઓ થતી હોય જ્ઞાનવિપાસુ આત્માઓ તેનો ભરપુર લાભ ઉઠાવતા હોય. નવા ગ્રંથો લખાવવા-છપાવવાની-સાચવવાની સંઘોની ઉત્કંઠાને જિજ્ઞાસા હોય...પંડિતો...પાઠશાળાના શિક્ષકો અને જ્ઞાનવિપાસુઓને પ્રોત્સાહિત કરાતા હોય...પુરસ્કૃત કરાતા હોય, વિદ્વાન-જ્ઞાની-પંડિતોને સમાજમાં સન્માનગૌરવની નજરે જોવાતા હોય, બાળ-યુવા સહુને ધર્મજ્ઞાન માટે જે રીતે થાય તે રીતે પ્રોત્સાહિત કરાતુ હોય. પ્રાચીન સાહિત્યના અમૂલ્ય શ્રુતવારસાને સુરક્ષિત અને સંવર્ધિત કરવાના પ્રયતો સંઘો અને સમર્થ સાધુઓ દ્વારા થતાં હોય.
શ્રીસંઘ અને જ્ઞાનપ્રેમી શ્રદ્ધાળુ શ્રાવકો દ્વારા સાધુ-સાધ્વીજીના અધ્યયનાર્થે સર્વાગીણ પ્રયાસો થતાં હોય. વિદ્વાન સાધુ-સાધ્વીઓ દ્વારા પ્રાચીન ગ્રંથોના સંશોધન-સંપાદન-શુદ્ધિકરણ-પ્રકાશન થતાં હોય અને નૂતન ગ્રંથોના શાસ્ત્રાનુસારી સર્જનો થતાં હોય. આધુનિક ઢબે જ્ઞાનશાળાઓનો સર્વાગીણ વિકાસ, થતો હોય.
'મહાવીર શ્રુત મંદિરના માધ્યમે દેશ વિદેશમાં ઘર-ઘરમાં પ્રભુ વીરના મૌલિક પદાર્થોનું અવગાહન ચિંતન-મનન-પરીક્ષા-પુરસ્કારો વિ.ના આયોજનો થતાં હોય. શૈક્ષણિક પાઠ્યપુસ્તકોમાં પ્રભુવીરના અહિંસા-સંયમ-અપરિગ્રહ અને અનેકાંતવાદના નિરૂપણો થતાં હોય અને તેના અભ્યાસથી તે સિદ્ધાંતો જીવનમાં આત્મસાત્ થતા હોય..... જૈનકુળમાં જન્મેલા... જિનશાસન પામેલા પ્રત્યેકને ઓછામાં ઓછુ પાંચ પ્રતિક્રમણ – બે પ્રતિક્રમણ – ગુરુવંદન – દેવવંદન ચૈત્યવંદન સામાયિકવિધિ, દેવસી-રાઈપ્રતીક્રમણ વિ. પ્રાથમિક ધર્મક્રિયાઓ આવડતી જ હોય.
સ્તવન-સઝાય-પ્રવચનાદિની બુકો કરતાં પ્રાચીન શાસ્ત્ર ગ્રંથોના પુનરુદ્ધારાદિ કાર્યોમાં સંઘના જ્ઞાનનિધિનો અને જ્ઞાનવિપિસુઓની સંપત્તિનો વ્યય થતો હોય.આ સમ્યજ્ઞાનક્ષેત્ર તો કેવું ઝાઝરમાન અને દિપતુ હોય ! સાચવણીના અભાવે અગણિત ગ્રંથો કાળશરણ થયા છે. અજ્ઞાનતાના કારણે અગણિત ગ્રંથો ફોરેનોમાં વિદેશીઓને શરણ થયા.
અહો કૃતજ્ઞાનમ્ આત્મવનમાં વિહાર