________________
ચાલો, જ્ઞાનપંચમી પર્વ કંઇક અલગ રીતે ઉજવીએ....
જ્ઞાનપંચમીનું પર્વ નજીક છે એટલે તત્સંદર્ભે વિચારણા કરીએ.
જ્ઞાનપંચમી પર્વ એ જ્ઞાનની આરાધના નિમિત્તે છે. આ સમય ચાતુર્માસમાં મહાત્માઓની સ્થિરતાનો હોય, શ્રીસંઘમાં ઉપવાસ, પૌષધ, દેવવંદનાદિ દ્વારા આરાધના થાય. શ્રીસંઘમાં આગમગ્રંથો વગેરે શ્રુતજ્ઞાનનની વિશિષ્ટ સજાવટ કરવામાં આવે. આબાલવૃદ્ધ સૌ કોઇ જ્ઞાનની વાસક્ષેપ પૂજા કરે તથા પેન્સીલ, કાગળીયા, નોટબુક રબર વગેરે જ્ઞાનની સામગ્રી ભક્તિથી મૂકી જાય.
લગભગ સર્વત્ર જ્ઞાનપંચમી પર્વની ઉજવણી આ સ્વરૂપે જ જોવાય છે. હજી આમાં થોડા ઉંડા ઉતરીએ તો આ જ્ઞાનપૂજા વગેરેની પ્રથા શા પરથી આવી હશે અથવા તો તેનો સૂચિતાર્થ શું હોઇ શકે તે વિચારતા - આ સમગ્ર પ્રથા-ભાવના, એ તે દિવસે શ્રીસંઘમાં સચવાયેલી વિશિષ્ટ શ્રુતજ્ઞાનની ભક્તિ અર્થે પણ છે એવું સમજાય છે.
શ્રી સંઘમાં જ્ઞાનભંડાર હોય, હસ્તલિખિત પ્રતો વગેરે હોય એની સાચવણી જાળવણી માટે લોકોમાં એક ઉત્સાહ પૂરાય, તેની પ્રેરણા મળે અને આવા વિશિષ્ટ કાર્ય થાય તે માટે જ્ઞાનપંચમી પર્વ એક પુષ્ટાલંબન છે.
કેટલાક જ્ઞાનભંડારો તો એવા પણ જોવાય છે કે જે વર્ષે દા'ડે માંડ એકાદ બે વાર ખૂલતા હોય, કબાટો ઉપર જાળા બાઝયા હોય, પુસ્તકો પર ધૂળ જામી હોય, ને વર્ષોથી આ જ કન્ડીશન રહી હોય.
કેટલાક ભંડારો જોઇએ તો એક જ કબાટમાં ઠાંસી ઠાંસીને પુસ્તકો ભરી દીધેલ હોય, કોઇ અનુક્રમ નંબર ન હોય, લીસ્ટના કોઇ ઠેકાણા ન હોય, લીસ્ટ હોય તો તેના નંબર પ્રમાણે ભંડારમાં પુસ્તકો ન હોય આવી કેટલીય અસ્તવ્યસ્તતા સંભવે છે.
કેટલાક નાના ભંડારો ગોઠવણીમાં વ્યવસ્થિત પણ હોય, છતાં વર્ષ દરમ્યાન નવા આવેલ પુસ્તકો બધા ગમે તેમ કબાટમાં ભરાયેલા પડ્યા હોય, તેનું લીસ્ટીંગ વગેરે કંઇ થયું હોય નહીં.
કેટલીક વાર જુનો સમુહ ભંડાર હોય ત્યાં પુસ્તકો આડા અવડા મુકાયેલા હોય, તેના પુંઠા ફાટુ ફાટુ થતા હોય, ને તેના સ્ટીકરો ઉખડું ઉખડું થતા હોય છે. પ્રતોની પોથીઓ ખવાઇ ગઇ હોય, કબાટોના કાચ તૂટેલા ફૂટેલા હોય, વગેરે ઘણું બધું સંભવે છે.. એ તો રૂબરૂ મુલાકાત લઇએ તો જ ધ્યાનમાં આવે.
જ્ઞાનપંચમી પર્વે આપણે આ કરવાનું છે.
શ્રુતજ્ઞાનની સાચી વાસ્તવિક ભક્તિ માટે આ પર્વએ આ રીતે ઉજવી શકાય. શ્રીસંઘમાં યુવકમંડળને, મહીલામંડળને, પાઠશાળાના બાળકો વગેરે દરેકને તે તે યોગ્ય કાર્યની વહેંચણી કરી દેવાય. શ્રીસંઘમાં તેની પહેલેથી માહિતિ આપી જાગૃતિ લાવવી જોઇએ અને ચોક્કસ વ્યવસ્થા ગોઠવી કાર્ય કરવું જોઇએ.
શ્રુતભક્તિ માટે કરવા યોગ્ય કાર્ય નીચે પ્રમાણે જાણવું.
કબાર્ટો પર જામેલ ધૂળ, જાળા વગેરે સાફ કરાય.
પ્રત્યેક પુસ્તકો-પ્રતોને વ્યવસ્થિત પણે બહાર કાઢી કબાટની સાફ સફાઇ પ્રમાર્જનપોતા વગેરે કરીને ફરીથી નંબર પ્રમાણે પુસ્તકો ગોઠવી દેવાય.
જે જે પુસ્તકોના કવર ફાટ્યા હોય, ફાટવા જેવા થયા હોય, તેને બદલી દેવાય.. તે પર નામ, નંબર સાથેના નવા સ્ટીકર લગાવી દેવાય.
અહીં શ્રુતજ્ઞાનમ્ અંક -૧૯