________________
॥ ૐ હ્રીં શ્રીં અહં શ્રી ચિંતામણી - શંખેશ્વર - આશાપૂરણ પાર્શ્વનાથાય નમ : II
પુસ્તક
અહીં ! શ્રુતજ્ઞાનમ્
સંકલન : શા. બાબુલાલ સરેમલ
શ્રાવણ સુદ-૫, સંવત ૨૦૬૬ જિનશાસનશણગાર પૂજ્ય સર્વ ગુરુભગવંતોના ચરણોમાં સેવક બાબુલાલ સરેમલ બેડાવાળાની સાદર વંદનાવલી અવધારશોજી.
“અહો શ્રુતજ્ઞાન” અંક-૫ને અષાઢ સુદ - ૫ના રોજ પ્રકાશિત કરી પૂજ્ય સાધુસાધ્વીજી ભગવંતોના ચાતુમસિક સરનામા પર મોકલેલ, પરંતુ કેટલાંક સમુદાયના ચાતુર્માસિક સરનામાને અભાવે જે પણ પૂજ્યોને અંક ન મળ્યો હોય તેઓ અમને જાણ કરશે તો તુર્ત મોકલવા યોગ્ય કરશું.
S
ગ્રંથોના મુદ્રણયુગ પૂર્વેના ૮૦૦ વર્ષ તાડપત્ર, કાગળ આદિ વિવિધ માધ્યમ દ્વારા શ્રુતજ્ઞાનનું લેખન થતું રહ્યું. ઘણો કાળ વહેવા છતાં'ય આજે તે પ્રાપ્ય બની રહ્યું છે. હસ્તલેખનનું માધ્યમ ઘણો કાળ ચિરસ્થાયી હોઈ મુદ્રિત કરતાં સંગ્રહની અપેક્ષાએ તેની ઉપાદેયતા અનેક ગણી હતી અને છે. આથી જ આજે ય કેટલાંક પૂજ્યોની પ્રેરણાથી હસ્તલેખનનું કાર્ય ચાલી રહેલ છે, જેની અમે હાર્દિક અનુમોદના કરીએ છીએ.
પરંતુ હસ્તલિખિત ગ્રંથોની પ્રાપ્ય જુદાં-જુદાં ભંડારોની સૂચિ જોતા ચોક્ક્સપણે એવું તારણ નીકળે છે કે આગમગ્રંથો તથા બીજા ચોક્કસ ગ્રંથોની ઘણી-બધી નકલો ઘણાં જ્ઞાનભંડારોમાં જોવાય છે, જ્યારે કેટલાંક ઉપદેશાત્મક, છંદ, અલંકાર, વ્યાકરણ, શિલ્પ, ગણિત, ન્યાય, ખગોળ જેવાં અન્ય પણ સબળ અને પૂરક વિષયોના ગ્રંથોની ખૂબ જ જૂજ નકલો ક્યાંક ક્યાંક કો'ક જ જ્ઞાનભંડારમાં મળે છે. હસ્તલેખન કરાવનાર બધાં જ જો એક માત્ર સટીક આગમો, પંચાંગી ને સીલેક્ટેડ ગ્રંથો જ કરાવવાનો આગ્રહ રાખે તો ઉપરોક્ત વિષયનાં ગ્રંથો કાળક્રમે લુપ્ત થવાની પણ પૂર્ણતઃ સંભાવનાઓ છે એટલે શ્રુતવારસો સાચવવાની ખેવનાવાળાઓએ આ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવાની આવશ્યકતા અમને જણાય છે.
પૂર્વના વિદ્વાન, જ્ઞાની, સંયમી મહાત્માઓએ સર્જન કરેલ એવા ઘણાં ગ્રંથો કે જેની જૂજ નકલ જ થઈ હોય એવા ગ્રંથો સાચવી નહિં શકાવાને કારણે અત્યારે તે લુપ્ત થઈ ગયા છે, જે ગ્રંથોના નામ ગ્રંથકર્તાએ પોતાની અન્ય કૃતિઓમાં ઉલ્લેખ કરેલા હોય અને અત્યારે તે ક્યાંય દૃષ્ટિગોચર ન થતાં હોય એવા કેટલાંક ગ્રંથોનું લિસ્ટ અમોએ આ જ અંકમાં પૃષ્ઠ ત્રણ (૩) પર મુકેલ છે એ પૈકી કોઈપણ ગ્રંથ આપની જાણમાં કોઈ જ્ઞાનભંડારમાં હોય તો અમને ખાસ જાણ કરશો, જેથી વિદ્વાનો દ્વારા એ ગ્રંથને પ્રકાશમાં લાવવા પૂર્ણ પ્રયત્ન કરી શકાય.
વળી, જે પણ ગ્રંથનું હસ્તલેખન થાય, તે પછી મૂળનકલ પ્રમાણે યોગ્ય તજ્ઞ અભ્યાસી દ્વારા તેનું શુદ્ધિકરણ કરવું અત્યંત આવશ્યક છે અન્યથા ભવિષ્યમાં એક જ પદના અનેક પ્રકારના વગર કારણના અશુદ્ધ પાઠાંતરો મળવા દ્વારા શાસ્ત્ર વધુ દુરૂહ બની જશે. આ રીતે તો જ્ઞામિચ્છતા મૂળહાનિ:" જેવું થાય. માટે જે તે હ.લિ. ગ્રંથની પાંચ ઝેરોક્ષ નકલ કઢાવી જુદાં જુદાં પૂજ્યો પાસે સંશોધન કરાવવું જોઈએ આમ અમને સમજાય છે.
જિનશાસનની નિઃસ્વાર્થ સેવાની ભાવનાથી આરંભાયેલ આ કાર્યમાં આપશ્રીનો સહકાર અપેક્ષિત છે. “અહો શ્રુતજ્ઞાન” દ્વારા સર્વને પહોંચાડી શકાય એવી યોગ્ય માહિતિ સૂચન આવકારવા અમે સજ્જ છીએ.
એ જ,
શ્રીશ્રમણપ્રધાન જૈનસંઘ ચરણરજ બાબુલાલ.