________________
હવે, ઉપાય વિચારીએ
ગત પરિપત્રમાં "સંઘોમાં જે બીનજરૂરી પુસ્તકો ઉઘરાવવાની પ્રવૃતિ શરૂ થઇ છે, તેમાં ગુજરાતી વાંચનોપયોગી સારા પુસ્તકો પણ ઘણાં આવે છે તેનો શું ઉપાય કરવો ? અમે જે વિચાર રજૂ કરેલ તે બાબત ઘણાં માર્ગદર્શક પત્રો મળ્યા છે. જેમ કે "જિનશાસનનું માત્ર પ્રીન્ટીંગનો દર વર્ષનો ખર્ચ ૫૦ કરોડથી અધિકનો છે (આ આંકડો આંખ ઉઘાડી નાખે તેવો છે) અતિ આકર્ષક,ક્યારેય કોઇની ન બની હોય તેવી પત્રિકાઓ બનાવવાની જાણે હોડ ચાલી છે. વાસ્તવમાં (૧) જે સદ્ઘાંચન યુક્ત હોય અથવા (૨) જે દીર્ઘકાલીન વિશિષ્ટ શ્રુતરક્ષા-સંવર્ધનના કાર્યો થાય છે તે સાર્થક વ્યય થયો ગણાય, બાકી, શાસન પ્રભાવના જેવા સારા આશયથી થતા કાર્યો પણ શું વાસ્તવિક રીતે શાસનની પ્રભાવનાની કોટિમાં આવે છે કે કેમ? તે બહુ વિચારણા માંગી લે તેમ છે.”
બીજા એક મહાત્મા લખે છે " અત્યભોપયોગી સ્તવન-સજ્જાયાદિના પુસ્તકો વિગેરેમાં જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ થતો હોય તો એ ઉચિત ગણી શકાય ખરું ? જ્ઞાદ્રવ્યના ઉપયોગનું એક નિયમિત બંધારણ હોવું ન ઘટે?.. ઇત્યાદિ ” મહાત્માઓ પોતાની વ્યથા ઠાલવે છે. પરંતુ આ સકળ સંઘને લગતી બાબતો છે. સંઘ ખરેખર શ્રમણપ્રધાન છે. પ્રભાવક શ્રમણો જો આ બાબત જાગૃત થાય અને સંઘને તે તે પ્રકારે પ્રેરે તો જ આ શક્ય બને.
કેટલાકનું સૂચન એમ હતું કે શ્રાવકના ઘરોમાં છાપા, ટી.વી., ચેનલ, ઇન્ટરનેટના અનહદ નિમિત્તો છે, જેમાંથી હિંસા-વ્યભિચાર અને આતંકવાદ સિવાય કંઇ શિખવા મળતું નથી. શ્રાવકને ઘરે થોડા સારા ધાર્મિક પુસ્તકો, ભલે ન વંચાતા હોય, તો પણ, રાખવા જોઇએ કે જે ગમે ત્યારે શાંતિ-સમાધિ-ધર્મનું કારણ બને. સારા પુસ્તકોનો સદુપયોગ નીચે પ્રમાણે થઇ શકે. (૧) સ્તવન-પૂજાસંગ્રહ વિગેરેના પુસ્તકો નાના નાના ગામડાઓના દેરાસરમાં મૂકાય તો
ત્યાં તેનો ઉપયોગ થાય. (૨) વિહારના દરેક સ્થાનોમાં પાંચ-પચ્ચીસ પુસ્તકો હોવા જ જોઇએ. જેથી આવતા-જતાં સાધુ ભગવંતો તેનો લાભ લે. (૩) દરેક તીર્થની ધર્મશાળાઓમાં રૂમદીઠ ૨-૩ પુસ્તકો રાખવા જોઇએ. તીર્થયાત્રા કરવા આવેલ ને ક્યારેક સાચે જ તીર્થયાત્રા ફળી જાય ! (૪) હોસ્પીટલોમાં દરેક રૂમે તેમજ જનરલ વોર્ડમાં માર્ગાનુસારીના સદ્વિચારના જનરલ પુસ્તકો રાખવા-પહોંચાડવા, જેથી દર્દી તેમજ મળવા આવનાર સગાઓને સદ્ઘાંચન મળે. (૫) અનાથાશ્રમ, ઘરડાઘર વિગેરેમાં આવા પુસ્તકો પહોંચાડવા. (૬) મોટી મોટી લાયબ્રેરીઓમાં આપણા મહાત્માઓના પુસ્તકો જતા નથી તો
ત્યાં પહોંચાડવા જોઇએ. પૂજ્ય ગુરુભગવંતો પ્રેરણા કરીને તીર્થયાત્રાએ જતા શ્રાવકો ને પચ્ચીસ-પચ્ચાસ પુસ્તકો આપીને વચ્ચેના સર્વ સ્થાનમાં પહોંચાડવાનું કાર્ય કરાવી દે તો શ્રેષ્ઠ ઉપયોગી થઇ શકે.
જો કોઇ સંઘ અથવા સંસ્થા પાસે આવા પુસ્તકો વધારાના પડ્યા હોય તો અમને માત્ર જણાવે (પુસ્તકો મોકલે નહિ) તથા જેઓને આ રીતે કાર્ય માટે પુસ્તકોની જરૂરિયાત હોય તો તેઓ પણ જણાવે. અમે યથાયોગ્ય બંનેનો સંપર્ક કરાવી આપશું.
અમારી પાસે પણ આવા ઘણા પુસ્તકોનો સંગ્રહ થયો છે તો તેના શ્રેષ્ઠ સદુપયોગ માટે આ પુસ્તકો મંગાવી અમને ઉપકૃત કરશો.
"જાણતા અજાણતા કોઇનું પણ મન દુઃખ થયું હોય તો મન વચન કાયાથી 'મિચ્છામી દુક્કડમ્ " માગું છું”