________________
આગમોદ્ધારકની સાહિત્ય જીવન ઝરમરાદિ અવતરણિકા
ઢૂંઢકની સામા સિંહપણે ઝઝુમતા શ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે સં. ૧૯૪૭ના મહા સુદિ પના દિવસે લીંબડી મુકામે કપડવંજના શ્રી મગનભાઈના ચિ. હેમચંદભાઈએ આનંદસાગરજીના નામે દીક્ષા લીધી. (અહીં ફક્ત સાહિત્ય સેવાનો વિષય લીધો છે.) ગુરૂદેવ પાસે દીક્ષા અંગીકાર કરીને વિનયપૂર્વક ગુરૂદેવ પાસેથી જ્ઞાન મેળવ્યું અને બાળપણથી જે પોતાનો ક્ષયોપશમ હતો તે જ્ઞાનાવરણીયનો ક્ષયોપક્ષમ થવાથી આગળ વધ્યો અને ગુરૂની આપેલી હિત શિખામણે અભ્યાસ કરતા થયા, પણ ટુંક સમયમાં ગુરૂજીનો સ્વર્ગવાસ થવાથી પોતાની જાતમહેનતે પોતાના ક્ષયોપશમે અભ્યાસ કરવાનો થયો.
વ્યાકરણ વગેરે પોતે ભણે પણ શંકાનું સ્થાન પંડિતજીને પૂછીને નિર્ણીત કરવું પડે. આવા અવસરે સંજોગ એવો મળી ગયો કે સંસારીપણાનાં માતુશ્રી વંદન કરવા આવતા સારી રકમથી જ્ઞાન પૂજન કર્યું અને તેમાંથી જરૂર પૂરતા પંડિતજીને બોલાવી પગાર ચૂકવાવ્યો. એવી રીતે અભ્યાસ વધાર્યો.
પાલીમાં ચોથા વર્ષના દીક્ષા પર્યાયમાં શ્રીસ્થાનાંગસૂત્ર વ્યાખ્યાનમાં વાંચ્યું, એટલો ક્ષયોપશમ વધાર્યો હતો. હસ્તલિખિતિ વાંચવું કે કઠિન ગ્રંથ બેસાડવો એ એમને મન સહેલ હતું.
કોઈ અવસરમાં છાણીમાં રાજાના હાથીરૂપી રાજારામ શાસ્ત્રીને રોકવામાં આવ્યા અને ત્યાં સ્વ. પૂ. આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજે, સ્વ. પૂ. પંન્યાસ મણિવિજયજી મહારાજે અને આ સાહિત્ય ઉપાસકે પંડિતજીનો સારો લાભ ઉઠાવ્યો. આ તો લગભગ ૧૯૫૩ ની વાત. પોતાનો ક્ષયોપશમ વધેલો હતો એટલે વાંચન કરવું એ તો ખાસ ધ્યેય. શંકાનું સમાધાન કરવા કોઈ આવ્યો હોય તો નીડરપણે જવાબ દેવો. પોતે એવો રિવાજ પાડ્યો હતો કે પાંચસો શ્લોક તો રોજ વાંચવા જ અને બોપરના આરામ લેતા પહેલાં ચર્ચાના ગ્રંથો વાંચવા. એવી વાંચનકળામાં અતિશય વાંચન વધાર્યું હતું અને આગમો જેવા ગ્રંથોને સારી રીતે બેસાડતા થયા હતા. રહસ્યને સમજવાની તાકાદ મેળવી હતી.
આ અરસામાં ગ્રંથો રચવાની શરૂઆત કરી હતી અને વિંશતિ વિંશિકા ગ્રંથની ટીકા તેમજ બીજા ગ્રંથોની ટીકાઓ રચવાનો આરંભ કર્યો હતો. સંસ્કૃત પદ્યમાં રચના કરવી એ તો એમને મન રમત હતી અને પદ્યો પણ ભિન્ન ભિન્ન છંદમાં રચતા હતા. આવા અવસરે સંપાદનનું કાર્ય ચાલુ થયું.
શ્રી જૈનધર્મ પ્રચારક સભાના સંપાદન કાર્યમાં પોતે ફાળો આપ્યો હતો. શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ ૧૯૬૪માં સ્થપાયા પછીથી સંપાદનની જવાબદારી વધતી ગઈ. હસ્તલિખિત પ્રતો મેળવવી, પ્રેસકોપીઓ કરાવવી, તેનું સંશોધન કરવું, પ્રેસમાં આપવું