________________
શ્રી સિદ્ધચક્ર
૬૨
જ નથી પરંતુ રસ્તે જનારા લોકો તો શીઘ્ર એમ કહી દે છે કે “જુઓ લડી પડ્યા. બંને ટંટાખોરો છે અને વારંવાર લડે છે !'' એજ સ્થિતિ અહીં પણ ઉત્પન્ન થવા પામી છે. તેમનાં દૂષણો શોધશે અને તેમને વગોવશે. દૂરથી તમાશો જોનારાઓ આ ઝઘડાનું મૂળ શું છે, તેમાં દોષ શો છે ? કોણ ગુન્હેગાર છે ? શાને અંગે વાગ્યુદ્ધ થાય છે ? તે કાંઈ જોશે નહિ પરંતુ એવો અભિપ્રાય તરતજ ઉચ્ચારી દેશે કે : “આ તો બંને લડાઈખોરો અને ઝઘડો કરનારા જ છે.''
ગીતાર્થો કેવી રીતે વર્તશે
હવે જ્યારે શાસનક્ષેત્રમાં આવી ખોટી લડાલડી વ્યાપેલી હશે તે વખતે ગીતાર્થ સાધુઓ તો શું કરશે તે જણાવવામાં આવ્યું છે. ગીતાર્થ સાધુઓ આવી દશા જોઈને વિચારમાં પડી જશે કે હવે શું કરવું જોઈએ. ગીતાર્થો આવા સંયોગોમાં એવું વર્તન રાખશે કે તેઓ પણ બીજા અવલોકનારાને ભેખધારી જેવા લાગશે અને હૃદયમાં જૈનશાસન પરત્વે અપૂર્વ પ્રેમ અને જૈનાચાર પરત્વે અખંડ પ્રીતિ હોવા છતાં તેઓ પણ સમાનતાએ વર્તન કરતા થશે. ગીતાર્થો આવી રીતે વર્તનારા થશે એ વાત ખરી, પરંતુ તે છતાં તેઓ હૃદયને ઠેકાણે રાખશે. અર્થાત્ સત્યમાર્ગને તેઓ વિસ્મરી દેશે નહિ. આ વસ્તુ નીચેના ઉદાહરણ પરથી વધારે સારી રીતે સમજવામાં આવશે. એક નગરમાં એક ડાહ્યો રાજા હતો, પરંતુ તેની પ્રજા સઘળી ગાંડીતુર બનેલી હતી. સઘળા લોકો ગાંડાના જેવા વિવિધ ચાળા કરતા હતા. રાજાને આ બધું જોઈને મનમાં ને મનમાં ક્ષોભ થવા લાગ્યો ! છેવટે બધાજ લોકો ગાંડાતુર જેવા બનેલા હતા અને બધા જ ગમે તેવા ચાળા કરતા હતા એટલે રાજા ડાહ્યો હતો તે પણ ગાંડાના જેવા જ ચાળા કરનારો બની ગયો ! જેમ રાજા ડાહ્યો છતાં ગાંડાના
તા. ૧૦-૧૧-૧૯૩૫
જેવા ચાળા કરવા લાગ્યો તેજ રીતે પરમ ગીતાર્થો પણ હૃદયને ઠેકાણે રાખીને બીજાઓની માફક જ વર્તન કરવાવાળા થશે પરંતુ તેમનામાં અને બીજાઓમાં ફેરફાર એટલો હશે કે તેઓ સત્યને જાણવાવાળા અને જૈનમાર્ગને પીછાણવાળા જ હશે. ‘જેમ કુવૃષ્ટિથી નગરલોકને ઘેલા દેખી રાજાને મંત્રી સહિત ઘેલા હોઈ બેઠા પણ મનમાંહે તાજા રે” “પૃથ્વીપુરી નામક કોઈ એક શહેરમાં પુર્ણ નામનો રાજા હતો અને સુબુદ્ધિ નામનો તેનો પ્રધાન હતો. પ્રધાન બુદ્ધિમાન હોય છે. પરંતુ તે છતાં તે રાજાને આધીન છે અને જાતે પરાધીન છે. આજે તમે જોશો તો આપણા આ પરમપવિત્ર ભરતક્ષેત્રની-આર્યોની આ સુંદર ભૂમિની-હિંદુસ્તાનની પણ એવી જ દુર્દશા છે. હિંદુસ્તાનમાં સમૃદ્ધિ અપાર છે પરંતુ તે છતાં તે પરાધીન છે જ્યારે સંસારના અન્ય રાજ્યો-અન્ય દેશો રિદ્ધિવાળા તેમજ બુદ્ધિશાળી હોવાથી તેઓ સ્વતંત્ર છે. એક સમયે એવું બને છે કે પૂર્ણ નામક રાજા દરબાર ભરીને બેઠા છે. દરબાર પુર બહારમાં ખીલી રહ્યો છે. રાજકાજની વાતો થાય છે અને અનેક પ્રકારના ઉહાપોહ થઈ રહ્યા છે, એવા સંયોગોમાં ત્યાં લોકદેવ જ્યોતિષી આવે છે. રાજા જ્યોતિષીને પૂછે છે કે ઃ ભાઈ ! “ભવિષ્યમાં શું થશે તે કહી આપ.''
:
જૈન જ્યોતિષની અપૂર્વ સત્યતા
જ્યોતિષી જણાવે છે કે એક માસ પછી વરસાદ આવવાનો છે એ વરસાદ બહુ પ્રચંડ છે અને એનું જળ જે કોઈ પી જશે તે લોકો ગાંડા ઉન્માદવાળા બની જવાના છે. જ્યોતિષવિદ્યાનું જ્ઞાન કેટલું ચોક્કસ છે તે જુઓ ! પ્રાચીન કાળમાં આપણા દેશમાં જ્યોતિષ શાસ્ત્ર સંપૂર્ણ રીતે ખીલ્યું હતું. ભવિષ્યો એટલાં બધા ચોક્કસપણે દર્શાવતા હતા કે જેમાં એક સેકંડનો પણ ફેર પડતો ન હતો. (અનુસંધાન માટે જુઓ પેજ-૮૦)