________________
૧૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૧૦-૩૪
આ સ્થળે કર્મવાદની પ્રધાનતા જાહેર કરવાને પ્રતાપે જ ભાગ્યવતી મયણાસુંદરીના સાંસારિક ભોગોનો સૂર્ય આથમી ગયો છે અને દુઃખના દરિયામાં ડૂબકીઓ ખાવામાં બાકી રહી નથી, તો પણ તે સાંસારિક સ્થિતિની કફોડી દશા પૂર્વભવમાં ઉપાર્જન કરેલાં કર્મોને જ આભારી છે પણ વર્તમાનમાં કરાતો ધર્મ તે કફોડી દશાનો અંશે પણ કારણભૂત નથી એટલું જ નહિ પણ તે કફોડી દશાના કારણભૂત કારમાં કર્મોને કાપવાને કઠિનતમ કુહાડો જો હોય તો તે આ ત્રિલોકનાથ તીર્થકરનું વંદન, દર્શન અને ભવોદધિતારક ગુરુમહારાજનું વંદન વિગેરે ધર્મક્રિયા જ છે અને તેથી રોગી મનુષ્ય રોગના હલ્લાની વખતે જેમ દવા મેળવવા તીવ્ર પ્રયત્ન કરે તેમ ઉત્કટ આપત્તિને વખતે તો દેવના દર્શન અને ગુરુના વંદન તરફ તીવ્ર પ્રયત્નની જરૂર છે અને તેથી તે આ વખતે તો અવશ્ય કર્તવ્ય છે એમ ગણનારી તે ભાગ્યવતી શ્રી મયણાસુંદરી ત્રિલોકનાથ તીર્થકરના દર્શન અને ભવોદધિતારક ગુરુ મહારાજના વંદનને માટે તૈયાર થઈ. સમુદ્રમાં દાખલ થયેલી હોડી પોતાના પ્રભાવે લોઢાને પણ તારે છે તેવી રીતે સજ્જનના ગૃહમાં ગૃહલક્ષ્મી તરીકે દાખલ થએલી કેટલીક ભાગ્યવતી સ્ત્રીઓ પણ પોતાના ધર્મિષ્ઠપણાની છાપ પોતાના સમગ્ર કુટુંબ ઉપર પાડવા સાથે પોતાના ભર્તાર ઉપર તો જરૂર જ પાડે છે, તેવી જ રીતે આ કર્મપ્રધાનમાં પરાયણ થયેલી મહાસતી મયણાસુંદરીના યોગે પણ જન્મમાં પણ જિનેશ્વરના દર્શન નહિ કરેલાં અને ગુરુવંદન મેળવવાને ભાગ્યશાળી નહિ થયેલા એવા શ્રી શ્રીપાળને પણ ભગવાન જિનેશ્વરના દર્શન અને આરાધ્યમ ગુરુ મહારાજના વંદનનો લાભ સતી શિરોમણિ મયણાસુંદરીને લીધે જ મળ્યો. સ્પષ્ટપણે સમજી શકાશે કે ભર્તારની સ્થિતિ ધર્મરહિતપણાની હોય તેવે વખતે ભર્તારની સ્થિતિમાં મળતા થવા માટે ધર્મને ધક્કો મારવો એ સતીપણાનું લક્ષણ નથી પણ ભર્તારને સાથે લઈને પોતે અવશ્ય ધર્મમાર્ગમાં પ્રવર્તવું તે જ સતીપણાને શોભા દેનારું છે.
(અપૂર્ણ)