________________
૯૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૬-૧૨-૩૪ સકળ સ્થાનના સકળ સંઘોને કલેશ રહિત વાતાવરણમાં સ્થાપવા માટે પણ સંઘની અનહદ ઉપયોગિતા છે. વળી સંઘનું જવું જે જે ગામોમાં થાય તે તે ગામમાં જો ચૈત્યાદિકની મનોહર દશા હોય તો સંઘમાં આવેલ અનેક ગામના લોકોને પોતપોતાના ગામમાં તેવી મનોહરતા કરવાનો વિચાર થાય અને તેની સગવડ કરે, અને જો તે માર્ગમાં આવતાં ગામોમાં ચૈત્યાદિક સ્થાનોની ન્યૂન દશા હોય તો તે સંઘના મનુષ્યોદ્વારા તે તે ન્યૂનતા ઓછી થાય અને ગામવાળાઓને પણ સંઘના મનુષ્યો પાસેથી પોતાના ચિત્યાદિને ઉન્નત કરવા વિગેરેની વ્યવસ્થા કરવાની તક મળે.
ટૂંકાણમાં, શ્રીસંઘે કરાતી તીર્થયાત્રા એ શાસનસમૃદ્ધિનું ગામેગામ ફરતું પ્રદર્શન છે, અને તેથી જેઓ શાસનઉન્નતિને ચાહવાવાળા હોય છે તેઓ તો તેવા સંઘયાત્રાદિકના કાર્યોની અનુમોદના કરવાપૂર્વક મુક્તકંઠે પ્રશંસા જ કરે છે.
સંઘ સંબંધી લેખની સમાપ્તિ કરતાં શાસ્ત્રકાર મહારાજાએ જણાવેલા સંઘોની હકીકત જણાવીએ તે યોગ્ય ગણાશે :
શ્રીસિધ્ધસેન દિવાકર મહારાજે પ્રતિબોધ કરી જૈનધર્મ પમાડેલા વીર વિક્રમાદિત્યને શ્રી શત્રુંજ્યની યાત્રાના સંઘમાં એકસો અગણોતેર સોનાના દહેરાં હતાં, પાંચસો હાથીદાંત અને ચંદન વિગેરેનાં દહેરાં હતાં. શ્રીસિદ્ધસેન દિવાકરજી મહારાજા વિગેરે પાંચ હજાર આચાર્યો હતા, ચૌદ મુકુટબધ્ધ રાજાઓ હતા, શ્રાવકોના સીત્તેર લાખ કુટુંબો હતાં, એક કરોડ દશ લાખ ને નવ હજાર ગાડાં હતાં,
અઢાર લાખ ઘોડા, છોતેર સો હાથી અને એવી રીતે ઊંટ અને પોઠિયા વિગેરે પણ ઘણાં હતાં. ૨ શ્રી કુમારપાલ મહારાજાના સંઘમાં સોના અને રત્ન વિગેરેના અઢારસો ચમ્મોતેર દહેરાં હતાં. ૩ થરાદમાં રહેનારા પશ્ચિમ મંડલિક (પશ્ચિમનો રાજા) તરીકે પ્રસિદ્ધ થયેલા આભુ નામના
સંઘપતિના સંઘમાં સાતસો દહેરાં હતાં, અને તે સંઘયાત્રામાં બાર કરોડ સોનૈયાનો ખર્ચ થયો
હતો. ૪ પેથડશાહે સંઘ કાઢયો ત્યારે તીર્થનું દર્શન થયું તે વખતે જ અગીઆર લાખ રૂપિયાનું ખર્ચ થયું
હતું, અને બાવન દેહરાં હતાં, અને સાત લાખ મનુષ્યો હતાં. ૫ વસ્તુપાલ તેજપાલની સાડીબાર યાત્રા પ્રસિદ્ધજ છે.
આ લેખ લખવાનું પ્રયોજન આગળ સૂચવવામાં આવ્યું છે અને અહીં પણ સ્પષ્ટ શબ્દોમાં કહેવાય છે કે જે કોઈ શ્રદ્ધાળુ મહાપુરુષો સંઘયાત્રા દ્વારા તીર્થયાત્રા કરવા વર્તમાનમાં કે ભવિષ્યમાં માગતા હોય તેઓએ વિધિપૂર્વક કરાતું ધાર્મિક અનુષ્ઠાન આત્માને અનુપમ આહ્યાદ આપવા સાથે અન્ય લોકોને અનુમોદનાનું સ્થાન બને છે અને અન્ય લોકોએ કરેલી તેવા વિધિપૂર્વક કરેલા અનુષ્ઠાનની અનુમોદના આ ભવમાં તો શું પણ ભવાંતરમાં પણ સમ્યકત્વ પ્રાપ્તિનું કારણ બને છે અને તેથી વિધિપૂર્વક સંઘયાત્રા દ્વારા તીર્થયાત્રા કરનારા સંઘપતિઓ અનેક ભવ્યજીવોને સમ્યકત્વની ઉત્પત્તિનું કારણ બની મોક્ષપ્રાપ્તિનું કારણ બને છે, માટે વિધિપૂર્વક સંઘયાત્રા દ્વારા તીર્થયાત્રા કરનારા સંઘપતિઓ થાય તો આ લેખનો પ્રયત્ન ફળીભૂત ગણાશે.
જય હ :