________________
૭૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૧-૧૧-૩૪ બેમાંથી કોઈ પણ મહિનો જે વર્ષે વધેલો હોય તે વર્ષે અષાઢ ચાતુર્માસીથી માત્ર વીસ દિવસ ગયા પછી જ ગૃહિજ્ઞાતરૂપી નિયમિત અવસ્થાનમાં પર્યુષણા કરવી તો તે યુગના દરેક ત્રીજે અને પાંચમે વર્ષે પૂર્વધર મહારાજાઓ પણ શું તે અષાઢ ચાતુર્માસીથી વીસ દિવસે એટલે શ્રાવણ સુદિ પાંચમે અવસ્થાનપર્યુષણા કરવાની વખતે જ સાંવત્સરિકપર્વવિશિષ્ટ પર્યુષણા કરી લેતા હતા એમ માનવું વ્યાજબી છે ? જો આ પ્રશ્નનો ઉત્તર હકારમાં દેવાય તો તેની સાથે જ વિચાર કરવાની જરૂર છે કે તે દરેક યુગના ત્રીજા અને પાંચમા અભિવર્ધિત વર્ષ પછી આગળ આવતા યુગના ચોથા અને નવા યુગના પહેલા એવા ચંદ્રવર્ષમાં તે પૂર્વધર મહારાજા વિગેરે અષાઢ ચાતુર્માસી પછી વીસ દિવસ સહિત એક મહિને સાંવત્સરિક પર્યુષણ કરતા હતા એટલે ભાદરવા સુદિ પાંચમે જ કરતા હતા કે પહેલાના ત્રીજા અને પાંચમા અભિવર્ધિતા વર્ષે શ્રાવણ સુદિ પાંચમે સાંવત્સરિક પર્યુષણા કરેલી હોઈ તેનાથી બાર મહિનાનો હિસાબ સાચવી તે ચંદ્રવર્ષના પણ શ્રાવણ સૂદિ પાંચમે જ પર્યુષણ કરતા હતા. કદાચ એમ કહેવામાં આવે કે પૂર્વધર મહારાજા વિગેરે પણ ચંદ્રવર્ષમાં તો અષાઢ ચાતુર્માસી પછી વીસ દિવસ ને એક મહિનો ગયા પછી જ એટલે ભાદરવા સુદિ પાંચમે જ પર્યુષણ પર્વ કરતા હતા. તો સ્પષ્ટપણે માનવું પડશે કે દરેક યુગના પહેલા અને ચોથા વર્ષો કે જે ચંદ્રવર્ષો હોઈ બાર માસ પ્રમાણ જ હોય છે, તેમાં તેર માસ પ્રમાણ દરેક વખતે વર્ષ ગણવું પડશે, અર્થાત્ અભિવર્ધિત વર્ષનો મહિનો સાંવત્સરિક પર્યુષણાને અંગે કાળચૂલા તરીકે નકામો હતો છતાં પણ હિસાબમાં લીધો અને અભિવર્ધિતને અભિવર્ધિત તરીકે ન ગણતાં બાર માસનું જ વર્ષ ગણી સાંવત્સરિક કૃત્યવાળી પર્યુષણા ગણી અને ચંદ્રવર્ષ કે જેમાં અધિક મહિનો હોતો નથી અને તેથી કાળચૂલા તરીકે મહિનો જઈ શકે તેમ નથી તેવા ચંદ્રવર્ષમાં તેર માસે એટલે એક વર્ષ ઉપર એક મહિનો ગયા પછી સાંવત્સરિક કૃત્યવાળી પર્યુષણા કરી. સ્પષ્ટ થશે કે અભિવર્ધિત વર્ષમાં શ્રાવણ સૂદિ પાંચમે પર્યુષણા કરનારો અને આગળના ચંદ્રવર્ષે ભાદરવા સૂદિ પાંચમે સાંવત્સરિક પર્યુષણા કરનારો તેર મહિને જ પર્યુષણા કરે છે, અર્થાત્ અભિવર્ધિતને શાસ્ત્રોક્ત કથન મુજબ અભિવર્ધિત નથી માનતો પણ જેને અભિવર્ધિત તરીકે નથી ગણ્યો તેવા ચંદ્રવર્ષને અભિવર્ધિત તરીકે માને છે. આવી રીતે અવ્યવસ્થિત પણ પૂર્વધર વિગેરે પુરુષો કરતા હોય એમ કોઈ પણ સમજુ મનુષ્ય સ્વીકારી શકે નહિ અને તેથી જ સમજુ પુરુષો તો એ જ વસ્તુ સ્વીકારે છે કે વર્ષ ચાહે તો અભિવર્ધિત હો કે ચંદ્ર હો પણ પૂર્વધર વિગેરે પુરુષો સાંવત્સરિક કૃત્યવાળી પર્યુષણા તો અષાઢ ચાતુર્માસ પછી વીસ દિવસ સહિત એક મહિનો ગયા પછી એટલે ભાદરવા સુદિ પાંચમે જ કરતા હતા, અને એજ કારણોથી શાસ્ત્રોમાં સાંવત્સરિકનો અધિકાર ભાદ્રપદવિશિષ્ટ જ આવે છે અને તે યોગ્ય જ છે.
ઉપર જણાવેલી અધિક માસની ચર્ચા જો કે સીધી રીતે વર્તમાન કાળમાં લૌકિક ટીપણાં મનાતાં હોવાથી અને તે લૌકિક ટીપણામાં ચૈત્ર વિગેરે કોઈપણ માસ અધિક આવતો હોવાથી જોઈએ તેવી સાક્ષાત્ ઉપયોગવાળી નથી, પણ થયેલી ચર્ચાથી જો ભાદરવા સૂદિ પાંચમની સાંવત્સરિકરૂપી પર્યુષણા હોય એમ નક્કી થયું તો તે ઘણા ઉપયોગમાં આવશે એમ સંભવ છે, અને સાથે એ પણ નિશ્ચિત થયેલું ઉપયોગી છે કે અભિવર્ધિત વર્ષમાં જ અધિક માસ જે પોષ કે અષાઢ હોય તેને કાળચૂલા તરીકે ગણી શેષ બાર માસને જ સાંવત્સરિક પ્રતિક્રમણના હિસાબમાં લેવા.