________________
૫૩૬
તા.૮-૯-૩૪
શ્રી સિદ્ધયક સ્થાન; ન મળે માગી ચીજ. આથી શ્રેણિક પોતાનું અપમાન સમજવા લાગ્યા, તેથી પોતે ત્યાં રહેવું ઉચિત નથી એમ ધારી ચાલી નીકળ્યા. પ્રસેનજિત રાજા જે ધારણાથી શ્રેણિકનું અપમાન કરતા હતા તે ફળીભૂત થઈ. જો શ્રેણિક અહીં રહેશે તો બધા તેને હેરાન કરશે અગર વિષપ્રયોગથી એનું મોત થશે એ વિચારથી પ્રસેનજિતરાજા એને દૂર કરવા ધારતા હતા. શ્રેણિક નીકળી ગયા પછી જંગલ ઉલ્લંઘને કોઈક નગરે જઈ ગાંધીને ત્યાં રહે છે. ગાંધીનો વેપાર ઘણો અટપટીયો છે. હજારો ચીજોમાં વસ્તુ પારખવી, અને એ જ આપવી, કંઇને બદલે કંઈ અપાય તો ગુન્હેગાર થવાય. કહો એ રાજકુમાર ગાંધીના ધંધામાં કુશળ શી રીતે ? વળી ચેલ્લણાને લેવા માટે (અપહરણ માટે) અભયકુમાર વિશાળામાં જઈને ચેડા મહારાજાના દરબાર પાસે દુકાન માંડીને વેપાર કરે છે. વિચારો કે અભયકુમાર જેવા મુખ્ય પ્રધાને ધંધો શી રીતે કર્યો હશે? અભયકુમાર શ્રેણિકના પુત્ર હતા, તેમજ મુખ્ય પ્રધાન હતા. વસ્તુપાળ તેજપાળ મંત્રીઓ અવતરેલા વેપારીના કુલે છતાં તેઓને લડાઈ કયાંથી આવડી ? આ હકીકત ઉપરથી સમજાશે કે પ્રાચીન કાળમાં દરેક મનુષ્યને દરેક કળા શીખવાની જરૂર પડતી. જિંદગી નિભાવવાનો કયે વખતે કયો પ્રસંગ હોય તેનો નિર્ણય કોણે કર્યો છે ? આખી જિંદગી એકજ રીતે નભશે એ નિર્ણય થાય તો જ એક જ કળા શીખવી ઠીક છે. જિંદગીના દરેક પ્રસંગોમાં ઉપયોગી થઈ શકે એવું શિક્ષણ યોગ્ય ગણાયું હતું ને કેટલેક અંશે વર્તમાનમાં છે. પણ આપણા વિષયનો મુદ્દો કયાં છે ? આ સર્વ કલામાં તૈયાર થવાની જરૂર કેટલી? આ જિંદગીના નિભાવ પૂરતી, પણ આ જિંદગી અસાર માલુમ પડી હોય, આ જિંદગી કરતાં જુદુંજ કોઈ શ્રેષ્ઠ તત્વ જણાયું હોય, આ અસાર જિંદગીથી બીજું સારભૂત સાધવાનું જાણવામાં આવ્યું હોય તો ? દુનિયાના બધાં શિક્ષણો આ જિંદગી નિભાવવા માટેના છે. એ તમામ શિક્ષણો આ જ જિંદગીમાં ખતમ થઈ જાય છે. જ્યારે આ જિંદગી ખતમ થાય છે ત્યારે તેની સાથે આ બધા શિક્ષણો પણ ખતમ થાય છે તો પછી શું? સાધનને સાધ્ય ગણી નવા સાધનો ઉભા કર્યા તે પણ નાશ પામ્યા. મુખ્ય વસ્તુ સાધ્ય હસ્તગત થયું જ ન હોય ત્યાં શું થાય? જિંદગી શાથી પાણીમાં ગઈ?
એક શેઠ હોડીમાં બેઠો છે, હોડી પાણીમાં ચાલી રહી છે, ત્યારે નાવિક કહે છે-શેઠ કેટલા વાગ્યા છે ?
શેઠ-ઘડીયાળ જોને ! (સામેની ટાવરની ઘડીયાળને દેખાડીને) નાવિક-શેઠ ! મને ઘડીયાળ જોતાં આવડતી નથી.
એટલામાં ટાવરમાં ટકોરા વાગ્યા ત્યારે શેઠ કહે છે-હવે તો ખબર પડશેને? ટકોરા ગણી લેને.