________________
૪૬
તા.૧૧-૦-૩૪
શ્રી સિદ્ધચક્ર થોરીયાનું દુધ લાગતાં જ આંખો મટવાને બદલે સદાના માટે અંધ બને ! પણ ગામડીયા ભીલને આનું ભાન નથી. જાડી બુદ્ધિનો માણસ બીજા ઉપર વિશ્વાસ જલ્દી કરી લ્ય છે. ભીલને વૈદ્ય ઉપર શ્રદ્ધા હતી. એ ગયો અને વૈદ્યરાજની આજ્ઞા પ્રમાણે પોતાના ખેતરમાંના થોરીયાનું દુધ લગાડી દીધું. બે દિવસ વીતી ગયા. વૈદ્યરાજ પોતાના દર્દીઓ સાથે વાતો કરતા પોતાની દુકાને બેઠા છે. એક ચીંથરેહાલ ભીલ માથે મોટા આમ્રફળથી ભરેલો ટોપલો લઈને વૈદ્યરાજ પાસે આવી ઉભો રહે છે અને વૈદ્યરાજને એ કેરીનો ટોપલો ભેટ ધરે છે. વૈદ્યરાજ વિમાસણમાં પડે છે કે આ ભીલ કોણ અને એ કેરી શા માટે આપે છે ? ભીલને પૂછતાં ખુલાસો કર્યો તેમાં જણાયું કે-વૈદ્યરાજે એની આંખે થોરીયાના દુધની દવા કરવાનું કહ્યું હતું. ભલે તે પ્રમાણે કર્યું અને એની આંખો નિર્મળ બની ગઈ. વૈદ્યરાજ વાત સાંભળીને ચમકી ગયા. થોરીયાનું દુધ અને એનાથી આંખો સારી થઇ એ વાત જ એમના ગળે ન ઉતરી. છેવટે એ ભીલ સાથે તેઓ જે થોરીયાનું દૂધ લગાડયું તે જોવા ગયા. થોરીયો દરેક રીતે બીજા થોરીયા જેવો જ હતો. છેવટે એ થોરીયાનું મૂળ ખોદતાં માલમ પડયું કે એનું મૂળ જમીનમાં ન હતું પણ એક ઘીના કુડલામાં હતું અને એ ઘીએ એ થોરીયાના આંખો ફોડવાના ઝેરને દૂર કરીને આંખો સુધારવામાં અમૃતતુલ્ય બનાવી દીધો હતો.
હવે અહીં વિચારીએ કે થોરીયાનો મૂળ સ્વભાવ તો આંધળા કરવાનો જ હતો, પણ એને ઘીનો સંસર્ગ થયો એટલે એજ થોરીયો આંખ મટાડવાનું કારણ બન્યો. ઠીક આ જ પ્રમાણે “માસવા તે પરિવા, પરિવા તે માસવા” એ વાક્યમાં પણ સમજવાનું છે. અમુક કૃત્યો એવાં છે કે જે મૂળ તો બંધનાં જ કારણો હોય છે પણ એની સાથે થોરીયામાં ઘી જેવી કોઈ વસ્તુ મળે તો એ જ બંધનું કારણ નિર્જરાનું કારણ બને છે, અને આવી જ રીતે સંયોગ વિશેષ મળતાં નિર્જરાનું કારણ હોય તો એ બંધનું કારણ બને છે, બાકી મૂળ સ્વભાવની અપેક્ષાએ તો થોરીયાની માફક બંધ તે બંધ જ છે અને નિર્જરા તે નિર્જરા જ છે, અને એટલા માટે જ બંધ અને નિર્જરા એ બન્ને કોઈ કાલ્પનિક પદાર્થ નથી પણ મૌલિક પદાર્થ છે. અપેક્ષાવાદ.
આ પ્રમાણે બંધના કારણને નિર્જરાનું કારણ અને નિર્જરાના કારણને બંધનું કારણ બતાવવામાં સૌથી મુખ્ય આધાર આત્માની પરિણતિ ઉપર છે. માત્ર ઉપરની ક્રિયાના જોવાથી જ બંધ કે નિર્જરા થવાનો નિર્ણય નથી થઈ શકતો, પણ સાથે સાથે આત્માની એ ક્રિયા કરતી વખતની પરિણતિનો પણ વિચાર કરવાનો હોય છે; કારણ કે બાહા રીતે એકસરખી દેખાતી ક્રિયાથી જુદા જુદા પરિણામો આવે છે એ વાત આપણે જાણીએ છીએ.