________________
(ટાઈટલ ચોથાનું અનુસંધાન) કેટલીક વખત શ્રોતાની અજ્ઞાનતાને લીધે વિપરીત બુદ્ધિને કરનારી થાય પણ તેટલા માત્રથી તે વિવેકી જનને માયાવી કહી શકાય નહિ. જેવી રીતે માયાવી પુરુષે શ્રોતાના ઉપઘાતકપણે કરેલી મન, વચન, કાયાની પ્રવૃત્તિ ભાગ્યશાળી શ્રોતાને ઉપઘાતક કે વિપરીત પરિણામવાળી ન થાય તો પણ ઉપઘાતક બુદ્ધિથી માયાપૂર્વક પ્રવૃત્તિ કરવાવાળો જેમ માયાના દોષને પાત્ર થાય છે તેવીજ રીતે ઉપઘાતક બુદ્ધિ વિનાના સરળતાવાળા વકતાને કોઇપણ પ્રકારે માયાવીતાનો દોષ દઈ શકાય નહિ.
ઉપર જણાવેલી સરળતા કેટલાક ભાગ્યશાળી જીવોને પ્રાપ્ત થયેલી હોય છે. છતાં તેઓ તેના ટકાવને માટે ઉપઘાતકપણાના દોષોને હંમેશાં દૃષ્ટિ નીચે રાખે નહિ તો જગતના માયાવી જીવોના સંસર્ગથી ઉપઘાતક બુદ્ધિવાળા થઈ સરળતાને સરકાવી દેવાવાળા થાય છે.
જેવી રીતે ઉપઘાતક બુદ્ધિ સરળતાને સરકાવનાર થાય છે અને ઉપઘાતક બુદ્ધિની પૃષ્ટતાની અહોનિશ રખાતી ભાવના સરળતાને ટકાવનાર થાય છે તેવીજ રીતે સરળતાને વધારનાર સાધનોની તપાસ કરવાની ઓછી જરૂર નથી. ઈદ્રિયસંશાને ગૌરવને જીતવાનો જેમ એ નિયમ છે કે તે કષાયાદિકની પ્રવૃત્તિથી થતા ઐહિક અને પારિત્રિક અનર્થો વિચારવા તેવી રીતે માયાના ઘાતથી થતી સરળતાને વધારવા માટે પ્રતિક્ષણ માયાના અનર્થો વિચારો જે ઐહિક અને પારત્રિક હોય તે વિચારવા જોઇએ. તેમજ માયા કરવાવાળા મહાબળ સરખા મહાપુરુષોને થયેલું અનિવાર્ય નુકસાન વારંવાર ધ્યાનમાં લેવું જોઇએ. એ બધું કરવા સાથે માયાપ્રધાન પુરુષોનો સંસર્ગ સર્વથા ત્યજવો જોઈએ, કારણકે શિક્ષાના સો વાક્યોની અસર કરતાં દલીલવાળું એક વાકય ઘણી અસર કરે છે, અને સેંકડો દલીલોનાં વાક્યો કરતાં એકપણ પ્રસિદ્ધ દ્રષ્ટાંત હૃદયને હચમચાવી મૂકે છે, અને તેવાં સેંકડો દ્રષ્ટાંતો કરતાં પણ સંસર્ગ એવી જબરદસ્ત અસર કરે છે કે જેનો મહિમા સર્વને અનુભવસિદ્ધ છે. જો એમ ન હોત તો કરોડો નિશાળો, માસ્તરો અને પુસ્તકો છતાં અને લાખો શિક્ષા કરનારી કોરટો છતાં જગતમાં નીતિનું કે પ્રમાણિકતાનું સામ્રાજ્ય સ્થપાયા સિવાય રહેત નહિ.
આ ઉપરથી સ્પષ્ટ થશે કે આખું જગત નીતિ અને પ્રમાણિકતા માટે માત્ર પોથીના રીંગણા ગણનારી છે, પણ પવિત્ર પુરુષોના સંગમમાં રહેલો મનુષ્ય સંસ્કારના પ્રભાવે ઉત્તરોત્તર સારી સ્થિતિમાં આવે છે, માટે સરળતાને વૃદ્ધિગત કરવાની ઇચ્છાવાળા પુરુષે માયાપ્રધાન પુરુષનો સંસર્ગ સર્વથા વર્જવો જોઇએ. આવી રીતે વિચારી જે સરળતાને વૃદ્ધિગત કરશે તેઓજ કલ્યાણની નિસરણી પામી શકશે.