________________
તા. ૨-૧૧-૩૩
શ્રી સિદ્ધચક્ર ભાવની મહત્તા.
હવે દાન તો કહ્યું, પણ શીલનો વિચાર કરો, યાદ રાખો જૈન દર્શનકારો તમોને માત્ર શબ્દનો મોહ રાખીને વર્તનની જવાબદારીમાંથી છટકવા દેવાના નથી. આ શાસન હુંડીના પૈસા ચુકવનારું શાસન છે, પણ તે હુંડીની સત્યતા પણ પુરેપુરી તપાસે છે. એકવાર ખાતરી થઈ કે હુંડી સત્યતાથી ભરેલી છે, તો પછી એમાંથી પૈસો પણ દલાલી કે વટાવ કાપવાની વાત આ શાસનમાં નથી. શીલ કહ્યું પણ શીલનું ઢોંગ આ શાસન નિભાવી લેવાનું નથી. શીલ કેવું હોય તે વિચારો ! છોકરાઓ ગાજરની પીપુડી વગાડે છે તેવું તમારું શીલ હોય તો એ શીલ નભે નહિ. તમે ધર્મ શા માટે સ્વિકારો છો તેનો વિચાર કરો. ધર્મને સ્વિકારવાનું કારણ એકજ છે કે આત્માને કર્મરૂપી કચરામાંથી બચાવી લેવો. ! આપણો ધર્મ કેવો છે ? “મહાજન મારા માથા ઉપર પરંતુ મારી ખોટી ન ખસે !” એવો આપણે ધર્મ પાળીએ છીએ. ધર્મ, દેવ ગુરુ બધા ખરા પણ મારા શરીરને આંચ આવવી ન જોઈએ. શરીરને આંચ ન આવે તો બધાને માનવા, પણ જો શરીરને આંચ આવતી હોય તો તે વખતે બધાથી દૂર ! આ સ્થિતિનો ધર્મ પાળીએ તો એ ધર્મ માણસને ખરેખરો ઉંચો લાવી શકે નહિ મહાવીર મહારાજ માબાપની ખાતર ત્રીસ વર્ષ ગૃહવાસમાં રહ્યા હતા એ કબુલ પણ જે વખતે કાઉસગ્નમાં રહ્યા છે તે સમયે તેમણે દર્શાવેલી દઢતાનો વિચાર કરો. માતા ત્રિશલા આવે છે હાયપીટ કરે છે પણ તેની અસર થતી નથી, નંદિવર્ધન જોઈએ તેટલો જુલમ કરે છે, ઘરમાંથી કાઢી મૂકે છે પરંતુ તેની અસર થતી નથી. ભગવાન સામે પણ જોતા નથી. આ વસ્તુનો વિચાર કરો અને પછી આગળ પગલાં ભરો. ધર્મના કાર્યમાં આપણને શરીરની માબાપની બૈરાં છોકરાંની બધાની ખીલી આડે આવે છે. આ ખીલી રાખવી છે અને ધર્મ સાધવો છે એ કદાપી પણ બની શકે નહિ. માટે શાસ્ત્રકારોએ તપ આગળ કર્યું છે. તપ એટલે શું? ચાલતા ચાલતા પગમાં કાંટો વાગે, પગ પાકી આવે અને તાવ થાય! તાવમાં ન જમાય, તો એમ ન માની લેતા કે તમોએ ઉપવાસ કર્યો ! એટલા માટે જ શાસ્ત્રો કહે છે કે જાણી જોઈને કર્મના સામે પૂરો સામનો કરો તેજ તપ છે. આમ દાન શીલ અને તપની મહત્તા ગાવામાં આવી છે. પણ એ સઘળું ત્યાગની ભાવના પૂર્વકનું હોય તો તેની મહત્તા છે નહિ તો એની મહત્તા છે એમ ધારતા નહિ. એજ પ્રમાણે સામાયિકનું પણ સમજો. સામાયિક સંવર દ્વારા ત્યાગમાં લઈ જાય છે માટે એને ચોમસીકૃત્યોમાં સૌથી પહેલું સ્થાન આપવામાં આવેલું છે, આ વસ્તુ સમજો. શાસ્ત્રની જે કાંઈ વાત સાંભળવામાં આવે છે તે માત્ર સાંભળ્યાથીજ તમારું કલ્યાણ નથી. એ વાત સાંભળીને તમે તમારા હૃદયમાં ઉતારો એટલે તે વસ્તુને વર્તનમાં મૂકી તમારા આત્માને સુખી કરો. તો તમારું શ્રવણ સફળ છે અને તમારું એ શ્રવણ મનુષ્યભવને સફળ કરશે.
સંપૂર્ણ.