________________
૫૫૭
શ્રી સિદ્ધચક્ર
તા.૧૯-૯-૩૩ શ્રીમદ સાગરાનંદ સૂરીશ્વર મહારાજનું જીવનચરિત્ર!” એ ગ્રંથ માટે અનેક સ્થળેથી વારંવાર માંગણીઓ થતી હતી, એ માંગણીને પહોંચી વળવા અમે એ સુંદર ગ્રંથ તૈયાર કરાવ્યો છે અને નવા વર્ષના પહેલા અંક સાથે અમે તે ગ્રંથ અમારા વાંચકોને આપી શકીશું; એવી અમોને ખાતરી છે. જે શાસનપ્રભાવક આગમોદ્ધારક સૂરીશ્વરે બાળપણાથીજ પોતાની શક્તિનો દિવ્ય પ્રકાશ બતાવ્યો છે, જેણે અથાગ-પરિશ્રમ લઈ જૈનાગમોનો ઉદ્ધાર કરી મૃતપ્રાયઃ થઈ જતી આર્ય વિદ્યાને બચાવી છે; એટલું જ નહિ પણ જે મહાત્માએ જૈન ધર્મના સત્યત્વના નિરૂપણ માટે સદા સર્વદા કમર કસેલી રાખી છે; એ મહાત્માનું જીવન ચરિત્ર એવી તો સુંદર સરળ અને આકર્ષક ભાષામાં લખાયું છે કે જેની પ્રશંસા તમે વાંચી વિચારીને જાતે જ કરો એ ઠીક છે. પૂ. સૂરીશ્વરજીના બાળપણાથી આજ સુધીના સઘળા પ્રસંગો એ ગ્રંથમાં વિસ્તારપૂર્વક ગુંથી લઈને આચાર્ય મહારાજના જીવનનું સુંદર પ્રતિબિંબ તેમાં પાડવાનો પ્રશંસનીય પ્રયત્ન કરવામાં આવ્યો છે.
હૃદયનો ઉત્સાહ, પ્રેમ અને ધર્મ ભાવનાની ઊંચી ભૂમિકાથી શ્રી સિદ્ધચક્રનું સંચાલન કાર્ય કરવામાં આવે છે અને વાંચકો પણ એને એવા જ પવિત્ર ઉદેશથી સ્વીકારી લઈ તેનો સાચો લાભ ઉઠાવે, માત્ર વાંચનમાં જ નહિ, પરંતુ વર્તનમાં પણ એ સત્યસિદ્ધાંતોનો વ્યવહાર કરવા માંડે તો સિદ્ધચક્રનો પરિશ્રમ સફળ છે. ઉપર જણાવ્યું છે તેમ આવતા વર્ષથી શ્રી સિદ્ધચક્રને વધારે સુંદર, વધારે પુષ્ટ અને વધારે આકર્ષક બનાવવાની તૈયારીઓ થઈ રહી છે અને જ્યાં સુધી સિદ્ધચક્ર જૈનધર્મનું જૈન ગુજરાતી સાહિત્યનું સર્વાગ સુંદર પત્ર નહિ બને, ત્યાં સુધી એના કાર્યવાહકોએ એની પાછળ પુરતો પરિશ્રમ લઈ એને સુંદર કોટીએ લઈ જવાના સઘળા પ્રયત્નો કરવાનું નિરધાર્યું છે એ પ્રયત્નો પરત્વે વાંચક ગ્રાહકોની સહાનુભૂતિ રહો, વાંચક ગ્રાહક અને સિદ્ધચક્ર વચ્ચે અખંડ પ્રેમ કાયમ રહો, અને સિદ્ધચક્રની ઉન્નતિ સાથે વાંચકો પણ આત્મિક પંથે પ્રગતિ કરતા રહો એવું ઇચ્છીને, પહેલા વર્ષના અમારા કાર્યમાં જે ગ્રાહક વાંચક, સલાહકારો, સંસ્થાઓ, મિત્રો અને શિષ્ટોએ સહકાર, સલાહ અને સૂચનાઓ આપી છે તે માટે એ સર્વનો અમે અત્રે આભાર માનીએ છીએ.
નોંધઃ-આગમોદ્ધારક આચાર્યદેવ શ્રીસાગરાનંદ સૂરીશ્વરજીનું વ્યાખ્યાન, . સાગરસમાધાન, અને સુધાસાગર તો આ પત્રનો આત્મા છે, તેઓશ્રી તથા તેઓશ્રીની સેવામાં અહર્નિશ તત્પર પૂજ્યપાદ મહારાજશ્રી ચંદ્રસાગરજીએ આ પાક્ષિક પરત્વે જે લાગણી રાખી છે, અને સિદ્ધચક્રના સાહિત્ય માટે જે અથાગ પરિશ્રમ ઉઠાવે છે. તેનો આભાર અમે શી રીતે માની શકીએ? એમનો આભાર સાચી રીતે માનવા માટે ગુજરાતી સાહિત્યમાં શબ્દો પણ નહિ જડે, એટલું જ કહેવું બસ છે. એટલું જણાવી પ્રથમ વર્ષના અંતિમ અંકનું અમારું વક્તવ્ય અને પૂર્ણ કરીએ છીએ.
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ તરફથી
- પાનાચંદ રૂપચંદ ઝવેરી
તંત્રી - “સિદ્ધચક્ર”