________________
૫૦૮
શ્રી સિદ્ધચક્ર
તા.૨૧-૮-૩૩ હિતાહિત જાણવા માટે જ્ઞાન મેળવે છે, પરંતુ જ્ઞાન મળ્યા પછી એ રાગદ્વેષવાળો થાય છે, તો શું એ માણસે મેળવેલું જ્ઞાન તે જ્ઞાન કહી શકાય? નહિ જ. સૂર્ય અને અંધારું સાથે રહી શકે?
સૂર્ય ઉગ્યો છતાં અંધારું રહે એમ કોણ માની શકશે ? સૂર્યોદય થયો તો અંધકાર જવો જ જોઈએ. તે જ પ્રમાણે જ્યારે વસ્તુનું વાસ્તવિક જ્ઞાન થાય તે એ જ્ઞાનનું એ પરિણામ આવવું જ જોઇએ કે વર્તન સુધરવું જ ઘટે, જ્ઞાન થયા પછી રાગદ્વેષવાળા થઈએ તો એ જ્ઞાન તે જ્ઞાન જ ન કહેવાય! આપણને પુણ્ય પાપનું જ્ઞાન થાય છે, પણ તે કેવું છે ? એ આપણું જ્ઞાન ફોનોગ્રાફની ચૂડી જેવું છે. તમે ધર્મના વ્યાખ્યાનની ચુડી મુકો કે તમારા દુશ્મનને ગાળો આપવાની ચૂડી મૂકો; ફોનોગ્રાફ તો તમે જે કહેશો તે બોલી જશે ! તેને ચિંતા નથી કે ગાળો આપવાથી ફલાણાભાઈ બદનક્ષીનો દાવો માંડશ! આપણે પણ એ ફોનોગ્રાફની ચૂડી જેવા બન્યા છીએ. હૃદયમાં અસરનો છાંટો પણ નહિ, છતાં ફોનોગ્રાફ ધર્મનું વ્યાખ્યાન આપી જાય છે સાપ ભયંકર છે કે પાપ?
હવે બીજી વાત ! સાપનું ઉદાહરણ લ્યો. સાપ કરડે છે તો એનું પરિણામ શું? સાપ એક ભવનો નાશ કરે છે પણ પાપ તો ભવોભવનો નાશ કરે છે. જીવ અને જીવનનો પણ તે નાશ કરી નાંખે છે ત્યારે સાપનો ભય છે છતાં પાપનો ભય નથી ! આનું કારણ શું છે ? એનું કારણ એ છે કે પાપનો ભય તમારામાં છે ખરો પણ તે અપૂર્ણ છે, બનાવટી છે. એ ભય ઉંડાણનો કિવા અતરનો નથી. કુંચી લગાડી કે તાળું ખુલી જ જાય, તેવો પાપનો ભય તમારામાં નથી જ. ઠીક; તમે ઊંઘમાં છો, સૂતા છો. મગજ તંદ્રામાં પડે છે અને તમોને એક સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં સાપ દેખાય છે. સાપ તમારી પાસે આવે છે. તમોને વીંટાય છે કરડવા મુખ ઉંચુ કરે છે. એટલામાં તમે જાગો છો. ખબર પડે છે કે સાપ એ તે માત્ર સ્વખું જ હતું. બીજું કાંઈ ન હતું છતાં પણ પા કલાક સુધી તમારી છાતી ધડકશે ! હૃદયમાં થડકો જોરથી થશે, ઝપાટાબંધ રૂધીર ફરવા લાગશે, અને બીજાને તમે તમારા સ્વપ્નની વાત કહેશો તો ત્યાં પણ તમારો સ્વર તેવો જ ભયકંપિત બની જશે. સાપનો ભય છે. પાપનો નથી !
હવે ધારો કે બીજી જ પળે તમોને સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં તમે ચોરી કરો છો, જૂઠું બોલો છો, અથવા અબ્રહ્મચર્ય સેવો છો અને તરત જાગો છો ! જાગ્યા પછી મૂકો તમારી છાતીએ હાથ! સાપનું સ્વપ્ન આવ્યું અને જે વેદના અનુભવી તેનો હજારમો ભાગ પણ આ વખતે નહિ હોય! કદાચ બહુ થાય અને મિત્રને એ સ્વપ્નની વાત કહો, તો કૃત્રિમ રીતે સ્વર બગાડો, ઢોંગ કરી બતાવો, પણ હૃદયમાં શું? કાંઈ નહિ ! સાપ દેખીને જેવી અસર થાય તેવી પાપ કરવા છતાં પણ થતી જ નથી. તો પછી બોલો ભય કોનો? પાપનો કે સાપનો? એના ઉપરથી એક જ અનુમાન નીકળે છે કે પાપના ભયનો જેવો સંસ્કાર પેસવો જોઈએ તેવો પેઠો નથી. જો સાચા સ્વરૂપમાં તમે પાપનો ભય પામ્યા હો, તો તો જરૂર સાપ કરતા પાપની અસર જ વધારે તીવ્ર થાય એમાં જરા સરખો શક નથી.