________________
૪૮૪
શ્રી સિદ્ધચક્ર
તા.૫-૮-૩૩
સાધારણ ધર્મનું લક્ષણ છે એમ કહી શકાય છે. ૧થી ૧૪ ગુણસ્થાનકનું સાધારણ લક્ષણ એ છે કે દૂર્ગતિને રોકે તે ધર્મ. પણ નિશ્ચય ધર્મ તે છે કે જે મોક્ષને અનંતર સમયમાં આપી શકે તે નિશ્ચય ધર્મ છે. ઉપચરિત વ્યવહારથી, અશુદ્ધ વ્યવહારથી ભલે ધર્મ હોય; પણ મોક્ષ દેવાનું સામર્થ્ય ધરાવી શકનાર જે કારણભૂત ધર્મ, તે ધર્મ છે. જે મોક્ષને આપે છે તે ધર્મ છે પહેલે ગુણઠાણેથી મોક્ષની જે પરિણતિ થઈ છે તે મોક્ષ દેવાની છે માટે એમ પણ કહી શકાય કે અનંતર સમયમાં મોક્ષ આપે છે તે ધર્મ. ત્યારે હવે આ બધા ધર્મ કેવા? આ સઘળા કારણ ધર્મ છે. એટલે મોક્ષનું તે કારણ છે. ચૌદમા ગુણઠાણાની છેલ્લા સમયના પહેલાના સમયનો ધર્મ તે પણ કારણ ધર્મ છે. તે જ પ્રમાણે ૪ થી ૧૨ ગુણઠાણાનો જે ધર્મ છે, તે પણ કારણ ધર્મ છે. કારણ ધર્મ તરીકે તેને ધર્મ ગણીએ એ વાસ્તવિક છે. પણ જીનેશ્વર મહારાજાએ મોક્ષ માટે જ ધર્મ કહ્યો છે માટે મોક્ષના જે પ્રાપ્ત કરાવે છે તે ઉંચામાં ઉંચી કોટીનો ધર્મ છે. આપણો તો જે મોક્ષબુદ્ધિએ થાય તેને પણ ધર્મ કહ્યો છે. દેવલોક ધર્મનું પરમ ફળ નથી.
- હવે આપણે મૂળ અધિકારમાં આવીએ. શ્રી જીનેશ્વરે મોક્ષના કારણને જ ધર્મ ગણ્યો છે. દેવલોક શાથી મળે છે ? તે પણ ધર્મથી મળે છે કે નહિ? જરૂર મળે છે, તેની પણ કોઈ ના પાડતું જ નથી. પણ આ વેળાએ એક વાત ખ્યાલમાં રાખવાની છે. એક વસ્તુ બનતી હોય તો પણ તે ઈચ્છવી ન જોઈએ. ઉત્તમ મનુષ્ય હોય તેને માન ડગલે અને પગલે મળે છે, પણ જો તે એમ ઈચ્છે કે મને માન મળો; તો શું માનવું ? માન મળવાનું છે જ, પછી તે માંગવામાં શો વાંધો છે ? છતાં પણ જો તે માણસ માન માટે ફાંફાં મારે, તો જરૂર તેની કિંમત કોડીની પણ નહિ રહે. ધર્મથી દેવલોકાદિક મળે છે, પણ ધર્મ કરીને તેના બદલામાં દેવલોક માંગી લીધો તો તેને માટે આપણે શું કહીશું? જેનાથી જે ફળ મળવાનું હોય છતાં એ ફળ તે પરમફળ નહિ હોય તો તેની માંગણી કરવી એ સજ્જનને શોભા આપનારું નથી. તેમ ધર્મથી દેવલોક મળે ખરો, પરંતુ તે ધર્મનું પરમફળ ન જ હોવાથી ધર્મના બદલામાં તેની યાચના કરે તે ધર્મની વાસ્તવિક સીમાની બહાર ગયેલો જ ગણાય. મનુષ્યનું પહેલું કર્તવ્ય શું?
જેઓ ધર્મ કરે છે તેઓ દૂર્ગતિમાંથી નિવારણ થવાનું માંગે તેમાં દોષ નથી, મોક્ષ માગે એ તો ઉત્તમ જ છે, પણ ધર્મ કરી દેવલોક મેળવવાનું શાસ્ત્રકારો જણાવતા નથી. આ ધર્મને અંગે ધર્મ કરી તેના બદલામાં પગલિક પદાર્થોની લાલચ લગાડવાની નથી. અહીં તો પાપનો ક્ષય કરી મોક્ષ માંગવાનું ધ્યેય છે. ત્યારે એ ધર્મ શી રીતે વ્યક્ત થાય છે? ૧ ફળની અપેક્ષાએ મોક્ષથી, ૨ હેતુની અપેક્ષાએ દાનાદિકથી, અને ૩ સ્વરૂપની અપેક્ષાએ અહિંસા, તપ, સંયમ આદિથી ધર્મ વ્યક્ત થાય છે. આમ હેતુ ફળ અને સ્વરૂપારાએ ધર્મ કહ્યો, તેમાં મુખ્ય મુદ્દો ક્યાં છે? ફળમાં ! માટે એ ફળ એટલે મોક્ષને પ્રાપ્ત કરાવે તે ધર્મ છે. અને મોક્ષ તે છે કે જેનાથી અનાદિનું ભવભ્રમણ મટે છે. આ દ્રષ્ટિએ-મોક્ષની આશાએ ધર્મને સેવવો એ મનુષ્યનું પહેલું કર્તવ્ય છે. હવે મોક્ષ શી ચીજ છે તેનું વિસ્તારથી વર્ણન અને શાસ્ત્રકારો તેને કેવા સ્વરૂપે જણાવે છે તેનું વિવેચન આગળ કરવામાં આવશે.
સંપૂર્ણ * * *