________________
૩૪૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૯-૫-૩૩
વિવેકમાં જાનવર મનુષ્યથી ઊતરતા નથી. જો મનુષ્ય માત્ર વિષયોમાં જ જીંદગી પૂરી કરે તો મનુષ્ય અને પશુમાં ફરક શો ?
જો વિષયોની રમણતા એ જ વિવેક ગણાતો હોય તો મનુષ્યભવ પુરો કરનારા મનુષ્યો કરતાં જાનવરો ઘણાં સારાં, કેમક જાનવરની (તિર્યંચની) ગતિ પાપના ઉદયે મળી છે. અને એ ગતિનું જીવન જેટલું જીવાયું તેટલું પાપનું ફળ ભોગવી હલકા થવાય છે. મનુષ્યભવ તો પુણ્યથી મળ્યો છે એટલે દુર્લભ એવા મનુષ્ય ભવમાં ચોખ્ખો ખાડો જ ખોદાય છે, કેમકે ક્ષણેક્ષણે મનુષ્યભવનું આયુષ્ય અને પુણ્યપ્રકૃત્તિઓ ક્ષય પામે છે. જેમ ઉંમર વધે છે તેમ મનુષ્ય માને છે કે મોટા થવાય છે પણ તત્ત્વથી તો મોટા મટી છોટા થવાય છે અર્થાત્ આવરદા ઘટે છે અને મોત નજીક આવે છે. મહામહેનતે મેળવેલું માનવ જીવન વેડફી નંખાય છે ! ! !
મનુષ્ય જિંદગીની કિંમતનો ખ્યાલ છે ?
આ માનવ જીવનરૂપ અમુલ્ય થેલીમાંથી જે ખૂટી રહ્યું છે તેનો વિચાર કયે દિવસે આવ્યો? જાનવરની તો દુઃખમય જિંદગી એટલે પાપનું ફળ અતિ પરાધીનપણે ભોગવવાની જીંદગી, એટલે તેના જીંદગી સંબંધીને વિચાર ન આવે પણ મનુષ્યની જીંદગી માટેય વિચાર સરખોયે નહિ ? આપણી મનુષ્યની મોંઘી જીંદગીની એક મિનિટ દેવતાના બે ક્રોડ પલ્યોપમ બરાબર છે.
સામયિક વ્રતની પૂજામાં શું બોલો છો ? એક સામાયિક કરનારો દેવતાનું કેટલું આયુષ્ય
બાંધે છે ?
‘લાખ ઓગણસાઠ બાણું ક્રોડી, પચવીસ સહસ નવસે’ જોડી પચવીસ પલ્યોપમ ઝેરૂં' (૯૨૫૯૨૨૫૯૨૫ પલ્યોપમ) એટલું દેવતાનું આયુષ્ય માત્ર અડતાલીસ મિનિટના એક સામાયિકમાં બંધાય છે. એક મિનિટમાં લગભગ બે ક્રોડ પલ્યોપમનું દેવાયું બંધાય છે. માનવજીવનની એક મિનિટ કેટલી કીંમતી છે ? આવી જીંદગીની કિંમત ન હોય એ કેટલું દુઃખદાયક છે ? મોતીના ઢગલા ઉપર નાનો છોકરો બેસે તો શું કરે ? એને બિચારાને મોતીની કિંમતની ખબર નથી એટલે તે ઢગલા પર મારું. અને થંડીલ કરે, વધુમાં તે ઢગલામાંથી એક મુઠો આમ ફેંકે તો બીજો મુઠો તેમ. ફેંકે પણ કરે શું ? મોતીની ફેંકાફેંક, એ બચ્ચાને બેવકૂફ કહેતાં પહેલાં આપણે શું કરી રહ્યા છીએ એ કદી વિચાર્યું ? કહેવું પડશે કે નહિ. કાલ સવારથી આજ સવાર સુધી ફક્ત એક દિવસના ચોવીસ કલાકની જીંદગી માટે વિચાર કરીએ તો માલમ પડશે કે મોંઘી માનવ જીંદગી વ્યર્થ ગઈ, વિચારો કે એટલી જીંદગીમાં મેળવ્યું શું ? અરે ન મેળવ્યું હોય તો શાથી મેળવાય ? મેળવ્યું કે ઊલટું ખોયું ? જન્મતા સાથે લાવ્યા નથી, મરતા સાથે લઇ જવાના નથી, પણ જન્મ અને મરણની મધ્ય જીંદગીમાં રહે તેનો ભરોસો પણ નથી એવા હીરા, મોતી, સોના, ચાંદી, લોઢા, ધૂળમાટી વિગેરેની કિંમત છે પણ જીંદગીની કિંમત નથી ! બાઇઓ વાસણ માંજવા માટે ધોળી માટી ભેગી કરે છે, અને ભાઇઓ ચોપડાના અક્ષર ન ભુલાય તે માટે કાળી રેતી એકઠી કરે છેઃ આમાંથી કદાચ કોઈ જરા તે લે અગર નાખી દે તો તેમાંયે તરત નુકસાન ગણીને હાથથી ઇન્સાફ ચુકાવો છો અગર લડવા લાગો છો. ચોવીસ કલાકની અમૂલ્ય જીંદગી નકામી ગઇ તેને અંગે કદી લેશ પણ આવેશ આવ્યો ? નહિ. ત્યારે જવાહીર કરતાં કંઇક ગુણી માનવ જીંદગી ધૂળ રેતી કરતાંયે હલકી ગણી છે. ભલે તમે બોલવામાં ‘કીમતી, અમુલ્ય, અને સોનેરી' વિશેષણોનો લેબલો દ્વારાએ બધુંયે કહી દો છો, પણ વર્તનથી કેવી ગણો છો. તે તમે