________________
૩૨૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૪-૩૩ તે જ મનુષ્યપણામાં આવેલા છે. ત્યારે પ્રશ્ન થશે કે એકેંદ્રિય માત્રને કષાયો પાતળા છે તો તે મનુષ્ય કેમ નથી થતા ? માટે આગળ બીજી રકમ દાનરૂચિપણાની જણાવી; દાન દેવું અને દાનની રૂચિ એ; બેમાં આકાશપાતાળ જેટલો ફરક છે. ભરાવા આવનારી ટીપમાં પોતે જાણે કે અમુકે બે હજાર ભર્યા છે માટે પોતાએ પણ તેટલાં ભરવા પડશે એટલે આખી દુનિયાની પીંજણ પીંજી તેટલા તો ન જ આપે. પંદરસે રૂપિયે પતે એટલે પાંચસો બચ્યા એમ પોતે માને. અહીં જરૂર એણે દાન તો દીધું પણ ભાવના ક્યાં ? દાનની રૂચિ ત્યાં નથી. આ રીતિએ દીધેલા દાનથી મનુષ્યપણું ન મળે. આવાના પાંચસે બચ્યા” એ શબ્દ પર વિચારીએ તો આપેલા પરસેં એળે ગયા ! દાનરૂચિવાળો તો એમ માને કે સંસારરૂપી હોળીમાં બધું સળગી તો રહ્યું છે તેમાંથી કાઢયું એટલું બચ્યું! દીધું (દાન) એટલું બચાવ્યું ! પાતળા કષાયોવાળા હોય, દાનરૂચિ ધરાવનારો હોય પણ તેવોએ લુચ્ચો નિંદાપોર, નિર્લજ્જ વિગેરે ન હોવો જોઇએ. એવા અવગુણી હોય તે મનુષ્યપણું ન બાંધે. લજ્જા દાક્ષિણ્યવાદી સગુણ સંપન્ન હોય તે મનુષ્યપણું મેળવી શકે છે.
મનુષ્યભવ દુર્લભ છે એ સમજવું મુશ્કેલ નથી. એક રાજાએ એક વખત પ્રધાન સાથે વિચાર કર્યો કે આ રીતિએ પ્રજાને લૂંટીને ધન ભેગું કરવું એ ઠીક નહિ. પ્રધાને સલાહ આપી કે પ્રજાની મૂડી જાણી રાખવી, જેથી આપણને ખપ પડે ત્યારે કામ આવે. રાજાએ પૂછ્યું, “પણ પારકી મૂડી જાણવી શી રીતે ? એમ કાંઈ કોઈ પોતાની મૂડી આવીને જણાવી જાય ખરા ?' પ્રધાને એક આબાદ યુક્તિ બતાવી કે જેથી પ્રજા પોતાની મેળે જ આવીને પોતાની મૂડી નોંધાવી જાય. કીંમતી જરિયાન વાવટા કરાવવામાં આવ્યા અને રાજ્ય તરફથી જાહેર કરવામાં આવ્યું કે કોટી ધ્વજને તે વાવટો આપવામાં આવશે અને દરબારમાં તેમની બેઠક આગળ રહેશે. આથી લોકો લલચાણા. પોતાની મૂડી બતાવીને વાવટો લાવવા લાગ્યા. એક અનુભવી શેઠે વિચાર્યું કે જરૂરી દાળમાં કાળું છે. એ ફુલણજી ન બન્યો, કોટિધ્વજ ન ગણાયો, વાવટો ન લાવ્યો અને દરબાર વખતે પોતાની બેઠક પાછળ ગઈ તેની દરકાર કરી નહિ. આ વાત પોતાના ઘરના જુવાનીયાઓ (જુવાન છોકરાઓને)ને ગમી નહિ, પણ પોતાનું નહિ ચાલવાથી પરાણે મૌન રહ્યા. એક વખત મોકો (પ્રસંગ) એવો બન્યો કે કામ આવી પડવાથી શેઠ દેશાંતર ગયા છોકરાઓ એ તકે વાવટો લેવા લલચાણા. વાવટો ત્યારે જ મળે કે નગદ કરોડ ભેગા કરવા જ જોઈએ એટલે પોતાને ત્યાંનો કીમતી માલ સસ્તે વેચીને પણ તાબડતોબ ક્રોડ ભેગા કર્યા, દરબારને દેખાડીને વાવટો લાવ્યા અને કોટિધ્વજ ગણાયા. શેઠ ઘેર આવ્યા, બનેલા બનાવથી માહિતગાર થયા, દિલગીર થયા. છોકરાઓને ઉપાલંભ આપીને કાઢી મૂક્યા, જણાવ્યું કેઃ “નાદાન છોકરાઓ ! તમે વીસ કરોડની કિંમતના હીરા માણેક રત્નો વિગેરેને પાણીના મૂલ્ય કાઢી નાખ્યાઃ જાઓ એ લઈને આવો, પછી ઘરમાં પેસાશે !' બાપે આ છોકરાઓને કાઢી મુકયા. હવે એ છોકરાઓ વેડફાઈ ગયેલો વીસ કરોડનો એ ઝવેરાતનો માલ પાછો ક્યાંથી લાવે? શાસ્ત્રકાર કહે છે કે દેવનું આરાધન કરે, દેવ સંતુષ્ટ થાય તો હજી દેવતાઈ ચમત્કારથી બને પણ આ મનુષ્યભવ મળવો ઘણો જ મુશ્કેલ છે. ગયેલો મનુષ્યભવ અપાવવાની તાકાત દેવતામાં પણ નથી. આહાર, શરીર, ઇંદ્રિયો, વિષયો, વિષયોનાં સાધનો અને આબરૂ આ છ વાતમાં જો મનુષ્યભવ હારી ગયા તો કરી દેવ સહાયે પણ એ મળી શકે તેમ નથી. જો દેવતામાં એ સામર્થ્ય હોય તો એ દેવો પોતે એકેંદ્રિયમાં શું કામ જાય?