________________
૨૫૫
તા. ૧૨-૩-૩૩
શ્રી સિદ્ધચક્ર श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
સાગર સમાધાન.
સમાધાનકાર- સકલશાસ્ત્ર પારંગત સ્યાદ્વાદ સિદ્ધાંત સુધા-સાવી આગમના અખંડ અભ્યાસી
આગમોદ્ધારક આચાર્ય દેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજજી. પ્રશ્નકાર- ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્રકારાએ પૂછાયેલા પ્રશ્નો.) સંચયકાર- શ્રી ચંદ્રસાગરજી મહારાજ. પ્રશ્ન ૨૮૯- જાનું પ્રમાણ ફૂલો ચારે બાજુ હોય તે પર થઈને ભગવાન તથા સાધુ શું સમવસરણમાં
બેસતા હશે? સમાધાન- જેમ સંયમના રક્ષણ માટે વિહારમાં કે ગુરુવંદનાદિ માટે જવામાં નદી આદિ ઊતરવાનું
થાય છે તેમ સમવસરણમાં સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રની અત્યંત વૃદ્ધિ હોવાથી અને આજાનુપુષ્ય સિવાયની કોઈ જગ્યા આખી સમવસરણ ભૂમિમાં ન
હોવાથી ભગવાન જિનેશ્વરની દેશના સાંભળવા સાધુઓ બેસે તેમાં આશ્ચર્ય શું? પ્રશ્ન ૨૯૦- કેવળી ભગવંતો સમવસરણમાં પ્રભુને વંદન કરતા નથી છતાં પ્રદક્ષિણા ફરે તેનું કારણ
શું ? સમાધાન- જેમ તીર્થંકર મહારાજા ધર્મપીઠને પ્રદક્ષિણા કરીને સિંહાસન ઉપર બેસે છે તેમ કેવળી
ભગવંતો પણ માત્ર રીતિને માન આપવાને જ ભગવાન જેમાં બિરાજમાન છે તે
ધર્મપીઠને પ્રદક્ષિણા કરીને સમવસરણમાં બેસે છે. પ્રશ્ન ૨૯૧- તે કેવળી ભગવંતો શું સાંભળવા આવે છે ? સમાધાન- કેવળી ભગવંતો સમવસરણમાં કંઈ સાંભળવા આવતા નથી, કારણ કે તે ભગવંતો પણ
શ્રી જિનેશ્વર મહારાજની માફક જ્ઞાનપૂર્ણ અને અતીન્દ્રિય છે. માત્ર કલ્પ તરીકે તેઓનું
સમવસરણમાં આવવું અને બેસવું વિગેરે થાય છે. પ્રશ્ન ૨૯૨- સમોસરણની રચનાભૂમિથી કેટલેક દૂરથી સાધુઓ આવે અને તે ફરજિયાત કે
મરજિયાત ? સમાધાન- શ્રી જીનેશ્વર મહારાજના વખતમાં સામાન્ય વિહારક્રમ બાર યોજનને ગણાતો હોવાથી
સમવસરણ ભૂમિથી બાર યોજનની અંદર રહેલા સાધુઓને જો પહેલાં સમવસરણમાં ન આવ્યા હોય તો ફરજિયાત આવવાનું હોય છે ને તેમ છતાં ન આવે તો પ્રાયશ્ચિત જણાવેલ છે. પહેલાં આવેલા લોકો તો ઉમંગથી જ આવે, તેમાં પ્રાયશ્ચિતને સ્થાન ન હોય - તેમાં નવાઈ નથી.