________________
પુનિત પ્રણાલિકાથી તદ્દન અજાણ !!!
દરમાંથી દોડધામ કરી મૂકનારા ઉંદરો પાછળ પડેલ બિલાડીના ટોળાથી રક્ષણ કરનારને જુલ્મી કહેવો, ઝાડપાન અને પાણીથી નિર્વાહ કરનાર પ્રાણીઓ પર કારમી ક્રૂરતાનો કોપ વરસાવનાર કેસરીસિંહના પંજામાંથી તેમને પ્રાણીઓને) મુકાવનારને પાપી કહેવા, પૌષ્ટિક પદાર્થોને સમર્પણ કરનાર ગરીબડી ગાયો પર કારમી છૂરી ચલાવનાર કસાઈની કારમી કિલ્લેબંધી દીવાલોને જમીનદોસ્ત કરનારને જાલીમ જુલ્મગાર કહી દેવો એ જેટલું ભયંકર નથી તેથી કંઈગુણું, સંસારીઓ, સંસાર સાધન પ્રાપ્તિ માટેની દોડધામ, પ્રવૃત્તિ અને સંસાર વૃદ્ધિની સલાહોની સેંકડો સતામણીમાંથી પલાયન થનાર સંયમીઓ અગર પલાયન થવાની ઇચ્છાવાળા સંયમ અભિલાષીઓની પાછળ પડેલા કારમી કાર્યવાહી કરનાર કુટુંબ આદિના કારમા ઘેરામાંથી બચાવનાર, અખિલ વિશ્વને પરમ આશીર્વાદ રૂપ સર્વમાન્ય એવી સાધુસંસ્થાને દુગંછનીય વિશેષણોથી નવાજવી તે અત્યંત ભયાનક અને પાપવદ્ધક છે એ વિવેકીઓએ ભૂલવા જેવું નથી !
જે દેવાધિદેવનાં તમે દર્શન, વંદન, પૂજન કરો છો, જે શાસન સંરક્ષક સાધુઓની તમે સેવના કરો છો અને જે દાન, શિયળ, તપ, ભાવાદિ ધર્માનુષ્ઠાનોની પાછળ તમે તમારાં તન, મન, ધન સમર્પણ કરો છો છતાં તમે તે ત્રણ તત્ત્વો જગતમાં ક્યા મુદાથી અમ્મલિત અસ્તિત્વ ભોગવે છે તે જાણ્યું નથી; જાણો છો છતાં હૃદયમાં ધારણા કરી રાખ્યું નથી, ધારણ કર્યું છતાં અમલમાં મૂક્યું નથી અર્થાત્ એ ત્રણ તત્વને પરમાર્થથી પીછાણ્યા નથી અને નહીં પીછાણનારાઓનું ત્રણ તત્વ પર આપત્તિના વાદળ વરસાવવામાં કમીના ના રાખે તે અવસરે વિવેકીઓ શું મૌન રહી શકે? વિચારાય તો સમજાય તેમ છે કે એ એ જ દેવાધિદેવો છે કે જેમણે ધન, કણ, કંચન, કામિની, કુટુંબ, દેશ, પુરજન છોડ્યા, એ જ દેવાધિદેવ છે કે જેણે એક લાખ બાણું હજારની આંખોમાંથી શ્રાવણ અને ભાદરવો વરસાવ્યો, એ જ એ દેવાધિદેવ છે કે જેણે સિંચાણાના સપાટામાંથી પારેવાને બચાવવા શરીર સમર્પણ કર્યું, એ જ દેવાધિદેવ છે કે જેણે પોતાની માતાને હજાર વર્ષ સુધી રોવરાવીને આંધળાં કર્યા. આ બધું તપાસશો તો સમજાશે કે કોલાહોળ, રડારોળ અને સામાન્ય બીનાઓને નવાજુના વાઘા પહેરાવી વિશુદ્ધ વાતાવરણને કલંકિત કરનારાઓ બધા પ્રભુ માર્ગની પૂનિત પ્રણાલિકાથી તદન અજાણ છે.
ચંદ્રસાળ