________________
સબલ શત્રુના સપાટામાં
ચાર ગતિરૂપ સંસારમાં મુશ્કેલીથી મળેલ માનવજીવનની આજે આ આત્માએ કિંમત આંકી નથી અને તેથી મનુષ્ય જન્મમાં કરવા લાયક કંઈ કીંમતી કાર્યો રહી ગયા છે ! અને નહીં કરવા લાયક કાર્યો (અકાર્યો) જોરશોરથી થઈ ગયાં છે. વસ્તુતઃ આજે આવશ્યક કર્તવ્યો પ્રત્યે જેટલા બેદરકાર છીએ તેથી વધુ આજે અનાવશ્યક કર્તવ્યો પ્રત્યે વધુ ઉદ્યમી બન્યા છીએ.
આવશ્યક અને અનાવશ્યક કાર્યોનો વિવેક કરીએ છીએ ત્યારે આત્માને માલુમ પડે છે કે આજદીન સુધી વાસ્તવિક ઉદ્યમ આવશ્યક કર્તવ્ય માટે થયો જ નથી બલ્ક અનાવશ્યક કાર્યના અંધારકૂપમાં આત્મા અંધ બની અટવાયા કરે છે.
કારણ અનાવશ્યક કર્તવ્યોમાં અંધ બનીને આજે જે કાર્યવાહી ધમધોકાર શરૂ થઈ રહી છે તેનું મુખ્ય કારણ જન્મતાં જ આ જીવે નાશવંત પદાર્થોની પ્રાપ્તિનું શિક્ષણ, તે મળેલ પદાર્થોનું સંરક્ષણ કરવાનું શિક્ષણ, નાશ થાય તો બળાપો કરવાનું શિક્ષણ, અને આવે તો હર્ષથી ઉભરાઈ જવાનું શિક્ષણ જે મેળવેલું છે તે જ છે, અર્થાત્ જન્મતાં આદ્યાપિ પર્યત જોયું, જાણ્યું, સાંભળ્યું અને અનુભવ્યું એ સાદું શિક્ષણ પણ પરિણામે ભયંકર છે. એ ભયંકર ટેવથી ટેવાઈ ગેયલાને આવશ્યક કર્તવ્ય પ્રત્યેની પિછાણ સરખી પણ થઈ નથી.
દોસ્ત થઈ દુશમનની ગરજ સારનાર કર્મની કોડો ઉપાસનામાં આજે આત્મા ચૈતન્યવંત છતાં અધમ કાર્યવાહીથી જડ બન્યો છે અને તેથી ભૂખના દુઃખને શાંત કરનાર ભોજન તે સુખ, દારિદ્રને દૂર કરનાર પૈસા પેદા કરવા તે સુખ, વંધ્યત્વથી દીન બનેલાને પુત્ર પ્રાપ્તિ થવી તે સુખ, આવા અનેક કાલ્પનિક સળગતા સુખોમાં આ આત્માનું આત્મતત્ત્વ આવિર્ભાવ પામવાને બદલે રોકાઈ રહેલ છે, બલ્લે આત્માને વાસ્તવિક સુખનું હજી સુધી સ્વપ્ન પણ આવ્યું નથી. સાચા સુખને રોકનાર જો કોઈપણ હોય તો તે કર્મની કઠિનતા છે, અને તેથી વસ્તુતઃ કર્મ સિવાય જગતભરમાં શત્રુ પણ નથી અને એ સબલ શત્રુના સપાટામાંથી સદંતર છટકવા માટે આવશ્યકાદિ અનેકવિધ અનુષ્ઠાનોની આરાધના કલ્યાણાકાંક્ષી આત્માઓ માટે આ પ્રભુ શાસનમાં આશીર્વાદરૂપ છે.
ચંદ્રસા.