________________
૧૫૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૧-૩૩ બાવળીયા વાવતાં વિચાર ન કરે અને કાંટાથી કંપે તેને મૂર્ખશિરોમણી ન કહીએ તો બીજું શું કહેવાય? જન્મ એ બાવળીયાનું વાવવું છે, અને મરણ એ કાંટા છે. જન્મરૂપી બાવળીયા તો વાગ્યે જ જવા અને મરણ રૂપી કાંટાથી ડરવું એ મુર્બાઇની પરકાષ્ઠા છે. અનાદિકાલથી આ જીવ રખડે છે તેનું કારણ એ જ છે કે તે મરણથી ડરે છે પણ જન્મથી ડરતા નથી. અદ્યાપિપર્યત તે જન્મથી ડર્યો જ નથી. મરણથી ડરનારો માર્ગ ભૂલેલો છે જ, જ્યારે જન્મથી ડરનારો માર્ગપર આવેલો છે. ઓચ્છવ મરણ.
. શાસ્ત્રકારે ઓચ્છવ-મરણ તથા શોક-મરણ એમ મરણને બે પ્રકારનાં કહ્યાં, પણ જન્મ બે પ્રકારનાં ક્યાં નથી. એક કોટિધ્વજને પોતાની કલકત્તાની મોટી પેઢીનો કબજો લેવાના મુંબઈમાં સમાચાર મળે તો તે પાઘડી તોરા પહેરીને, તિલક કરીને, નાળિયેર લઈ હર્ષભેર કલકત્તે જવા નીકળે પણ કાળાં કામોના (ગુનાના) બદલામાં કોર્ટના હુકમની રૂઇએ કારાગારમાં જવા માટે આવેલ વોરંટ મારફત કલકત્તે જવું પડે તો તે માણસ અહીંની પેઢી પરથી કઈ રીતે ઊતરે ? હાંજા ગગડી જાય, ગાત્રો ઢીલાં થાય, વસ્ત્રો અવ્યવસ્થિત થાય, અને સાનભાન પણ ભૂલી જવાય ! તેવી જ રીતે મરણના પણ બે પ્રકાર છે, પોતાના કરેલ સત્કૃત્યોના બદલામાં મળનાર સગતિ માટેનું મરણ તે ઓચ્છવ મરણ છે જ્યારે કલુષિત જીવનથી થયેલ પરિણામ દુર્ગતિમાં ધકેલનાર છે, બલ્લે તે માણસનું મરણ તે શોક મરણ છે; શાસ્ત્રકારો જન્મની વિધિ બતાવી નથી પણ મરણ સુધારવાની વિધિ બતાવી છે. દુષ્કૃત્યની નિંદા, સુકૃત્યોની અનુમોદના, અઢાર પાપસ્થાનકોની આલોચના, અનશન, તથા ચાર શરણનું અંગીકરણ એ રીતે મરણ સુધારવાની વિધિ બતાવી છે. વિશુદ્ધ જીવનવાળાને મરણ પણ મહોત્સવ રૂપ છે. શ્રદ્ધાવાળા (સમકિતી), શ્રદ્ધાપૂર્વક નિર્વાહ પૂરતા પાપ બાદ કરી બાકીના પાપને તજનાર (દેશવિરતિ) તથા શ્રદ્ધાપૂર્વક નિર્વાહ થાઓ કે ન થાઓ પણ પાપ માત્રને તજનાર સર્વ વિરતિ, આ પુણ્યાત્માઓ મરણને ઉત્સવરૂપ માની શકે છે કેમકે સમકિતી દેશવિરતિ, તથા સર્વવિરતિ પોતાને માટે દેવલોકાદિ નિશ્ચિત જોઈ શકે છે. જ્યાં કાચ છોડી કનકને મેળવવાનું હોય ત્યાં દિલગીરી કોને થાય? કોઈને જ નહીં ! હાડકાનું હાડપિંજર, વિષ્ટાની ગુણ, મૂત્રની કોથળી રૂપ આ
ઔદારિક શરીર છોડી દિવ્ય શરીર, ઋદ્ધિ, સમૃદ્ધિ મેળવી આપનાર મરણને શોક મરણ કોણ માને? કોઈ જ નહીં ! એ ઉત્સવ મરણ જ મનાય ! આ જ વાત સિધ્ધાંતાનુસાર વિચારીએ ! સમક્તિી, દેશવિરતિ તથા સર્વવિરતિ જીવ વૈમાનિક વિના બીજે જતો નથી. પહેલાં આયુષ્ય બાંધ્યું હોય તે વાત જુદી છે. હવે વૈમાનિકમાં જનારની ભાવના મરતી વખતે કેવી હોય ? જેની શુભ લેશ્યા હોય તે જ ત્યાં જઈ શકે પણ મરતાંયે, બરફ, બાટલો, ડૉકટર વિગેરેની બૂમરાણ કરનારને વૈમાનિક વિમાન રેટું નથી પડ્યું કે તરત મળી જાય ! મરણ સુધારવાની વિધિ આટલા માટે જ છે ! સમકિતી, દેશવિરતિ તથા સર્વવિરતિ મરણ વખતે પણ ચાર શરણને જ અંગીકાર કરે છે, મરણથી ડરતો નથી પુણ્યાત્મા માટે મરણ ઉત્સવ રૂપ છે, એને તો ચઢિયાતા સ્થાને જવાનું હોવાથી પાઘડી તોરા પહેરીને તિલક કરીને, શ્રીફળ લઇને હર્ષભેર જવાનું છે.