________________
(અર્થીપણાનો આદર્શ
બને આંખોમાં શ્રાવણ ભાદરવો દેખાય એવો રોગી રોગથી રાંક બનીને, રોગ નિવારવા માટે ઔષધાલય તરફ, ઔષધાલયના ટાઇમ સિવાય પણ આંખો મીંચી દોડધામ કરી મૂકે છે, સુધાથી પીડાતાઓ, ઘંટના ટકોરા વગર અગર રીસામણા મનામણાં કે બોલાવ્યા વગર હરદમ રસોડે દોડયા જતાં દેખાય છે, તૃષાથી ત્રાહ્ય ત્રાહ્ય પોકારનારાઓ જળાશયો તરફ કાયમ કૂચ કરતા દેખાય છે, ન્યાયની નિરંતર ઝંખના કરનારાઓ ન્યાયાધીશના આવ્યા પહેલાં ન્યાયમંદિરો તરફ નીચી નજરે નિર્ગમન કરે છે, વિદ્યાના વલખાં મારનાર વિદ્યાર્થીઓ વિશ્વમાં વિખ્યાત થવા માટે વિદ્યાલય તરફ વિના સંકોચે ઘંટ વાગ્યા પહેલાં હાજરી આપે છે, લાભાંતરાયમાં લેવાઈ ગયેલા લક્ષ્મીના લાલચુઓ લાંબા કાળ સુધી લક્ષ્મી પ્રાપ્તિ માટે બજાર ઊઘડ્યા પહેલાં દોડધામ કરી મૂકે છે, મુસાફરીની વાસ્તવિક કિંમત સમજનાર મુસાફરો ગાડીના ટાઇમ પહેલાં સ્ટેશન પર હાજર થાય છે, તથા પૈસા ખરચી પાપને આમંત્રણ કરનારા ભૂખ અને ઉજાગરો વેઠી નાટક સિનેમાં વિગેરેમાં અવનવું જુએ છે. એટલે કે સુધિતોને સુધા નિવારણ કરવામાં, તૃષાર્થોને તૃષા નિવારવામાં, ન્યાયના પિપાસુઓને ન્યાય મેળવવામાં, વિદ્યાર્થીઓને વિદ્યા સંપાદન કરવામાં, લક્ષ્મીના લાલચુઓને યેન કેન પ્રકારેણ લક્ષ્મી પ્રાપ્ત કરવામાં, મુસાફરોને નિર્વિઘ્નપણે મુસાફરી કરવામાં, પાપ આમંત્રણ કરનારામાં અર્થપણાનું અનેરું પૂર અજબ રીતે ઓતપ્રોત આવિર્ભાવ પામેલું હોય છે !! નાશવંત પદાર્થોની પ્રાપ્તિ માટે તેવા પદાર્થોનું અર્થપણું અખિલ વિશ્વના વિહલ આત્માઓએ અંગીકૃત કર્યું છે પણ અવિનાશી, અવિચલ અને વિશુદ્ધ આનંદાદિ અનેક ગુણોથી વિભૂષિત પદાર્થોની પ્રાપ્તિ માટેનું અર્થીપણું કે જેમાં આત્માનું સાચું સુખ રહેલું છે તે અર્થીપણું હજી સુધી આ આત્માને જાણ્યું નથી !!!
જે પદાર્થ જન્મતાં સાથે લાવ્યા નથી, મરતાં સાથે લઈ જવાની નતી અને જન્મ મરણ દરમ્યાન-વચલી જિંદગીમાં પણ તે પદાર્થો રહેશે કે નહીં તેનો ભરોસો પણ નથી છતાં તેના અર્થીપણાની સફળતા માટે રાત્રિદિવસ એક સરખો ઉદ્યમ, અને જે વસ્તુ જન્મતા સાથે આવે (લવાય), મરતાં સાથે આવે (લઈ જવાય), અને તે રહે તો જ બધું ટકે એવો અચળ નિયમ હોવા છતાં તેના (ધર્મના) સંરક્ષણાદિ માટે અર્થીપણું છે કે નહીં તે વિચારવા ક્ષણમાત્રની ફુરસદ જ નથી !!
એવા આત્માર્થીપણાની હયાતિ માટે જ્યાં વિચારને સ્થાન નથી ત્યાં પછી અર્થીપણાનો અમોઘ વારસો મેળવવા કટિબદ્ધ થવું, કટિબદ્ધ થયા પછી તદનુસાર પ્રવૃત્તિ રાખવી, તેવી પ્રવૃત્તિ કરતાં આડે આવતાં વિદ્ધનાં વિષમ વાદળોને વિખરેવા, સમગ્ર વાદળદળ વિખેરીને સિદ્ધિ કરવા લાયક પદાર્થ સિદ્ધ કરવો અને તે સિદ્ધિ કર્યા બાદ જગતનું દારિદ્ર ટાળવા માટે વિનિયોગ કરવા માટે તે સર્વને આપવા પ્રયત્ન કરવો, આ બધાની તો વાત જ શી !!!
(અનુસંધાન ટાઇટલ પેજ ત્રીજા ઉપર).