________________
૧૩૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૨-૩૨ સાધન, આર્થિક સંપત્તિ, કુટુંબ પરિવાર તથા રિદ્ધિસમૃદ્ધિ ઇચ્છનારા માટે કર્મભૂમિ આ નથી, પણ દેવકુટું ઉત્તરકરુ છે, જ્યાં દેવલોકની વાનગી છે. અહીં તો મત્સ્યગળાગળ ન્યાય છે. એક મનુષ્ય બીજા મનુષ્યનું ખૂન કરે તો સરકાર એને ફાંસી ચઢાવે, પણ સરકાર એવા હથિયાર કરાવે છે કે એક હથિયારે હજારોના પ્રાણ જાય. હજારો ખૂન કરવાની પોતે કોશિશ કરે તેને અંગે કંઈ જ નહીં! ધણીનો કોઈ ધણી ? એક ખૂન માટે ફાંસી દેનારી સરકાર આ રીતિએ કેટલી લાયક છે ? વોર પ્રોમીસરી લોન શાને માટેની ?
જ્યાં કર્મભૂમિ હોય ત્યાં મત્સ્યગળાગળ ન્યાય હોય. ખેડૂતના ઉપર તલાટી, તેના ઉપર ફોજદાર, આગળ વધો કલેકટર, ગવર્નર, વાઈસરોય, કેવી લૂટાલૂટ ! આટલું છતાં ક્ષેત્રની ઉત્તમતા શાથી? કર્મ કરવા માટે કર્મ ભૂમિના ઉત્તમતા નથી ! પણ મોક્ષ માર્ગ પ્રવર્તે તેથી ! તીર્થ જીવતાનું છે અર્થાત્ વિદ્યમાન મુનિવરોથી જ વિભૂષિત છે
પ્રશ્ન- કાળધર્મ પામેલા સુવિહિત સાધુ ને સાધુ તરીકે માને તો કેમ?
જવાબ- ઉતારાથી સાધુ લેવાતા નથી, સાધુને સર્વ સ્થળે ઉતારા મળી શકે છે. ઉતારા ન મળે તેની દરકાર સાધુને હોતી નથી. પણ અહીં સર્વ કર્મભૂમિ (પાંચે ભરત, પાંચે ઐરાવત, પાંચે મહાવિદેહ એ પન્નર કર્મભૂમિ)ના સાધુને નમસ્કાર છે. અમુક જ સાધુ, અમુક જ ગચ્છ, અમુક જે સમુદાય તે નમો નો સવ્વસાહૂ વાળાને નથી, પણ અરિહંતના ઉપદેશ પ્રમાણે વર્તવાવાળા જરૂર જોઈએ, અર્થાત્ તથાવિધ ગુણવાળા જરૂર જોઈએ. અરિહંતના માર્ગની પ્રરૂપણા તથા શ્રદ્ધા તો એમાં જરૂર જોઈશે. તેમાં વ્યક્તિગત થવું પાલવે નહીં. ચાહે તે જગા પર હોય, પણ સાધુપણાવાળા હોય તે બધાને નમસ્કાર કરવાના છે. સાધુ કયા મનાય ? વિચરતા અર્થાત્ વિદ્યમાન હોય છે. કોઈ કહે કે-તો માત્ર હેમચંદ્રને સાધુ માનું છું. તે કાલના સાધુને માનું છું અને નમો નો સવ્વસાહૂ બોલું છું તે ન ચાલે. અહીં જીવતાનું તીર્થ છે. મરેલાની કિંમતને નામે તમે વધવા માગો તો તે અહીં નથી. અહિં “વિહરત્તે’ એટલે વિચારતા સાધુ લેવાના છે. ત્યારે તો ઘણા ગોરજી, પાસત્થા, ઉસૂત્રીયા હોય તે શું ગણી લેવા ? ના ! સર્વકર્મભૂમિના વિચરતા પણ પંચમહાવ્રત વિગેરે ગુણોએ કરીને સહિત હોય છે. પોતાના મનમાનીતા ગુણો નહીં. કેવળજ્ઞાન પામ્યા એટલા સાધુ, બીજા સાધુ નહીં એમ નહીં. પંચમહાવ્રતનું તથા અષ્ટ પ્રવચન માતાનું પાલન એ ગુણો સાધુમાં જરૂર હોવા જોઈએ. પૂર્વ વગેરેનું જ્ઞાન હોવું જોઈએ એમ નથી. જો જ્ઞાનવાળોજ સાધુ એમ માનશો તો તમારા મતે એકલા ગીતાર્થનું સંયમ રહેશે. નિશ્રાવાળાનું સંયમ રહેશે નહીં, જ્યારે પરમ ઉપકારી શાસ્ત્રકાર મહર્ષિ તો સંયમ બે પ્રકારે ફરમાવે છે; (૧) ગીતાર્થનું સંયમ (૨) ગીતાર્થની નિશ્રામાં રહેનારનું સંયમ.
અતિમુક્ત મુનિ તો સર્વમાન્ય છે ને ! એ કેવા હતા? માટી પૃથ્વીકાય છે, પાણી અપકાય છે એની પણ એમને ધારણા રહી નહોતી. માટીની એમણે પાળ બાંધી, તેમાં કાચું પાણી એકઠું ક્યું અને નાવડી તરીકે તેમાં પાત્રાને તરાવ્યું. કહો કે આને તે વખતે સાધુ ગણ્યો કે અસાધુ? અરે ! જ્યારે સ્થવિરો તેમના સંબંધમાં કાંઈ કહેવા લાગ્યા ત્યારે ઉલટું ભગવાને કહ્યું કે-અગ્લાનીએ એને ગ્રહણ કરો. જાણપણાના અભાવથી સાધુપણાનો અભાવ છે એ ક્યાંથી લાવ્યા ? તમારા હિસાબે તો જે કાયદા ન જાણે તે ધનવાળા ન ગણાય એમને ?