________________
અલૌકિક દર્શન.
મિથ્યાત્વના મહાન અંધકારમાં મુંઝાયેલાઓ, અવિરતિના ઊંડા અંધારકૂપમાં આંખો મીંચીને આંટા મારનારાઓ, કષાયરૂપ કીચડના કોહવાટથી કાયર કાયર થયેલાઓ, તથા શ્રી સર્વજ્ઞકથનથી વિરુદ્ધ મન, વચન, કાયાની પ્રવૃત્તિમાં દોડધામ કરનારાઓ ચાર ગતિરૂપ ભયંકર સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે ! અર્થાત્ વર્તમાનમાં રખડે છે ભૂતકાળમાં રખડ્યા, અને ભવિષ્યમાં રખડશે એ નિસંશય વાત છે. આવી રખડપટ્ટીમાંથી બચવા માટે એટલે કે આત્માના ઉદ્ધારાર્થે સમ્યકત્વનું સેવન, વિરતિનું વહાલપૂર્વક આલિંગન, નિષ્કષાય રૂપ નિર્મલ નીરમાં નિમજ્જન અને યોગનું સ્થિરીકરણ કરવા માટે સમર્થ એવા મોંઘામાં મોંઘા માનવજીવનની પ્રાપ્તિ થઈ છે, અર્થાત આ સિવાય માનવજીવનની સફળતા નથી અને આ આત્માનો ઉદ્ધાર પણ નથી જ !!!
જગતમાં એવું કોઈ રાજ્ય નથી, એવો કોઈ રાજા નથી, એવા કોઈ અધિકારી નથી અથવા એવા કોઈ કાયદા નથી કે જે પ્રજા પર અંકુશ રાખવા માટે પ્રજાનાં વસ્તીના પ્રમાણ કરતાં વધુ લશ્કર રાખી શકે. છતાં અનાદિ અનંત કાલથી એક જ રાજ્ય એવું છે, અને એ એક જ રાજા એવો છે કે જેણે તેના અજબ અધિકારીઓ અને આશ્ચર્યજનક કાયદા, કાનૂન તથા ઓર્ડીનન્સો દ્વારા, અસંખ્યાત પ્રદેશી એવો એક આત્મા પોતાના પંજામાંથી ન છટકે તે માટે તેના એકેએક પ્રદેશ પર અનંતી અવંતી વર્ગણારૂપ લશ્કર ગોઠવેલું છે. આ લશ્કર દરેકે દરેક આત્માના અસંખ્યાત પ્રદેશ પૈકી એકેએક પ્રદેશ પર ગોઠવાયેલું છે !!!
પથ્થર તળે હાથ આવ્યા બાદ જોર કરવાથી તો હાથના ટુકડા થાય પણ જો યુક્તિ (કળ) અજમાવવામાં આવે તો હાથ સહીસલામત નીકળી શકે છે. તેમ અનાદિ અનંતકાળથી, દરેક આત્માની અનંતને અવ્યાબાધ જ્ઞાનાદિ લક્ષ્મી ઉચાપત કરનાર કર્મ રાજ્યના લશ્કર સામે કળથી કામ લેવાની ખાસ આવશ્યકતા છે. આ કર્મશાસન (કર્મ રાજ્ય) મોહરાજાના મહિમાને આભારી છે અને તેથી જ પ્રથમ મોહરાજાના લશ્કરને હણવાની ખાસ જરૂર છે, અને એ જ હેતુ માટે શ્રી સર્વજ્ઞ કથિત કોઈપણ ક્રિયા કન્દ્રિયથી શ્રવણ કરો, મનથી વિચારો, વચનથી બોલો, કાયાથી આચરો, દ્રવ્યનો તેમાં સદુપયોગ કરો અર્થાત્ દ્રવ્ય ક્રિયામાત્રથી ઓગણોતેર ક્રોડાકોડ જેટલી લશ્કરની સ્થિતિ હતાશ થાય છે !!!
જઘન્યથી નમસ્કાર મંત્રના એક અક્ષરનો ઉચ્ચાર કરનાર પાપીમાં પાપી મનુષ્ય અગર અભવ્ય પણ આ ઓગણેતર ક્રોડાક્રોડ જેટલી લશ્કરની સ્થિતિને હઠાવે છે. બાકી રહેલ એક ક્રોડાકોડ જેટલી લશ્કરની સ્થિતિમાંથી કેટલીક જાતને ભવ્યાત્માઓ સંસાર-ઉદ્વિગ્નતારૂપ પ્રબળ પરિણામના જોરે અપૂર્વતા-અનિયવૃત્તિતારૂપ શસ્ત્રથી હતાશ કરે છે, અને તે જ ક્ષણે તે (ભવ્યાત્મા) અભૂતપૂર્વ સંવેગની સમરાંગણ ભૂમિનું અલૌકિક દર્શન કરે છે !!!!!
- ચંદ્રસા.