________________
222
રમેશ ઓઝા
SAMBODHI
શ્રી પરીખ ઇ.સ.૧૯૧૬માં પૂનામાં મુનિશ્રી પાસે હેમચંદ્રનું પ્રાકૃત વ્યાકરણ ભણ્યા હતા. મુનિશ્રીની સરળતા, ઉદારતા, તેજસ્વીતા, વિદ્વત્તા તેમજ સંશોધનદષ્ટિથી આકર્ષાયા હતા. આ પુરાતત્ત્વમંદિરમાં શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનભંડારને આમેજ કર્યો હતો. સંસ્કૃત, પ્રાકૃત, પાલિ ભાષાના સાહિત્યગ્રંથો તેમજ અંગ્રેજી, જર્મન, ફ્રેન્ચ, હિન્દી, બંગાળી, ગુજરાતી સંશોધન વિષયક પુસ્તકો તેમ જ જર્નલોનો અમૂલ્ય ખજાનો અહીં હતો.
જ્ઞાન અને સંશોધનક્ષેત્રે, મુનિજીને કંઈક નવું કરવાની અદમ્ય ઝંખના રહેતી હતી. આ ઝંખના જ એમને ઉત્તમ ગ્રંથોનું વાચન-મનન-ચિંતન-સંપાદન કરાવવામાં પ્રેરકબળ બની રહી. ગૃહત્યાગ કરીને, સાધુજીવન અંગીકાર કર્યાને વીસ વરસ થઈ ગયાં હતાં. શુષ્ક સાધુજીવન છોડી, ગાંધીજી સાથે સક્રિય રાષ્ટ્રસેવક થયા. ગૃહત્યાગ વખતે માને છોડીને આવેલા. એક રાતે ગુજરાતી ભાષામાં રચાયેલો જૈનરાસ વાંચતા હતા. એમાં એક પ્રસંગ હતો. માતાના પુત્રવિયોગના વિલાપનું એમાં વર્ણન હતું. વાંચ્યું. હૃદયમાં તીવ્ર વેદના જાગી. “માનાં દર્શન કયારે કરું ? મા હશે ? ક્યાં હશે ?” પુસ્તક બાજુમાં મૂકી દીધું. પોતે સાક્ષાત રૂદનમાં ડૂબી ગયા. હૃદયની વિહ્વળતા માટે શબ્દો નહોતા. રાત્રે ઊંઘ ન આવી. બીજે જ દિવસે વિ. સં. ૧૯૭૮ (ઇ.સ. ૨૦૨૨) મહા વદ નોમને સોમવારે કોઈને કંઈ પણ કહ્યા વિના એકલા બપોરે અમદાવાદ સ્ટેશનેથી ઉપડતી અઢી વાગ્યાની અજમેર જતી ગાડીમાં બેસી ગયા. હૃદયમાં વિસ્મૃત જનની અને જન્મભૂમિના દર્શનની ઉક્ટ તાલાવેલી હતી. બીજે દિવસે સવારે અજમેર સ્ટેશન ઉપર ઉતર્યા. ચિતોડ-ખંડવા લાઈનની ગાડીમાં બેસી એમની જન્મભૂમિ રૂપાયેલી જવા આગળ વધ્યા.
ખાદીનો લાંબો ભગવો ઝભ્યો ને ખાદીનું ધોતિયું પહેર્યા હતાં. માથું ખુલ્યું હતું. હાથમાં નેતરની મોટી સોટી હતી. શણનો મોટો થેલો ખભે લટકાવેલો હતો. એમાં પાથરવા માટેની શેતરંજી, ઓઢવાનો કામળો અને લોટો-પ્યાલો રાખ્યાં હતાં. અનેક વિચારો આવતા ગયા. વીસ વરસે ગામમાં કોઈ પરિચિત હશે? કોને મળું? મા હશે કે નહીં? હશે તો કયાં હશે? કોની પાસે ? વિચારોના ચકરાવામાં પોતે ખૂંપવા લાગ્યા.
એ વખતે રૂપાયેલીમાં ઠાકુર શ્રી ચતુરસિંહજી હતા. તેઓ વિદ્વાન અને વિદ્યાપ્રેમી હતા. પંડિત ગૌરીશંકર ઓઝાએ મુનિજીની કૃતિઓનો ચતુરસિંહજીને પરિચય કરાવેલો એવી મુનિજીને ખબર હતી. જો કે મુનિજી ક્યારેય ચતુરસિંહજીને પ્રત્યક્ષ મળ્યા નહોતા. એમને મળવું કે માતાની શોધ કરવી? જે ઘર છોડ્યું હતું તે હશે કે નહીં? મનમાં વિચારોની ભીડ હતી, રૂપાવેલી સ્ટેશન સૂમસામ હતું. સ્ટેશન માસ્તરે ટિકિટ માગી. આપી. અજાણ્યા મુસાફરને તે ટીકી ટીકીને જોવા લાગ્યો. એણે પણ પૂછતાછ કરી. મુનિજીએ નમ્રતાથી ઉત્તર આપ્યો. રૂપાયેલી સ્ટેશનથી ગામ અઢી-ત્રણ માઈલ દૂર હતું. ચાલતાં ચાલતાં પોતાના હોઠ પર હાથ ગયો – એક મેદાન આવ્યું. ગિલ્લી-દંડો રમતાં જમણાં હોઠ પર ગિલ્લી વાગેલી. લોહી આવેલું. યતિ દેવહંસજીએ દવા લગાડેલી. સઘળું સ્મૃતિપટ ઉપર તરવરી રહ્યું.
ગામમાં પ્રવેશ કર્યો. ગામની વચ્ચે નાની બજાર આવી. ત્યાં ચારભૂજાજીના વૈષ્ણવ મંદિરના દરવાજા પાસે ચબૂતરા પર થેલો મૂકીને મુનિજી બેઠા. ત્યાં એક પૂજારી જેવો લાગતો બ્રાહ્મણ બેઠો હતો.