________________
194
ગ્રંથ સમીક્ષા
SAMBODHI રાજનૈતિક પરિપ્રેક્ષ્ય-ગ્રંથકાર અને ગ્રંથ (પૃ. ૧-૬૦) એ પહેલાં વ્યાખ્યાનનો વિષય છે; બીજું વ્યાખ્યાન “વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય' (પૃ. ૬૧-૧૩૬) વિશે છે. આ ગ્રંથનું સહુથી વિસ્તૃત પ્રકરણ એ “જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિકતા' એ વિષય અંગેના વ્યાખ્યાનને સમાવી લે છે (પૃ.૧૩૭૩પ૬).
પહેલાં અહીં ઉપર્યુક્ત ત્રણ પ્રકરણોનો પરિચય આપ્યો છે. આ ટૂંકી નોંધમાં દેસાઈના ગ્રંથની સમૃદ્ધ વિચારસામગ્રીની રજૂઆતને પૂરો ન્યાય મળશે તેવું નથી. આ ગ્રંથની કેટલીક સામગ્રી પ્રત્યે પ્રતિભાવરૂપે વધુ સમીક્ષા માંગી લે તેવા ત્રણ જ મુદાઓનો અહી ઉલ્લેખ કર્યો છે.
૧. આન્વીક્ષિકી. ૨. ગુણકર્મવિભાગ આશ્રિત વર્ણવ્યવસ્થા ૩. કૌટિલીય અને પાશ્ચાત્ય ચિન્તકોના વિચારતરત્નોની તુલના અંગેના કેટલાક પ્રશ્નો.
ત્રણ વ્યાખ્યાનોનો પરિચય પ્રથમ વ્યાખ્યાનમાં મુખ્યત્વે લેખકે કૌટિલીય અંગેના ઉપલબ્ધ તથ્યોને આધારે કૌટિલીયનો પ્રતિભા પરિચય કરાવ્યો છે. દેસાઈએ તે ગ્રંથની રજૂઆતશૈલી અને ભાષાશૈલી અંગે કેટલીક સ્પષ્ટતા કરી છે. તેમણે “અર્થશાસ્ત્ર' એ ગ્રંથના સંપાદનો અને અનુવાદોની માહિતી આપી છે. કપટજાળ પ્રધાન લાગતી રાજનીતિનો પક્ષ લેતા હોવાથી તેમને “કૌટિલીય' તરીકે ઓળખવામાં આવતા હતા તેવી વાયકાને દેસાઈ અસમર્થિત ગણે છે, રાજનીતિ કે અમાત્યકર્મ એ તેમનો પસંદ કરેલો કાયમી વ્યવસાય ન હતો. તે તો લોકસંગ્રહને અર્થે જ અંગીકારાયેલું નૈમિત્તિક કર્મ હતું. કૌટિલીયમાં સ્થિર વેદનિષ્ઠા હતી.
ધર્મ અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થોમાંથી અર્થવિષયક પુરુષાર્થ અંગેનું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ૧. ઈન્દ્રિય જેની પાસે પહોંચે તે વસ્તુ = અર્થ ૨. જીવનનિર્વાહ માટેની વસ્તુઓ એટલે અર્થ. ૩. અર્થ એટલે જીવનનિર્વાહ માટેની વસ્તુઓના ફળરૂપ ગુજરાનક્રિયા પોતે. ૪. મનુષ્યવતી ભૂમિ = અર્થ. તેવી ભૂમિ ઉપર જ ગુજરાન ચલાવવા માટેની વસ્તુઓનું
ઉત્પાદન થાય છે. તેથી જ, મનુષ્યની વસ્તીવાળા ભૂમિના લાભના, ભોગવટાના કે અધિકારના અને તેના પાલનપોષણના ઉપાયરૂપ શાસ્ત્રને “અર્થશાસ્ત્ર' કહેવાય છે; અર્થશાસ્ત્રનું મૂળ નામ દંડનીતિ હતું. આ ગ્રંથમાં ૧૫ અધિકરણો, ૧૫૦ અધ્યાયો અને ૧૮૦ પ્રકરણો છે. ગદ્યપદ્ય મળીને ગ્રંથનો વિસ્તાર ૬૦૦૦ શ્લોકપરિમાણનો છે. અહીં કેવળ વસ્તુના ઉત્પાદનની કે વિતરણની ચર્ચા નથી, પણ રાજયશાસન લોકહિતમાં પ્રવર્તે તે માટે જે કંઈ શાસનવ્યવસ્થાઓ કરવી જરૂરી છે તે બધી વ્યવસ્થાઓની ચર્ચા થઈ છે.