________________
કાશ્યપ : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકાર
નીલાંજના શાહ
પાણિનીય ધાતુપાઠ એ પાણિનીય વ્યાકરણશાસ્ત્રનું એક મહત્ત્વનું અંગ છે. લગભગ ૧૯૫૦ જેટલા ધાતુઓના સ્વરૂપ અને અર્થ વગેરે દર્શાવતા આ ધાતુપાઠ પર પ્રાચીન કાળથી અનેક વ્યાખ્યાઓ લખાતી આવી છે, પણ હાલ આ ધાતુપાઠ પર ક્ષીરસ્વામી રચિત “ક્ષીરતરંગિણી' (ઈ. સ. ની અગિયારમી સદી), મૈત્રેયરક્ષિતે લખેલ “ધાતુપ્રદીપ' (ઈ. સ. ની બારમી સદી), દેવકૃત “દેવ' પરની લીલાશુકરચિત પુરુષકાર ટીકા (ઈ. સ. ની તેરમી સદી) અને સાયણરચિત “માધવીયા ધાતુવૃત્તિ” (ઈ. સ. ની ચૌદમી સદી)-આ ચાર પ્રાચીન વ્યાખ્યાઓ પ્રકાશિત સ્વરૂપે ઉપલબ્ધ થાય છે.
ઉપર્યુક્ત વ્યાખ્યાઓમાં, વેદગ્રંથોના પ્રસિદ્ધ ભાષ્યકાર સાયણે રચેલી “માધવીયા ધાતુવૃત્તિ' (મા. ધા. વૃ.) ખાસ નોંધપાત્ર છે, કારણકે પૂર્વવર્તી વ્યાખ્યાકારો કરતાં, તેમણે બધા જ ધાતુસૂત્રોનું વધારે વિસ્તારપૂર્વક અને સર્વાગીણ વિવેચન કર્યું છે. તે ઉપરાંત પોતાના પૂર્વવર્તી અનેક અપ્રસિદ્ધ વૈયાકરણોના મત, તે તે ધાતુસૂત્રોના સંદર્ભમાં તેમના નામ સાથે ટાંક્યા છે અને જરૂર લાગી ત્યાં તે અંગે પોતાનો અભિપ્રાય પણ આપ્યો છે. આવા અપ્રસિદ્ધ વ્યાખ્યાકારો, જેવા કે આત્રેય, કાશ્યપ, સમ્મતાકાર, શિવસ્વામી, કૌશિક, ધનપાલ, સુધાકર વગેરેના જે મત સાયણે ટાંક્યા છે, તેમાં આત્રેય અને કાશ્યપના, બધા કરતાં ઘણી વધારે મત મળે છે. આ લેખમાં “મા.ધા.વૃ.” માં મળતા કાશ્યપના મતોનો નિર્દેશ અને તેમની ચર્ચા કરવામાં આવી છે.
નોંધવું ઘટે કે પાણિનિએ અષ્ટાધ્યાયીના તૃષિકૃશિશે : વાસ્થસ્થ ! (૧.૨.૨૫) સૂત્રમાં કાશ્યપ નામના કોઈ પૂર્વાચાર્યનો આદરપૂર્વક ઉલ્લેખ કર્યો છે પણ પાણિનિ પૂર્વે થઈ ગયેલા એ કાશ્યપ નામના આચાર્ય અને પાણિનીય ધાતુપાઠની વ્યાખ્યાના કર્તા આ કાશ્યપ બંને જુદા હશે એમ લાગે છે. પાણિનીય ધાતુપાઠ પરના “ક્ષી.ત. તેમજ ધા.પ્ર.” વગેરેમાં કાશ્યપના કોઈ મતનો ઉલ્લેખ નથી. તેમજ યુધિષ્ઠિર મીમાંસકે હિંદીમાં લખેલા “સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રના ઇતિહાસ' (ભા.૨, પ્ર.૧૧૪)માં પણ પાણિનીય ધાતુપાઠના વ્યાખ્યાતા તરીકે કાશ્યપનું માત્ર નામ જ મળે છે. આમ આ પ્રખર વૈયાકરણ વિશે ક્યાંયથી પણ માહિતી મળતી નથી.
આ લેખમાં, ‘માધવીયા ધાતુવૃત્તિ માં ૬૨ જેટલાં ધાતુસૂત્રોમાં કાશ્યપના જ ૬૫ મત મળે છે તેમને “ક્ષી. ત.” માં, “ધા. પ્ર” માં અને પુરુષકાર ટીકામાં, તે તે ધાતુ વિશે મળતા મત સાથે સરખાવ્યા છે. તે ઉપરાંત જ્યાં જરૂર લાગી, ત્યાં મહાભાષ્યનાં વાર્તિકો તેમજ તેના પરની કૈયટની પ્રદીપ ટીકા,