________________
“બૃહદારણ્યક-ઉપનિષદ અને શાંકરભાષ્ય."*
(ઐતિહાસિક સત્ય પર પ્રકાશ.)
બંસીધર ભટ્ટ
1 પ્રાસ્તાવિક :–
(૧) સામાન્ય રીતે આદિ શંકરને એક મેધાવી વિભૂતિ તરીકે સ્વીકારતા, અને તેનાં બ્રહ્મસૂત્ર, ગીતા તથા કેટલાંક ઉપનિષદો ઉપરનાં ભાષ્યો તે તે ગ્રંથના મૂળ આશયને સ્પષ્ટ કરે છે એવી દેઢ માન્યતા ધરાવતા ઘણા વિદ્વાનોને આ સંશોધન-લેખ વાંચી આશ્ચર્ય કરતાંય વધુ તો આઘાતની લાગણી થશે એમ લાગે છે. સંશોધનકાર વિદ્વાન સંશોધન માટે સ્વીકારેલા ગ્રંથમાં વણાયેલા સિદ્ધાંતોના સમર્થન માટે વકીલાત કરે તો તેમાં ન તો સંશોધનકારની વિવેચકદૃષ્ટિની કદર થાય કે ન તો તેની તેવી વકીલાત એક “સંશોધન” તરીકે માન્ય થાય. પરંતુ તટસ્થ રહી સંશોધનકારે તે ગ્રંથને યોગ્ય ન્યાય આપવો તે જરૂરી અને તે જ તેની ફરજ છે. (જુઓ; ભટ્ટ : ૧૯૯૬, ૧૯૯૭, ૧૯૯૮). સંશોધનના આવા આદર્શના ઉદાહરણ-રૂપે વૈદિક સાહિત્યના ક્ષેત્રમાં જાણીતા જર્મન વિદ્વાન વિલહેલ્મ રાઉના ૧૯૬૦માં જર્મન-ભાષામાં પ્રસિદ્ધ થયેલા સંશોધન-લેખના આધારે અહીં બૃહદારણ્યક-ઉપનિષદ (=‰. ઉપ.) ઉપરના શંકરના ભાષ્યની (=શાંકરભાષ્યની) વિવેચના કરવામાં આવે છે. (જુઓ; રાઉ).
(૨) આ સંશોધન-લેખમાં બૃ. ઉપ. અને તે ઉપરનું શાંકરભાષ્ય; એ બંને ગ્રંથને સ્પર્શતા શક્ય એટલા બધા જ ગહન મુદ્દાઓને લક્ષ્યમાં લઈ તે બે ગ્રંથનું તદ્દન વસ્તુલક્ષી (objective) અને તલસ્પર્શી અધ્યયન કરવામાં આવ્યું છે. તેમાં કશુંય મર્યાદા બહાર નથી કે ક્યાંય પણ કોઈપણ જાતના અંગત પૂર્વગ્રહની (જેમ કે, બૃ. ઉપ. કે શંકર કે તેમનાં ભાષ્ય પ્રત્યે કાંઈક અહોભાવની, કે એવા અહોભાવની વિરોધી લાગણીની પણ) લેશમાત્ર પણ અસર નથી. સંશોધન કોને કહેવાય એ બાબતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનારા આ સંશોધન-લેખની સાથે
★
સ્વ. પ્રો. આર. સી. પરીખના હજી અપ્રકાશિત સ્મૃતિ-ગ્રંથમાં પ્રસિદ્ધ કરવા માગેલો મારો આ લેખ ડૉ. ગૌતમ પટેલે (પ્રધાન સંપાદક; ચેરમેન : સંસ્કૃત સાહિત્ય એકેડમી; ગુજરાત રાજ્ય, અમદાવાદ ગાંધીનગર) કોઈપણ કારણ દર્શાવ્યા વિના ‘‘અસ્વીકાર્ય’' ગણ્યો. વિદ્વાન વાચક આ લેખ વાંચી જાતે જ વિચારે કે : આ લેખ સંશોધનોમાં અજ્ઞાની-કક્ષાનો છે ? (લેખક).