________________
192
શૈલગુફા–સિયોત
SAMBODHI-PURĀTATTVA અહીંથી શરૂ થયો હોવાનું મનાય છે.
ગુફાની આસપાસના વિસ્તારમાં ટિંબાઓ આવેલા છે. જેમાંથી મળી આવતા પકવેલી માટીના વાસણોના ટુકડાઓ મુખ્યત્વે કૃષાણ ક્ષત્રપકાલિન સમયના જણાય છે, પરંતુ તેની મુખ્ય અગત્યતા તેની ઉપરનાં રૂપાંકનો છે. જે પ્રથમ દષ્ટિએ ફૂલ-વેલની ભાત જેવા જણાતા આ રૂપાંકનો ધર્મચક્ર અને બોધિ વૃક્ષનાં છે તેમ જ વાસણનો આકાર સાધુઓ દ્વારા ધારણ કરાતા કમંડલ જેવો છે.
| ગુફાની સામે જ ઉત્તરમાં આશરે ૩ કિ.મી. દૂર સમુદ્ર છે. ગુફા જે ટેકરીમાં કંડારેલ છે તેની ઉપર ચઢીને જોતાં ગુફાની પાછળના ભાગે એક ઝરણું (નદી) વહે છે. જે ઉત્તર પૂર્વમાં સમુદ્રને મળે છે. ગુફાની પશ્ચિમે એક તળાવ છે. જેમાં પાણી સંગ્રહ કરીને ત્યાંથી એક નાની નહેર દ્વારા આ પાણી ગુફાની પાછળ સુધી લાવી એક કુંડમાં ભેગું કરવામાં આવતું હોવાનું જણાય છે. ત્યાં કટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. સમુદ્ર માર્ગે આવતા યાત્રીઓ સમુદ્રમાંથી નાની હોડીઓ દ્વારા નદી માર્ગે એક ગુફા પાસે ઊતરી શકે તેવો જળમાર્ગ તે સમયે હશે, તેમ સ્પષ્ટ જોઈ શકાય છે.
ગુફાની દક્ષિણ-પૂર્વમાં એકાદ ફલૉગ દૂર એક સ્તૂપાકાર ટેકરી છે. જે હાલ તો ભગ્નાવશેષમાં છે. વરસાદના પાણી અને માનવજનિત કૃત્યોએ તેને ઘણું નુકસાન પહોંચાડેલું છે. તેના આ આકાર અંગે ખૂબ જ અસ્પષ્ટતા હોવા છતાં તે સ્તૂપ હોવાની ઘણી સંભાવના રહેલી છે.
જ્યારે ઉત્તર-પૂર્વમાં એક ફલૉગ દૂર એક નાની ટેકરી ઉપર કેટલાંક કાણાંઓ જોવા મળે છે. સંભવિત આ કાણાંઓનો ઉપયોગ આ સ્થાને રહેતા સાધુઓ દ્વારા તેમાં ધ્વજો ખોડવા કરવામાં આવતો હશે. જેથી યાત્રીઓ દૂરથી આ સ્થળ જોઈ શકે.
બૌદ્ધ ધર્મમાં, ભગવાન બુદ્ધના નિર્વાણ બાદ તેના અસ્થિ ઉપર સૂપનું નિર્માણ કરવામાં આવતું, સમય જતાં સૂપ બૌદ્ધ ધર્મની પ્રમુખ નિશાની તરીકે સર્વત્ર પ્રસ્થાપિત થયેલ જોવા મળે છે. આ સ્થળેથી મળી આવેલી મુદ્રાઓમાં સ્તૂપની આકૃતિ જોવા મળે છે.
ભગવાન બુદ્ધને એક પીપળાનાં વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયેલું, તેથી તે વૃક્ષને બોધિવૃક્ષ એવું નામ આપવામાં આવેલ હતું. મળી આવેલ કેટલીક મુદ્રાઓમાં સ્તૂપ સાથે બોધિવૃક્ષને પણ કંડારવામાં આવેલું છે. જે બૌદ્ધધર્મમાં એટલું જ અગત્યનું છે.
સિયોતથી મળેલ પુરાવશેષો પરથી લાગે છે કે, બૌદ્ધ ધર્મના પતન પછી અહીંની ગુફાઓનો શૈવ ધર્મના ઉપાસકો દ્વારા ઈ. સ.ની ૧૨-૧૩મી સદી સુધી ઉપયોગ કરવામાં આવેલ હતો.
સદરહુ સ્મારક ગુજરાતનાં પ્રાચીન સ્મારકો અને પુરાતત્ત્વીય સ્થળો તથા અવશેષોના સને ૧૯૬૫ના ૨૫મા અધિનિયમ હેઠળ સને ૧૯૭૨માં રક્ષિત સ્મારક તરીકે જાહેર થયેલ છે.
રક્ષિત સ્મારકથી ૧૦૦ મી. વિસ્તાર પ્રતિબંધિત અને ત્યાર બાદનો ૨૦૦ મી. વિસ્તાર નિયંત્રિત જાહેર થયેલ છે. નિયંત્રિત વિસ્તારમાં બાંધકામ માટે પુરાતત્ત્વ ખાતાનું ના-વાંધા પ્રમાણપત્ર અનિવાર્ય છે.
ગુજરાત રાજય પુરાતત્ત્વ વિભાગ, ગાંધીનગરના સૌજન્યથી