________________
142
નિરંજના શ્વેતકેતુ વોરા
SAMBODHI-PURĀTATTVA
વિચિત્રતાઓથી યુક્ત કળાકૃતિઓ-ઉત્તમ કલા તરીકે સ્વીકૃત થાય છે અને કલાકારને સારી આવક પણ કરી આપે છે. જો આધુનિક કળાકાર પોતાના અંતરના ઊર્ધ્વ સ્તરો પ્રત્યે દષ્ટિ કરે તો કલાસર્જન ધીમે ધીમે પોતાના સાચા લક્ષ્ય પ્રત્યે ગતિ કરી શકશે એ વિષે શંકા નથી.
ચિત્રકળાના જગતમાં છેલ્લાં પચાસ વર્ષોથી સર્વોપરિ વર્ચસ્વ પ્રાપ્ત કરેલ ચિત્રકાર પાલ્બો પિકાસોએ ત્યાશી વર્ષની ઉંમરે પોતાનું, અર્થાત્ કળાના ક્ષેત્રમાં પોતાને વરેલી સફળતાનું, ઘણા કળા-વિવેચકોને ચોંકાવનારું રહસ્ય પ્રગટ કર્યું છે.૧૮ સેઝાનના ‘આધુનિક' કલાના યુગ પછી “અતિ આધુનિક' કલાનો પિતા પિકાસો ગણાય છે.
એમાં એ કહે છે કે ચિત્રકળામાં મારી વિચિત્રતાઓ પ્રગટ કરીને હું બુદ્ધિશાળી ગણાતા વર્ગના વિવેચકોની મજાક કરતો હતો અને એમાં મને આનંદ થતો.”
એણે જાહેર કર્યું કે “આજકાલ લોકોને કળામાંથી પ્રેરણા કે આશ્વાસન જોઈતું નથી. પોતાને કળાપરીક્ષક સુરુચિવાળા માનનારા લોકોને, પૈસાદાર તથા આળસુ લોકોને કળામાં કાંઈક નવીન, કાંઈક અસાધારણ, કશુંક વિચિત્ર, સામાન્ય માનસને ચમકાવે, ભડકાવે એવું કાંઈક જોઈતું હોય છે. “ક્યુબિઝમ'ના જમાનાથી આજ સુધી મારા મગજમાં જે કાંઈ વિચિત્ર, અસાધારણ અપરિચિત વસ્તુઓ આવી તેમને ચિત્રોમાં રજૂ કરીને એવા લોકોને મેં સંતોષ આપ્યો છે અને ખૂબી એ છે કે એ લોકોને મારી કળાની જેટલી ઓછી ગમ પડતી તેટલી વધારે તેઓ તેની પ્રશંસા કરતા.”
વધારામાં પિકાસોએ જાહેર કર્યું કે એ પ્રમાણે લોકોને બનાવીને અર્થ વગરની ચિત્રકળા ઉત્પન્ન કરીને પોતે બહુ જલ્દી પ્રખ્યાત થઈ ગયો અને કળાકારને માટે ખ્યાતિ એટલે કે પુષ્કળ પૈસા તે પણ એને મળ્યા. પરંતુ જયારે હું એકલો પડું છું ત્યારે “કળાકાર'ના સાચા અર્થમાં હું કળાકાર છું એમ માનવા મારી હિંમત ચાલતી નથી. એટલે કે જે અર્થમાં ગ્યોટો, ટિશિયન, રબ્રા અને ગોયા કળાકાર છે તે અર્થમાં હું કળાકાર નથી. હું તો પોતાના જમાનાની રગ પારખનાર લોકોના મનનું રંજન કરનાર છું.” આ શબ્દોએ આધુનિક Abstract ગણાતા કલાસર્જનની ભૂમિકા વિશે આપણને ચિંતન કરવા પ્રેર્યા છે.
આધુનિક કળાના વિકાસનો આરંભ સંવેદન- sensation “માત્રા સ્પર્શ' ને રજૂ કરવાની પ્રેરણાથી થયો છે. ક્રમે ક્રમે તેણે “સંસ્કાર' impression ને -સૂક્ષ્મ માનસમાં પડેલી ઇન્દ્રિયગ્રાહ્ય જગતની છાપને અને “ક્યુબિઝમ'માં અર્થાત્ મનની કલ્પનાએ પદાર્થો ઉપર અધ્યારોપ કરેલ આકારોમાં કલાકારની આત્મલક્ષી ચેતનાને વ્યક્ત કરી છે. ત્યાર પછી “અતિ આધુનિક' કલાનો આરંભ થયો જેમાં આપણે અરાજકતા પ્રવર્તતી જોઈએ છીએ. એનાં અનેક દૂષણો છે તે સ્વીકારતાં પણ ચિત્રકળામાં ભૂતકાળથી સ્વતંત્ર નવ પ્રયાણ કરવા માટે અમૂલ્ય તક કલાકારને પ્રાપ્ત થઈ છે એ એક આશાજનક સ્થિતિ છે. ચિત્રકલામાં કેવળ રંગનું પ્રાધાન્ય, કેવળ રંગનો પ્રયોગ કરીને રૂપનું સર્જન કરવાના પ્રયત્નો, રંગોના મિશ્રણની પ્રક્રિયાનો ખૂબ ઝીણવટભર્યો અભ્યાસ, પ્રતીકાત્મક રૂપસર્જનની અમાપ શક્યતા વગેરે ભાવાત્મક તત્ત્વોમાં સાચી પ્રગતિની આશા રહે છે.