SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આચાર્યોને મતે કવિનું સ્વરૂપ અને પ્રકારો અંબાલાલ પ્રજાપતિ જે કાવ્યના રસાસ્વાદથી સહૃદયને અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે, તે કાવ્યના રચયિતા અર્થાત્ કવિનું સ્વરૂપ શું છે ? તેની જિજ્ઞાસા સ્વાભાવિક છે. આ વિષયમાં અલંકારશાસ્ત્રીઓએ બે પ્રકારે વિચાર કરેલો છે. પ્રથમ કોટિમાં એવા અલંકારશાસ્ત્રીઓ આવે છે કે જેમણે કવિનું સ્વરૂપ સ્પષ્ટ રીતે કહ્યું છે. આવા આલંકારિકોમાં રાજશેખર, વિનયચંદ્રસૂરિ, વિજયવર્ણા, અજિતસેન વગેરેનો સમાવેશ થાય છે. બીજી કોટિમાં એવા આલંકારિકોનો સમાવેશ થાય છે કે જેમણે કાવ્યકારણવ્યાજથી કવિના સ્વરૂપનું વર્ણન કર્યું છે. તેમાં આચાર્ય ભામહ, દંડી, મમ્મટ, વાલ્મટ-પ્રથમ, હેમચંદ્રનરેન્દ્રપ્રભસૂરિ, વાલ્મટ-દ્વિતીય તેમ જ ભાવદેવસૂરિ વગેરેનો સમાવેશ થાય છે. કાલક્રમની દૃષ્ટિએ વિચારીએ તો લગભગ બધા જ જૈન-આચાર્યો હેમચંદ્ર (વિ. સં. ૧૧૪૫થી ૧૨૨૯)ના અનુગામી છે. તેથી હેમચંદ્રના પુરોગામી આલંકારિકોનો કવિસ્વરૂપ વિચાર પૂર્વપ્રાપ્ત છે. અલંકાર સંપ્રદાયના પ્રતિનિધિ આચાર્ય ભામહે કવિના સ્વરૂપનું સ્પષ્ટ નિરૂપણ ન કરતાં કાવ્ય-કારણના વ્યાજે તેનું કથન કરેલું છે. તેમણે લખ્યું છે કે, વ્યાકરણ, છંદ, અભિધાન (કોશ) અર્થ, ઇતિહાસની આશ્રિત કથાઓ, લોકવ્યવહાર, તર્કશાસ્ત્ર અને કલાઓનું કાવ્યની રચના કરનાર કવિએ મનન કરવું જોઈએ. આ સંપૂર્ણ વિવેચન વ્યુત્પત્તિની અંતર્ગત આવે છે, તેથી જે વ્યક્તિને ઉપર્યુક્ત વિષયોનું જ્ઞાન હોય તે અભ્યાસના માધ્યમથી કવિતા કરી શકે છે, અર્થાત્ તે કવિ છે. રાજશેખરે “ વર્ણન' ધાતુથી કવિની ઉત્પત્તિ માની છે, જેનો અર્થ થાય છે વર્ણનકર્તા અર્થાતુ જે વર્ણન કરે તે કવિ કહેવાય છે. આ ઉપરાંત તેમણે અન્યત્ર લખ્યું છે કે પ્રતિભા અને વ્યુત્પત્તિથી યુક્ત હોય, તે કવિ કહેવાય છે. આચાર્ય દંડીએ કાવ્યસંપત્તિનાં કારણોની ચર્ચા કરતાં કહ્યું છે કે, સ્વભાવોત્પન્ન પ્રતિભા, અત્યંત નિર્મલ શ્રુતાધ્યયન અને તેની યોજના કાવ્ય-સંપદા છે. અર્થાત્ દંડી અનુસાર પ્રતિભા અને શ્રુતાભ્યાસ આ બંને કવિમાં હોવાં અનિવાર્ય છે. આચાર્ય મમ્મટે જોકે કવિના સંબંધમાં સ્પષ્ટ રૂપથી કંઈ લખ્યું નથી તોપણ કાવ્યકારણવ્યાજથી તેમણે કવિની યોગ્યતાનું કથન અવશ્ય કરેલું છે. તેમના મત પ્રમાણે સ્વાભાવિક પ્રતિભા (શક્તિ), લોક, શાસ્ત્ર તથા કાવ્યશાસ્ત્રના પર્યાલોચનથી ઉત્પન્ન નિપુણતા તેમ જ કાવ્યરચનાના જ્ઞાતા ગુરુના માર્ગદર્શન નીચે કાવ્યનિર્માણનો અભ્યાસ આ ત્રણ ગુણોથી યુક્ત વ્યક્તિ કાવ્યરચનાની યોગ્યતા ધરાવે છે". અર્થાત્ તે કવિ પદનો અધિકારી છે. ભૂમિકારૂપે હેમચંદ્રના પુરોગામી આચાર્યોના કવિસ્વરૂપનું નિરૂપણ કર્યા પછી હવે આપણે હેમચંદ્ર અને તેમના અનુગામી જૈન આચાર્યોના કવિ સ્વરૂપની ચર્ચા કરીશું.
SR No.520771
Book TitleSambodhi 1998 Vol 21
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1998
Total Pages196
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy