________________
108
ભારતી શેલત; આર. ટી. સાવલિયા
SAMBODHI
અમદાવાદના સારાભાઈ નવાબના સંગ્રહમાં “સૂરિમંત્ર પટનું ૧૪મી સદીનું ચિત્ર સંગૃહીત છે, એમાં પૂર્ણ વિકસિત પદમ ઉપર બેઠેલા, મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામીનું ચિત્ર આલેખેલું છે. સારાભાઈ નવાબના સંગ્રહમાંનો ઋષભદેવના સમવસરણનો ૧૫મી સદીના મધ્યનો એક પટ અને જંબૂદ્વીપનો ૧૬મી સદીનો એક પટ નોંધપાત્ર છે. કાપડ પર ચિત્રો આલેખવાની પ્રથા ૧૭મી સદી સુધી જૈનોમાં જળવાઈ રહી.
હસ્તપ્રતોની જાળવણી માટે વપરાતી લાકડાની પાટલીઓ ઉપર પણ લઘુચિત્રો જોવા મળે છે. આવા લાકડાની પાટલી પરનાં લઘુ ચિત્રોના સહુથી જૂના નમૂના રાજસ્થાનના જૈન ભંડારોમાં મળે છે. અમદાવાદના સારાભાઈ નવાબના સંગ્રહમાં સુરક્ષિત લાકડાની પાટલી પર ભારત અને બાહુબલિ વચ્ચેના યુદ્ધપ્રસંગનું આલેખન છે. એક પાટલી પર તીર્થંકર પાર્શ્વનાથના પૂર્વના દસ ભવો આલેખેલા છે. મુનિ પુણ્યવિજયજી સંગ્રહમાંની એક પાટલી પર મહાવીર ભગવાનના ૨૭ ભવો પૈકીના કેટલાક ભવોનું ચિત્રાંકન કરેલું જોવા મળે છે.
પાટણના બીજા ભંડારોમાં તપાગચ્છ ભંડાર, ભાભાના પાડાનો ભંડાર, વસ્તા માણેકનો ભંડાર, શ્રી હિંમત વિજયનો સંગ્રહ વગેરે અત્યંત મહત્ત્વના છે. જોકે આ બધા ભંડારો હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડારને સોંપાઈ ગયા છે. ખંભાતના જ્ઞાનભંડારોઃ
પાટણની જેમ ખંભાતે પણ સંશોધન વિદ્વાનોને આકર્ષ્યા છે. તેરમા સૈકામાં થઈ ગયેલા ગુજરાતના વિખ્યાત મંત્રી વસ્તુપાલે મોટી રકમ ખર્ચીને પાટણ, ભરૂચ અને ખંભાતમાં ગ્રંથભંડારો સ્થાપ્યા હતા. હાલમાં ખંભાતમાં મુખ્ય ચાર ગ્રંથભંડારો છે. પાયચંદ ગચ્છનો ભંડાર, જ્ઞાનવિમલસૂરિનો ભંડાર, નેમિસૂરિજીનો ભંડાર અને શાંતિનાથનો ભંડાર. આમાં શાંતિનાથનો ભંડાર સમગ્ર ગુજરાત અને રાજસ્થાનમાં સહુથી સમૃદ્ધ અને મૂલ્યવાન ભંડારોમાંનો એક છે. એમાં ગ્રંથસંખ્યા બહુ મોટી નથી. પરંતુ એની વિશિષ્ટતા એમાંની પ્રાચીન અને દુર્લભ તાડપત્રીય હસ્તપ્રતો છે. એમાં તાડપત્ર ઉપર સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલી આશરે દોઢસો જેટલી હસ્તપ્રતો છે. આ ભંડારની હસ્તપ્રતો ઈ. સ. ની ૧૨મી, ૧૩મી અને ૧૪મી સદી જેટલી પ્રાચીન છે. ગુજરાતની ગ્રંથસ્થ લઘુ ચિત્રકલાના સહુથી પ્રાચીન નમૂના આ ભંડારની તાડપત્રીય હસ્તપ્રતોમાંથી મળે છે. આચાર્ય હેમચન્દ્ર, તેમના શિષ્ય અને રાજા કુમારપાળનું વિખ્યાત ચિત્ર બારમા સૈકાની “દશવૈકાલિકસૂત્રની લઘુવૃત્તિની હસ્તપ્રતના છેલ્લા પત્ર પર છે. એમાં આસન પર બિરાજમાન હેમચંદ્રાચાર્ય, જમણા હાથમાં તાડપત્ર રાખીને સામે બેઠેલા પોતાના શિષ્ય મહેન્દ્રસૂરિને જાણે પાઠ આપતા હોય એમ લાગે છે. મહેન્દ્રસૂરિની પાછળ બે હાથ જોડીને ઊભેલા દાઢીવાળા ગૃહસ્થની આકૃતિ રાજા કુમારપાલની જણાય છે. આ ચિત્ર આચાર્ય હેમચંદ્ર અને રાજા કુમારપાલ બંનેના જીવનકાળ દરમ્યાન દોરાયેલું હોઈ બે સમકાલીન મહાપુરુષોના ચિત્ર તરીકે પણ તેનું વિશિષ્ટ મૂલ્ય છે.