________________
ચૌલુક્ય ભીમદેવ બીજાનું તરભનું તામ્રપત્ર (વિ. સં. ૧૨૬૩)
૫લક્ષ્મણભાઈ ભોજક ડૉ. નારાયણ મ. કંસારા
આજથી પચીસેક વર્ષો પહેલાં વીસનગર પાસેના કમાણા ગામેથી મળેલું વિ. સં. ૧૨૬૧ની મકરસંક્રાન્તિનું એક તામ્રપત્ર વડોદરાની ઓરિએન્ટલ ઈન્સ્ટિટ્યૂટના જર્નલ (વૉલ્યુમ ૧૯, નં. ૧-૨, ૧૯૬૯)માં અમે પ્રસિદ્ધ કર્યું હતું. તે આ જ ચૌલુકય ભીમદેવ બીજાનું હતું અને તે આજે અહીં જેને પ્રસ્તુત કરીએ છીએ તે તામ્રપત્રના એક વર્ષ અને અગિયા મહિના પછીનું હતું. આ તામ્રપત્રનો પાઠ એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટના જર્નલ “સંબોધિ'ના ૧૯૯૩ના વૉલ્યુમ ૧૮ પૃ. ૧૨૩-૧૨૪માં પ્રસિદ્ધ થયું છે. આ લેખ એ જ રાજાનો છે પણ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલ વાલમ ગામની નજીક ગણેશપુરાની પડખેના તરભ ગામમાંથી મળેલો છે. આ તામ્રપત્ર તે ગામના શ્રી બાબુભાઈ પટેલ તરફથી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને ભેટ મળ્યું છે, અને સંસ્થાના રજિ. . ૭૧૧૪૫ અને મૂ. નં. ૧૪૧૧માં નોંધવામાં આવેલું છે.
આ તામ્રપત્ર તાંબાનાં બે છૂટાં પહેલાં પતરાંનું બનેલું છે. એમને જોડતી કડી મળતી નથી, પણ તે માટેનાં છિદ્રો પ્રથમ પતરાંના નીચેના ભાગે અને બીજી પતરાના મથાળાના ભાગે પાડેલાં છે. બંને પતરાંની એક જ સપાટી પર અક્ષરો કોતરેલા છે, બીજી પાછળની બાજુ કોરી છે. બંને પતરાંનું ભેગું વજન ૪ કિલો ૯૭૦ ગ્રામ છે, અને બંને એક જ માપનાં ૩૩.૩ સે.મી. લંબાઈ x ૨૯.૩ સે.મી. પહોળાઈ અને ૦.૪ સે.મી. જાડાઈવાળાં છે. પતરાંની ચારે બાજુની કિનાર ઉપસાવેલી હોવાથી અક્ષરોને ઘસારો પડ્યો નથી. પહેલા પતરામાં ઉપર ૨.૭ સે.મી. અને નીચે ૩.૪ સે.મી. હાંસિયો છે, જ્યારે બીજા પતરામાં ઉપર ૨.૪ સે.મી. અને નીચે ૨.૭ સે.મી. હાંસિયો છે. પ્રથમ પતરામાં ૧૮ પંકિતઓ અને બીજા પતરામાં ૧૯ પંકિતઓ છે. દરેક પંકિતમાં આશરે ૪૧ અક્ષરો છે, અક્ષરની જડાઈ ૦.૪ સે.મી. અને લંબાઈ ૦.૯ સે.મી. છે.
દાનપત્રની ભાષા સંસ્કૃત છે, લિપિ જૈન દેવનાગરી છે. રેફવાળા અક્ષરોમાં વ્યંજન બેવડાવેલા લખ્યા છે. સર્વસ્થળે પડિમાવા છે અને અનુનાસિકનો ઉપયોગ કર્યો નથી. હલન્ત અને અવગ્રહની નિશાનીઓ પ્રયોજી છે. દંડ પણ દર્શાવ્યા છે.
દાનની તિથિ વિક્રમ સંવત ૧૨૯૩ના માગસર વદિ ૯, રવિવાર (તા. ૨૪-૧૧-૧૨૦૬) છે; એ દિવસે ચૌલુકય ભીમદેવ બીજએ તરભમાંની આ ભૂમિનું દાન ધનસંક્રાન્તિના પવિત્ર સ્થાનના અનુષંગે કરેલું જાહેર કરતાં આ તામ્રપત્ર ઉપર એનો દસ્તાવેજી લેખ કોતરાવી આપ્યો છે. દાનપત્ર અણહિલપુર પાટણમાંથી પ્રસારિત કર્યું છે.
આ દાનમાં આપેલ ભૂમિ તે વાલિમ્ય (આજના વાલમ) ગ્રામની ર હલ પ્રમાણ ભૂમિ અને કુરલી (આજના કરલી) ગ્રામની ૨ હલ પ્રમાણ ભૂમિ છે. દાનમાં આપેલ ભૂમિના ખૂટ નીચે મુજબ છે: