________________ ભોગવવાં જોઈએ તે ન ભોગવવાં એવી ઇચ્છા થાય તોપણ ત્યાં તે કામ આવતી નથી; ભોગવવાં જ જોઈએ; અને જ્ઞાનાવરણીયનો ઉદય હોય તે યત્ન કરવાથી ક્ષય થાય છે. ઉદાહરણ તરીકે, એક સ્લોક જે જ્ઞાનાવરણીયના ઉદયથી યાદ રહેતો ન હોય તે બે, ચાર, આઠ, સોળ, બત્રીશ, ચોસઠ, સો અર્થાત્ વધારે પિશમ અથવા ક્ષય થઈ યાદ રહે છે; અર્થાત બળવાન થવાથી તે તે જ ભવમાં અમુક અંશે ખપાવી શકાય છે. તેમ જ દર્શનાવરણીય કર્મના સંબંધમાં સમજવું. મોહનીયકર્મ જે મહા જોરાવર તેમ ભોળું પણ છે, તે તરત ખપાવી શકાય છે. જેમ તેની આવણી, વેગ આવવામાં જબ્બર છે, તેમ તે જલદીથી ખસી પણ શકે છે. મોહનીયકર્મનો તીવ્ર બંધ હોય છે, તોપણ તે પ્રદેશબંધ ન હોવાથી તરત ખપાવી શકાય છે. નામ, આયુષ્યાદિ કર્મ, જેનો પ્રદેશબંધ હોય છે તે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ છેડા સુધી ભોગવવા પડે છે, જ્યારે મોહનીયાદિ ચાર કર્મ તે પહેલાં ક્ષય થાય છે. 202 ‘ઘેલછા’ એ ચારિત્રમોહનીયનો વિશેષ પર્યાય છે. ક્વચિત હાસ્ય, ક્વચિત શોક, ક્વચિત રતિ, ક્વચિત અરતિ, ક્વચિત ભય અને ક્વચિત જુગુપ્સારૂપે તે જણાય છે. કંઈ અંશે તેનો જ્ઞાનાવરણીયમાં પણ સમાસ થાય છે. સ્વપ્નમાં વિશેષપણે જ્ઞાનાવરણીયના પર્યાય જણાય છે. 203 ‘સંજ્ઞા’ એ જ્ઞાનનો ભાગ છે. પણ ‘પરિગ્રહસંજ્ઞા’ ‘લોભપ્રકૃતિમાં સમાય છે; “મૈથુનસંજ્ઞા’ ‘વેદપ્રકૃતિમાં સમાય છે; ‘આહારસંજ્ઞા’ ‘વેદનીય’માં સમાય છે; અને ‘ભયસંજ્ઞા’ ભયપ્રકૃતિમાં સમાય છે. 204 અનંત પ્રકારનાં કર્મો મુખ્ય આઠ પ્રકારે અને ઉત્તર એકસો અઠ્ઠાવન પ્રકારે “પ્રકૃતિ’ના નામથી ઓળખાય છે. તે એવી રીતે કે અમુક અમુક પ્રકૃતિ, અમુક અમુક ‘ગુણસ્થાનક' સુધી હોય છે. આવું માપ તોળીને જ્ઞાનીદેવે બીજાઓને સમજાવવા સારુ સ્થૂલ સ્વરૂપે તેનું વિવેચન કર્યું છે, તેમાં બીજાં કેટલીએક જાતનાં કર્મ અર્થાત “કર્મપ્રકૃતિ' સમાય છે. અર્થાત જે પ્રકૃતિનાં નામ ‘કર્મગ્રંથ'માં નથી આવતાં, તે તે પ્રકૃતિ ઉપર બતાવેલી પ્રકૃતિના વિશેષ પર્યાય છે, અથવા તે ઉપર બતાવેલી પ્રકૃતિમાં સમાય છે. 205 ‘વિભાવ’ એટલે ‘વિરુદ્ધભાવ’ નહીં, પરંતુ ‘વિશેષભાવ'. આત્મા આત્મારૂપે પરિણમે તે ભાવ’ છે, અથવા સ્વભાવ’ છે. જ્યારે આત્મા તથા જડનો સંયોગ થવાથી આત્મા સ્વભાવ કરતાં આગળ જઈ ‘વિશેષભાવે’ પરિણમે તે ‘વિભાવ' છે. આ જ રીતે જડને માટે પણ સમજવું. 206 ‘કાળ'ના ‘અણુ’ લોકપ્રમાણ અસંખ્યાત છે. તે ‘અણુ’માં ‘રુક્ષ અથવા ‘સ્નિગ્ધ’ ગુણ નથી; તેથી તે દરેક અણુ એકબીજામાં મળતા નથી, અને દરેક પૃથક પૃથક રહે છે. પરમાણુપુદગલમાં તે ગુણ હોવાથી મૂળ સત્તા કાયમ રહ્યા છતાં તેનો (પરમાણુપુગલનો) “સ્કંધ’ થાય છે. 207 ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, (લોક) આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય તેના પણ અસંખ્યાતા પ્રદેશ છે. અને તેના પ્રદેશમાં રુક્ષ અથવા સ્નિગ્ધ ગુણ નથી, છતાં તે કાળની માફક દરેક અણુ જુદા જુદા રહેવાને બદલે એક સમૂહ થઈ રહે છે. તેનું કારણ એ છે કે કાળ છે તે પ્રદેશાત્મક નથી, પણ અણુ હોઈને પૃથક પૃથક છે, અને ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્ય પ્રદેશાત્મક છે.