________________ 144 સમ્યકત્વ પ્રાપ્ત થયેલ જીવની દશાનું સ્વરૂપ જ જુદું હોય છે. પહેલા ગુણસ્થાનકવાળા જીવની દશાની જે સ્થિતિ અથવા ભાવ છે તેના કરતાં ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત કરનારની દશાની જે સ્થિતિ અથવા ભાવ તે જુદાં જોવામાં આવે છે, અર્થાત્ જુદી જ દશાનું વર્તન જોવામાં આવે છે. 145 પહેલું મોળું કરે તો ચોથે આવે એમ કહેવામાત્ર છે; ચોથે આવવામાં જે વર્તન છે તે વિષય વિચારવાજોગ છે. 146 આગળ 4, 5, 6 અને 7 મા ગુણસ્થાનક સુધીની જ વાત કહેવામાં આવી છે તે કહેવામાત્ર, અથવા સાંભળવામાત્ર જ છે એમ નથી, પરંતુ સમજીને વારંવાર વિચારવા યોગ્ય છે. 147 બની શકે તેટલો પુરુષાર્થ કરી આગળ વધવા જરૂર છે. 148 ન પ્રાપ્ત થઈ શકે તેવી ધીરજ, સંઘયણ, આયુષની પૂર્ણતા ઇત્યાદિના અભાવથી કદાચ સાતમાં ગુણસ્થાનક ઉપરનો વિચાર અનુભવમાં ન આવી શકે, પરંતુ સુપ્રતીત થઈ શકવા યોગ્ય છે. 149 સિંહના દાખલાની માફક :- સિંહને લોઢાના જબરજસ્ત પાંજરામાં પૂરવામાં આવ્યો હોય તો તે અંદર રહ્યો પોતાને સિંહ સમજે છે, પાંજરામાં પુરાયેલો માને છે; અને પાંજરાની બહારની ભૂમિકા પણ જુએ છે; માત્ર લોઢાના મજબૂત સળિયાની આડને લીધે બહાર નીકળી શકતો નથી. આ જ રીતે સાતમા ગુણસ્થાનક ઉપરનો વિચાર સુપ્રતીત થઈ શકે છે. 150 આ પ્રમાણે છતાં જીવ મતભેદાદિ કારણોને લઈને રોકાઈ જઈ આગળ વધી શકતો નથી. 151 મતભેદ અથવા રૂઢિ આદિ નજીવી બાબત છે, અર્થાત તેમાં મોક્ષ નથી. માટે ખરી રીતે સત્યની પ્રતીતિ કરવાની જરૂર છે. 152 શુભાશુભ, અને શુદ્ધાશુદ્ધ પરિણામ ઉપર બધો આધાર છે. અલ્પ અલ્પ બાબતમાં પણ દોષ માનવામાં આવે ત્યાં મોક્ષ થતો નથી. લોકરૂઢિમાં અથવા લોકવ્યવહારમાં પડેલો જીવ મોક્ષતત્ત્વનું રહસ્ય જાણી શકતો નથી, તેનું કારણ તેને વિષેનું રૂઢિનું અથવા લોકસંજ્ઞાનું માહાત્મ છે. આથી કરી બાદરક્રિયાનો નિષેધ કરવામાં આવતો નથી. જે કાંઈ પણ ન કરતાં તદ્દન અનર્થ કરે છે, તે કરતાં બાદરક્રિયા ઉપયોગી છે. તોપણ તેથી કરી બાદરક્રિયાથી આગળ ન વધવું એમ પણ કહેવાનો હેતુ નથી. 153 જીવને પોતાનાં ડહાપણ અને મરજી પ્રમાણે ચાલવું એ વાત મનગમતી છે, પણ તે જીવનું ભૂંડું કરનાર વસ્તુ છે. આ દોષ મટાડવા સારુ પ્રથમ તો કોઈને ઉપદેશ દેવાનો નથી, પણ પ્રથમ ઉપદેશ લેવાનો છે, એ જ્ઞાનીનો ઉપદેશ છે. જેનામાં રાગદ્વેષ ન હોય, તેવાનો સંગ થયા વિના સમ્યત્વ પ્રાપ્ત થઈ શકતું નથી. સમ્યક્ત્વ આવવાથી (પ્રાપ્ત થવાથી) જીવ ફરે છે (જીવની દશા ફરે છે); એટલે પ્રતિકૂળ હોય તો અનુકૂળ થાય છે. જિનની પ્રતિમા (શાંતપણા માટે) જોવાથી સાતમા ગુણસ્થાનકે વર્તતા એવા જ્ઞાનીની જે શાંત દશા છે તેની પ્રતીતિ થાય છે.