________________ 137 સિદ્ધાંતના દાખલાઃ- (1) “રાગદ્વેષથી બંધ થાય છે.” (2) ‘બંધનો ક્ષય થવાથી મુક્તિ થાય છે.’ આ સિદ્ધાંતની ખાતરી કરવી હોય તો રાગદ્વેષ છોડો. રાગદ્વેષ સર્વ પ્રકારે છૂટે તો આત્માનો સર્વ પ્રકારે મોક્ષ થાય છે. આત્મા બંધનના કારણથી મુક્ત થઈ શકતો નથી. બંધન છૂટ્યું કે મુક્ત છે. બંધન થવાનું કારણ રાગદ્વેષ છે. રાગદ્વેષ સર્વથા પ્રકારે છૂટ્યો કે બંધથી છૂટ્યો જ છે. તેમાં કશો સવાલ કે શંકા રહેતાં નથી. 138 જે સમયે સર્વથા પ્રકારે રાગદ્વેષ ક્ષય થાય, તેને બીજે જ સમયે ‘કેવલજ્ઞાન’ છે. 139 જીવ પહેલા ગુણસ્થાનકમાંથી આગળ જતો નથી. આગળ જવા વિચાર કરતો નથી. પહેલાથી આગળ શી રીતે વધી શકાય, તેના શું ઉપાય છે, કેવી રીતે પુરુષાર્થ કરવો, તેનો વિચાર પણ કરતો નથી, અને વાતો કરવા બેસે ત્યારે એવી કરે કે તેરમું આ ક્ષેત્રે અને આ કાળે પ્રાપ્ત થતું નથી. આવી આવી ગહન વાતો જે પોતાની શક્તિ બહારની છે, તે તેનાથી શી રીતે સમજી શકાય ? અર્થાત પોતાને ક્ષયોપશમ હોય તે ઉપરાંતની વાતો કરવા બેસે તે ન જ સમજી શકાય. 140 ગ્રંથિ પહેલે ગુણસ્થાનકે છે તેનું ભેદન કરી આગળ વધી ચોથા સુધી સંસારી જીવો પહોંચ્યા નથી. કોઈ જીવ નિર્જરા કરવાથી ઊંચા ભાવે આવતાં, પહેલામાંથી નીકળવા વિચાર કરી, ગ્રંથિભેદની નજીક આવે છે, ત્યાં આગળ ગાંઠનું એટલું બધું તેના ઉપર જોર થાય છે કે, ગ્રંથિભેદ કરવામાં શિથિલ થઈ જઈ અટકી પડે છે, અને એ પ્રમાણે મોળો થઈ પાછો વળે છે. આ પ્રમાણે ગ્રંથિભેદ નજીક અનંતી વાર આવી જીવ પાછો ફર્યો છે. કોઈ જીવ પ્રબળ પુરુષાર્થ કરી, નિમિત્ત કારણનો જોગ પામી કરેડિયાં કરી ગ્રંથિભેદ કરી, આગળ વધી આવે છે, અને જ્યારે ગ્રંથિભેદ કરી આગળ વધ્યો કે ચોથામાં આવે છે, અને ચોથામાં આવ્યો કે વહેલોમોડો મોક્ષ થશે, એવી તે જીવને છાપ મળે છે. 141 આ ગુણસ્થાનકનું નામ “અવિરતિસમ્યદ્રષ્ટિ' છે, જ્યાં વિરતિપણા વિના સમ્યકજ્ઞાનદર્શન છે. 142 કહેવામાં એમ આવે છે કે તેરમું ગુણસ્થાનક આ કાળે ને આ ક્ષેત્રથી ન પમાય; પરંતુ તેમ કહેનારા પહેલામાંથી ખસતા નથી. જો તેઓ પહેલામાંથી ખસી, ચોથા સુધી આવે, અને ત્યાં પુરુષાર્થ કરી સાતમું જે અપ્રમત્ત છે ત્યાં સુધી પહોંચે તોપણ એક મોટામાં મોટી વાત છે. સાતમા સુધી પહોંચ્યા વિના તે પછીની દશાની સુપ્રતીતિ થઈ શકવી મુશ્કેલ છે. 143 આત્માને વિષે પ્રમાદરહિત જાગૃતદશા તે જ સાતમું ગુણસ્થાનક છે. ત્યાં સુધી પહોંચવાથી તેમાં સમ્યકત્વ સમાય છે. ચોથા ગુણસ્થાનકે જીવ આવીને ત્યાંથી પાંચમું ‘દેશવિરતિ’, છઠું ‘સર્વવિરતિ’, અને સાતમું ‘પ્રમાદરહિત વિરતિ’ છે, ત્યાં પહોંચે છે. ત્યાં આગળ પહોંચ્યથી આગળની દશાનો અંશે અનુભવ અથવા સુપ્રતીતિ થાય છે. ચોથા ગુણસ્થાનકવાળો જીવ સાતમા ગુણસ્થાનકે પહોંચનારની દશાનો જો વિચાર કરે તો તે કોઈ અંશે પ્રતીત થઈ શકે. પણ તેના પહેલા ગુણસ્થાનકવાળો જીવ વિચાર કરે તો તે શી રીતે પ્રતીતિમાં આવી શકે ? કારણ કે તેને જાણવાનું સાધન જે આવરણરહિત થવું તે પહેલા ગુણસ્થાનકવાળાની પાસે હોય નહીં.