________________ 98 ‘વિરતિ’ એટલે “મુકાવું, અથવા રતિથી વિરુદ્ધ, એટલે રતિ નહીં તે. અવિરતિમાં ત્રણ શબ્દનો સંબંધ છે. અ+વિરતિ અનહીં+વિ=વિરુદ્ધ+રતિ પ્રીતિ, એટલે પ્રીતિ વિરુદ્ધ નહીં તે ‘અવિરતિ’ છે. તે અવિરતિપણું બાર પ્રકારનું છે. 99 પાંચ ઇંદ્રિય, અને છઠું મન તથા પાંચ સ્થાવર જીવ, અને એક ત્રસ જીવ મળી કુલ તેના બાર પ્રકાર છે. 100 એવો સિદ્ધાંત છે કે કૃતિ વિના જીવને પાપ લાગતું નથી. તે કૃતિની જ્યાં સુધી વિરતિ કરી નથી ત્યાં સુધી અવિરતિપણાનું પાપ લાગે છે. સમસ્ત એવા ચૌદ રાજલોકમાંથી તેની પાપક્રિયા ચાલી આવે છે. 101 કોઈ જીવ કંઈ પદાર્થ યોજી મરણ પામે, અને તે પદાર્થની યોજના એવા પ્રકારની હોય કે તે યોજેલો પદાર્થ જ્યાં સુધી રહે, ત્યાં સુધી તેનાથી પાપક્રિયા થયા કરે; તો ત્યાં સુધી તે જીવને અવિરતિપણાની પાપક્રિયા ચાલી આવે છે, જોકે જીવે બીજો પર્યાય ધારણ કર્યાથી અગાઉના પર્યાય સમયે જે જે પદાર્થની યોજના કરેલી છે તેની તેને ખબર નથી તોપણ, તથા હાલના પર્યાયને સમયે તે જીવ તે યોજેલા પદાર્થની ક્રિયા નથી કરતો તોપણ, જ્યાં સુધી તેનો મોહભાવ વિરતિપણાને નથી પામ્યો ત્યાં સુધી, અવ્યક્તપણે તેની ક્રિયા ચાલી આવે છે. 102 હાલના પર્યાયને સમયે તેના અજાણપણાનો લાભ તેને મળી શકતો નથી. તે જીવે સમજવું જોઈતું હતું કે આ પદાર્થથી થતો પ્રયોગ જ્યાં સુધી કાયમ રહેશે ત્યાં સુધી તેની પાપક્રિયા ચાલુ રહેશે. તે યોજેલા પદાર્થથી અવ્યક્તપણે પણ થતી (લાગતી) ક્રિયાથી મુક્ત થવું હોય તો મોહભાવને મૂકવો. મોહ મૂકવાથી એટલે વિરતિપણું કરવાથી પાપક્રિયા બંધ થાય છે. તે વિરતિપણું તે જ પર્યાયને વિષે આદરવામાં આવે, એટલે યોજેલા પદાર્થના જ ભવને વિષે આદરવામાં આવે તો તે પાપક્રિયા જ્યારથી વિરતિપણે આદરે ત્યારથી આવતી બંધ થાય છે. અહીં જે પાપક્રિયા લાગે છે તે ચારિત્રમોહનીયના કારણથી આવે છે. તે 103 ક્રિયા બે પ્રકારે થાય છે? - એક વ્યક્ત એટલે પ્રગટપણે, અને બીજી અવ્યક્ત એટલે અપ્રગટપણે. અવ્યક્તપણે થતી ક્રિયા જોકે તમામથી જાણી નથી શકાતી, પરંતુ તેથી થતી નથી એમ નથી. 104 પાણીને વિષે લહેર અથવા હિલ્લોળ તે વ્યક્તપણે જણાય છે, પરંતુ તે પાણીમાં ગંધક અથવા કસ્તુરી નાંખી હોય, અને તે પાણી શાંતપણામાં હોય તો પણ તેને વિષે ગંધક અથવા કસ્તુરીની જે ક્રિયા છે તે જોકે દેખાતી નથી, તથાપિ તેમાં અવ્યક્તપણે રહેલી છે. આવી રીતે અવ્યક્તપણે થતી ક્રિયાને ન શ્રદ્ધવામાં આવે અને માત્ર વ્યક્તપણાને શ્રદ્ધવામાં આવે તો એક જ્ઞાની જેને વિષે અવિરતિરૂપ ક્રિયા થતી નથી તે ભાવ, અને બીજો ઊંઘી ગયેલો માણસ જે કંઈ ક્રિયા વ્યક્તપણે કરતો નથી તે ભાવ સમાનપણાને પામે છે; પરંતુ વાસ્તવિક રીતે તેમ છે નહીં. ઊંઘી ગયેલા માણસને અવ્યક્તપણે ક્રિયા લાગે છે. આ જ પ્રમાણે જે માણસ (જે જીવ) ચારિત્રમોહનીય નામની નિદ્રામાં સૂતો છે, તેને અવ્યક્ત ક્રિયા લાગતી નથી એમ નથી. જો મોહભાવ ક્ષય થાય તો જ અવિરતિરૂપ ચારિત્રમોહનીયની ક્રિયા બંધ પડે છે; તે પહેલાં બંધ પડતી નથી. ક્રિયાથી થતો બંધ મુખ્ય એવા પાંચ પ્રકારે છેઃ