________________ 222 ધર્મ સંબંધી (શ્રી રત્નકરંડ શ્રાવકાચાર) : આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ. આત્માનો સ્વભાવ તે ધર્મ. સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે ધર્મ. પરભાવ વડે કરીને આત્માને દુર્ગતિએ જવું પડે તે ન જવા દેતાં સ્વભાવમાં ધરી રાખે તે ધર્મ. સમ્યક શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ; ત્યાં બંધનો અભાવ છે. સમ્યફજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યફચારિત્ર એ રત્નત્રયીને શ્રી તીર્થંકરદેવ ધર્મ કહે છે. પદ્રવ્યનું શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ. જે સંસારપરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે તે ધર્મ. આપ્ત એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર, આગમ એટલે આપ્ટે કહેલા પદાર્થની શબ્દદ્વારાએ કરી રચનારૂપ શાસ્ત્ર. આપ્તના પ્રરૂપ્યાં શાસ્ત્રાનુસાર આચરણ કરવાવાળા, આપ્તના દર્શાવેલા માર્ગે ચાલનારા તે સદગુરૂ. સમ્યક્દર્શન એટલે સત્ય આપ્ત, શાસ્ત્ર અને ગુરૂનું શ્રદ્ધાન. સમ્યક્દર્શન ત્રણ મૂઢતા કરી રહિત, નિઃશંકાદિ આઠ અંગ સહિત, આઠ મદ અને છ અનાયતનથી રહિત છે. સાત તત્વ અથવા નવ પદાર્થના શ્રદ્ધાનને શાસ્ત્રમાં સમ્યક્દર્શન કહ્યું છે. પરંતુ દોષરહિત શાસ્ત્રના ઉપદેશ વિના સાત તત્ત્વનું શ્રદ્ધાન કેવી રીતે થાય ? નિર્દોષ આપ્ત વિના સત્યાર્થ આગમ શી રીતે પ્રગટ થાય ? તેથી સમ્યક્દર્શનનું મૂળ કારણ સત્યાર્થ આપ્ત જ છે. આપ્તપુરુષ ક્ષુધાતૃષાદિ અઢાર દોષ રહિત હોય છે. ધર્મનું મૂળ આપ્ત ભગવાન છે. આપ્ત ભગવાન નિર્દોષ, સર્વજ્ઞ અને હિતોપદેશક છે.