________________ 121 નયના સ્વરૂપથી આઘે જઈ કહેવામાં આવે છે તે નય નહીં, પરંતુ નયાભાસ થાય છે, અને નયાભાસ ત્યાં મિથ્યાત્વ ઠરે છે. 122 નય સાત માન્યા છે. તેના ઉપનય સાતસો, અને વિશેષ સ્વરૂપે અનંતા છે, અર્થાત જે વાણી છે તે સઘળા નય છે. 123 એકાંતિકપણું ગ્રહવાનો સ્વછંદ જીવને વિશેષપણે હોય છે, અને એકાંતિકપણું ગ્રહવાથી નાસ્તિકપણું થાય છે. તે ન થવા માટે આ નયનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, જે સમજવાથી જીવ એકાંતિકપણું ગ્રહતો અટકી મધ્યસ્થ રહે છે, અને મધ્યસ્થ રહેવાથી નાસ્તિકતા અવકાશ પામી શકતી નથી. 124 નય જે કહેવામાં આવે છે તે નય પોતે કંઈ વસ્તુ નથી, પરંતુ વસ્તુનું સ્વરૂપ સમજવા તથા તેની સુપ્રતીતિ થવા પ્રમાણનો અંશ છે. 125 અમુક નયથી કહેવામાં આવ્યું ત્યારે બીજા નયથી પ્રતીત થતા ધર્મની અસ્તિ નથી એમ ઠરતું નથી. 126 કેવળજ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ, તે સિવાય બીજુ કંઈ જ નહીં, અને જ્યારે એમ છે ત્યારે તેને વિષે બીજુ કશું સમાતું નથી. સર્વથા સર્વ પ્રકારે રાગદ્વેષનો ક્ષય થાય ત્યારે જ કેવળજ્ઞાન કહેવાય. જો કોઈ અંશે રાગદ્વેષ હોય તો તે ચારિત્રમોહનીયના કારણથી છે. જ્યાં આગળ જેટલે અંશે રાગદ્વેષ છે ત્યાં આગળ એટલે અંશે અજ્ઞાન છે, જેથી કેવળજ્ઞાનમાં તે સમાઈ શકતાં નથી, એટલે કેવળજ્ઞાનમાં તે હોતાં નથી, તે એકબીજાનાં પ્રતિપક્ષી છે. જ્યાં કેવળજ્ઞાન છે ત્યાં રાગદ્વેષ નથી, અથવા જ્યાં રાગદ્વેષ છે ત્યાં કેવળજ્ઞાન નથી. 127 ગુણ અને ગુણી એક જ છે, પરંતુ કોઈ કારણે તે પરિચ્છિન્ન પણ છે. સામાન્ય પ્રકારે તો ગુણનો સમુદાય તે ‘ગુણી’ છે; એટલે ગુણ અને ગુણી એક જ છે, જુદી જુદી વસ્તુ નથી. ગુણીથી ગુણ જુદો પડી શકતો નથી. જેમ સાકરનો કટકો છે તે ‘ગુણી’ છે અને મીઠાશ છે તે ગુણ છે. ‘ગુણી’ જે સાકર અને ગુણ જે મીઠાશ તે બન્ને સાથે જ રહેલ છે, મીઠાશ કંઈ જુદી પડતી નથી, તથાપિ ‘ગુણ’, ‘ગુણી’ કોઈ અંશે ભેજવાળા છે. 128 કેવળજ્ઞાનીનો આત્મા પણ દેહવ્યાપકક્ષેત્રઅવગાહિત છે; છતાં લોકાલોકના સઘળા પદાર્થો જે દેહથી દૂર છે તેને પણ એકદમ જાણી શકે છે. 129 સ્વપરને જુદા પાડનાર જે જ્ઞાન તે જ્ઞાન. આ જ્ઞાનને પ્રયોજનભૂત કહેવામાં આવ્યું છે. આ સિવાયનું જ્ઞાન તે ‘અજ્ઞાન’ છે. શુદ્ધ આત્મદશારૂપ શાંત જિન છે. તેની પ્રતીતિ જિનપ્રતિબિંબ સૂચવે છે. તે શાંત દશા પામવા સારુ જે પરિણતિ, અથવા અનુકરણ અથવા માર્ગ તેનું નામ ‘જૈન'; - જે માર્ગે ચાલવાથી જૈનપણું પ્રાપ્ત થાય છે.